સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુલા ભાયા ‘કાગ’/આવકારો મીઠો આપજે

Revision as of 04:47, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે આવકારો મીઠો… આપજે રે જી… તારે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે
આવકારો મીઠો… આપજે રે જી…
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી…
માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુઃખિયાં આવે રે — આવકારો મીઠો…
આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો? …એમ નવ કે’જે…રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે — આવકારો મીઠો…
આપજે રે…જી…
વાતું એની સાંભળીને… આડું નવ જોજે…રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે — આવકારો મીઠો…
આપજે રે…જી…
‘કાગ’ એને પાણી પાજે… સાથે બેસી ખાજે…રે…,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે — આવકારો મીઠો…
આપજે રે…જી…