સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુલા ભાયા ‘કાગ’/તૃષ્ણાને જોબન આવ્યાં

જૂની થઈ દેયું, ને તૃષ્ણાને જોબન આવ્યાં,
ચીતડામાં સળગ્યા સંતાપ જી;
અંગડાં ડૂક્યાં ને મનડાનો વેગ વધ્યો,
તનડામાં ત્રાવિધના તાપ જી.
પગડા ખોડા ને ડુંગર માપવા,
જીભ જૂઠી ને દેવા શાપ જી....
પાંખુ વિણ ઊડવું આકાશ જી,
આંખ્યું વિનાનું વનરામાં ઘૂમવું જી....
વાણી બગડી ને વ્યાધિ ઘેરી વળી,
કાગ, ન સૂઝેલાં સવળાં કામ જી;
સેજલડી લાગે રે એને સાપની —
રિસાઈ ગયો છે જેનો રામ જી.