સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુષ્યન્ત પંડ્યા/“એ પણ મારા જ દીકરા હતા!”

          સ્વામી વિવેકાનંદ અમરનાથની યાત્રાએ ગયેલા તે દરમિયાન સંઘ ક્ષીરભવાનીના મંદિર પાસે પહોંચ્ચો. વિધર્મીઓને હાથે ખંડિત થયેલું મંદિર જોઈને સ્વામીજી જરા કોપાયમાન થયા. રાત્રે સૂવા ગયા ત્યારે દેશની નિર્બળતાનું કલંક એમને પીડી રહ્યું હતું. વ્યથાથી ભારે ચિત્તે એ મંદિરનું નવનિર્માણ વિચારી રહ્યા. સવારે ઊઠ્યા તે વિવેકાનંદ બીજા જ હતા. વ્યથાનો બધો ભાર સરી પડ્યો હતો. ગ્લાનિના તરંગો શમી ગયા હતા અને ચિત્તમાં સમતા વ્યાપી હતી. તે બોલી ઊઠ્યા: “રાતે સ્વપ્નમાં મા દેખાયાં. બોલ્યાં: મંદિરનું નવનિર્માણ કરનાર તું કોણ? તોડનાર પણ મારા જ દીકરાઓ હતા.” સ્વામીજીની સાથે એ યાત્રાએ ગયેલાં એમનાં બ્રિટિશ શિષ્યા ભગિની નિવેદિતાએ આ વાત પોતાના પુસ્તક ‘ધ માસ્ટર એઝ આઈ સો હીમ’માં નોંધી છે. [‘ભક્તિપદારથ’ પુસ્તક: ૨૦૦૪]