સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ ઠાકર/કોઈ તારશે, તો આ વાણી જ

          ગાંધીજીએ પ્રગટાવેલાં મૂલ્યોની વિશેષતા એ છે કે, વારંવાર તેનો હ્રાસ કરતાં વિરોધી બળોનું વર્ચસ જામ્યા છતાં, દબાઈ ગયેલાં ગાંધીમૂલ્યો તક મળ્યે માથું ઊંચકીને પ્રજાને સત્ય, પ્રેમ અને કલ્યાણનો માર્ગ ચીંધ્યા કરે છે, મૂલ્યોની આ શાશ્વતતાને કારણે, તેમ સ્વપુરુષાર્થથી શતદલપદ્મની જેમ ખીલેલા મહાત્માના વ્યક્તિત્વને બળે કરીને, તેમનો પ્રભાવ પરોક્ષ રીતે પણ આજ સુધી વિસ્તરેલો છે. સહસ્રરશ્મિના તેજબિંબમાંથી ફૂટતાં કિરણો જેમ એકસાથે સર્વ દિશાઓને અજવાળે છે તેમ, તેમના સચ્ચારિત્રયમાંથી ફૂટેલી તેજ-સરવાણીઓએ રાષ્ટ્રદેહનાં ધર્મ, અર્થ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ અને સાહિત્ય — એમ સર્વ અંગોને પ્રકાશિત કીધેલાં છે. ગાંધીજીનું સાહિત્ય વિપુલ છે. સાહિત્યસર્જન માટે નહિ, પણ લોકશિક્ષણ અર્થે તેમની લેખનપ્રવૃત્તિ હતી. એટલે તેમના સમગ્ર જીવનકાર્યનો અર્ક તેમના સાહિત્યમાં ઊતરેલો છે. તેમનાં લખાણો ઘણુંખરું ચિરંતન સાહિત્યની કોટિમાં સ્થાન પામે છે. ગુજરાતી કે ભારતની અન્ય કોઈ ભાષામાં એક જ લેખકે આટલું વિપુલ લખાણ કરેલું હોય, એમ જાણ્યામાં નથી. ગુજરાતી સાહિત્યના પટ પર એક એ જ એવા લેખક થઈ ગયા, જેમણે દેશભરના સાહિત્ય અને જીવન પર યુગસ્વામી તરીકે અસર પાડી છે. ગાંધીજીનું સાહિત્ય, કોસ હાંકનાર પણ સમજી શકે તેવી ભાષા વાપરવાના તેમના આગ્રહનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. છેલ્લામાં છેલ્લા થરનો માણસ પણ સમજી શકે તેવી સાદી, સરળ અને સીધેસીધી અસર કરે તેવી ભાષાનો પ્રયોગ તેમને સહજ સિદ્ધ હતો. સાદી ને તળપદી ભાષામાં ભવ્ય અને દુર્ગમ વિચારો રજૂ કરવાની તેમનામાં શક્તિ હતી. “બંદૂકની ગોળી જેવાં ટૂંકાં ટૂંકાં વાક્યો”થી તેઓ ધારી અસર ઉપજાવી શકતા હતા. બુદ્ધ અને મહાવીરની માફક તેમણે લોકભાષાનો બહોળો ઉપયોગ કરેલો છે. જરૂર પડયે તેમણે સંખ્યાબંધ નવા શબ્દો યોજ્યા છે. ગુજરાતી ગદ્યમાં ઘરગથ્થુ કહેવતો અને રૂઢિપ્રયોગોનો ગાંધીજીના જેટલો બહોળો ઉપયોગ તેમના પુરોગામીઓમાંથી ભાગ્યે જ કોઈએ કર્યો હશે. ભાષાની ગુંજાશને વધારવામાં ગાંધીજીનો ફાળો અવિસ્મરણીય છે. ગાંધીજીનાં સર્વ લખાણોમાં સાહિત્યિક દૃષ્ટિએ ‘આત્મકથા’ વિશેષ મહત્ત્વની છે. જેમ કોઈ સુવર્ણકાર સુવર્ણ ગાળીને શુદ્ધ કરતો જાય, તેમ તેમણે સત્યની ભઠ્ઠીમાં પોતાના જીવનની વિવિધ ઘટનાઓને ગાળીને અહીં મૂકી છે. જ્યારે વાંચો ત્યારે તેનાં તેજ ને તાજપ સ્પર્શ્યા વિના ન રહે. તેના શબ્દેશબ્દમાંથી અન્ય સર્વ માટેનો પ્રેમ અને પોતાને માટે સત્યના જ્વલંત અગ્નિનો સ્પર્શ પ્રતીત થાય છે. ગુજરાતને શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ ગાંધીજીની આત્મકથાએ આપ્યો. તે ભારતની જ નહિ, દુનિયાભરની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામી છે. સત્યાગ્રહના પોતાના દક્ષિણ આફ્રિકામાંના પ્રયોગ અને અનુભવનું વર્ણન ગાંધીજીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તકમાં કર્યું છે. તે શુષ્ક ઇતિહાસને બદલે પ્રેમ અને ઉત્સાહથી કરેલું સ્વાનુભવનું રોમાંચક રસભર્યું વર્ણન બને છે. તે ચિત્ર એવી સચેત લેખિનીથી તેમણે દોર્યું છે કે ગમે તે જમાનાના વાચકને રોમાંચિત કર્યા વિના રહે નહીં. ‘હિંદ સ્વરાજ’ ગાંધીજીના આંતરમંથનનો જ્વલંત અગ્નિ પ્રગટ કરનારું પુસ્તક છે. ભારતને કેવું સ્વરાજ ખપે અને તે કેવી રીતે પ્રાપ્ત કરવું, તેની ચર્ચા તેમાં તેમણે કરી છે. ગાંધીજીની પત્રકારપ્રવૃત્તિ ગુજરાત જ નહિ ભારતના પત્રકારત્વના ઇતિહાસનો ઉજ્જ્વલ અને સર્વશ્રેષ્ઠ તબક્કો છે. પત્રકારી સ્વાતંત્રયની ગાંધીજીએ હિમાયત કરી છે. છતાં તેમણે કહ્યું છે કે, “જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.” આ અંદરનો અંકુશ ગમે તેવી કટોકટીભરી સ્થિતિમાં પણ તેમણે ગુમાવ્યો નહોતો, એ તેમની પત્રકાર તરીકેની મોટી સિદ્ધિ હતી. સત્યભક્તિ, નીડરતા, નિયમિતતા, ઉદારતા અને વિશાળ જનહિતભાવના, એ તેમના પત્રકાર તરીકેના બીજા ગુણો હતા, જે વડે કાળક્રમે તેઓ પત્રકારમાંથી લોકનેતા અને માનવજાતિના ઉદ્ધારક સંતપુરુષ રૂપે મહોરી ઊઠ્યા હતા. દેશમાં ચોમેર હિંસા અને વેરઝેરનો ભયાનક દાવાનળ સળગી રહ્યો હતો ત્યારે, જિંદગીના છેલ્લા સાડાચાર માસ દરમ્યાન, ગાંધીજીએ આપેલાં પ્રાર્થના પ્રવચનો પ્રેમ અને શાંતિની અમૃતવર્ષા કરી રહ્યાં હતાં. ગાંધીજીએ હિંદુસ્તાનીમાં આપેલાં એ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ ‘દિલ્હી ડાયરી’ પુસ્તકમાં વાંચતાં એમ લાગે છે કે સ્વાતંત્રયપ્રાપ્તિ બાદ નૈતિક અધઃપતન તરફ વળી રહેલી આપણી પ્રજાને હજીયે જો કોઈ તારશે તો આ શહીદ સંતની અમર વાણી જ. જેને તેના જીવનકાળ દરમ્યાન જ દુનિયાએ વિશ્વવંદ્ય વિભૂતિ તરીકે ઓળખવાનો દાવો કર્યો હતો અને જેના લાખ્ખો અનુયાયીઓ હતા, તેને જ એ અનુયાયીઓની વચ્ચે “મારું કોઈ સાંભળતું નથી” એવા આર્તનાદે રુદન કરવાનો વખત આવે, અને પોતાના જ સહધર્મીના દ્રોહનો ભોગ બનવું પડે, એના જેવી ઇતિહાસમાં બીજી કઈ કરુણ ઘટના નોંધાઈ હશે? આ દૃષ્ટિએ ઈસુ અને સૉક્રેટિસના કરતાં ગાંધીજીની બલિદાનકથા વિશેષ કરુણ છે.

[‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ : ભાગ ૨]