સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ ઠાકર/પત્રમાધુરી

         

[ધીરુભાઈ ઠાકર પરના પત્રો]

ભાવનગર, તા. ૧૩-૭-૮૩ મુ. શ્રી ધીરુભાઈની પવિત્ર સેવામાં, કુશળ હશો. આ કાગળ આપને વિનંતી રૂપે લખું છું, આપની ઉદારતાથી દયા કરશો તેવી આશાથી લખું છું. ૪-૬ દિ’ પે’લાં મુ. નાથુભાઈ દવે ખબર આપી ગયેલા કે, આવતા સપ્ટેમ્બરમાં પ્રો. રવિશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાનરૂપે સાયન્સ કોલેજમાં વ્યાખ્યાન દેવા તમે આવવાના છો અને તેમાં મારાં કાવ્યો વિશે પણ બોલવાના છો, માટે કાવ્યસંંગ્રહો આપો; હું શુક્રવારે અ’વાદ જાઉં છું, ઠાકર સા.ને આપી આવીશ. આ બારામાં શ્રી હરીન્દ્ર દવે તથા ડો. દિલાવરસંહિજી જાડેજા ભાવનગરના કવિઓ પર બોલી ગયા, ત્યારે તેઓ મારા વિશે બોલવાના હતા. મેં તેઓને પત્ર લખી વિનંતી કરેલી કે કૃપા કરી મારા વિશે ન બોલશો, ને તેઓએ મારા પર દયા કરી મને પડતો મૂકેલો. આપને પણ મારી તે વિનંતી છે. હું કવિ કે સાહિત્યકાર નથી જ, માણસ છું. આ જમાનામાં જન્મ્યો છું એવા કુટુંબમાં કે લખતાં વાંચતાં શીખ્યો, ને સુખદુખ બોલ્યા વગર રે’વાતું નથી તેથી લખી છપાવું છું. પણ અંતરથી સમજું છું કે તદ્દન મિથ્યાભિમાન છે. અંગત રીતે મારી નંદાિ કરવી હોય કે લખાણોમાં કેવળ દોષદર્શન જ કરાવવાના હો તો ખુશીથી બોલો, નહીં તો મારા જીવતાં નહીં. હું હવે લાંબું કાઢું એમ નથી. હું એવી વ્યક્તિ નથી જ કે મારો ઉલ્લેખ પણ યોગ્ય હોય. ખૂણામાં જીવ્યો છું ને એમ ને એમ જાઉં એમાં જ મારું કલ્યાણ છે. તેમાં આપ મારા પર ઉદારતાથી દયા કરી, મારે વિશે કોઈ જ ઉલ્લેખ ન કરો એ પ્રાર્થના છે. લિ. સેવક


મુકુન્દરાયના પ્રણામ


[મુકુન્દરાય પારાશર્ય]


અમદાવાદ, ૧-૫-૯૨ ભાઈ શ્રી ધીરુભાઈ, તમારી ‘સ્મરણમાધુરી’ વાંચી પ્રસન્ન થઈ ગયો. ખૂબ રસ પડ્યો. તમારી સ્મૃતિ પણ ગજબની છે. ભાષા પણ પ્રાસાદિક છે. બબ્બે વાર પોલીસનો સામનો કરનાર અને બેયોનેટના ઘા ઝીલનારની તમારી મૂતિર્ નજર સામે ખડી થાય છે. તમારે વિશે પણ ઘણું જાણવાનું મળ્યું. તમે મોડાસામાં લગભગ બધી જ જ્ઞાનશાખાઓ વિકસાવી એક યુનિવસિર્ટી જ ઊભી કરી હતી, એમ કહીએ તોયે ચાલે. અને હવે નિવૃત્તિ પછી તમે જે મહાભારત કાર્ય ઉપાડ્યું છે તે પણ એટલું જ યશસ્વી નીવડશે, એમાં શંકાને સ્થાન નથી. લિ.

નગીનદાસ પારેખનાં વંદન

૨૨-૭-૬૬ પ્રિય ધીરુભાઈ, ‘સ્વાધ્યાય’માં હાઈકુ પરનું તમારું વ્યાખ્યાન વાંચતાં ઘણો આનંદ થયો. તમે વિષય પરની જે પકડ એમાં દાખવી છે, તે ખરેખર ઊંડી સમજ અને સામર્થ્ય દર્શાવે છે. હું જાણું છું કે તમને એ માટે જોઈતું સાહિત્ય મળ્યું ન હતું, એમ છતાં તમારી આગવી સૂઝથી હાઈકુના મર્મને તમે સારી રીતે પકડી શક્યા છો. એ માટે તમને ધન્યવાદ જ નહીં-કૃતજ્ઞતાપૂર્વક મારા હાદિર્ક ધન્યવાદ. મારી કૃતિઓને આટલા તાટસ્થ્યથી જોવાની તમે મને મોટી તક આપી છે, અને એનો લાભ માત્ર હાઈકુ માટે જ નહીં, મારી બીજી સર્જનપ્રક્રિયા માટે પણ હું લઈશ. દા. ત. તમે અબ્ધિ છોળોએ દડો સૂર્યનો ઝીલ્યો ઊછળી ઊંચે. હાઈકુની પ્રલંબ આકૃતિને એમાં જે જરાક વિક્ષેપ નડે છે એમ બતાવ્યું છે, તે મને ખરું લાગ્યું છે. અને તમારાં બે સૂચનના નિર્દેશ લઈ મારા સંગ્રહમાં સુધારીને હું નીચે પ્રમાણે મૂકવા ધારું છું : અબ્ધિ છોળોએ ઊછળી ઊંચે ઝીલ્યો દડો સૂર્યનો. એ જ પ્રમાણે ઠીંકરી જળે ઠેકવી ગઈ સરે ઝાંઝર એનાં. અંગે જે કહ્યું છે, તે પણ સાચું છે. ઠીંકરી જળે ઠેકતી જાય : સરે નાજુક લ્હેર. -એમ જો હું મૂકી શક્યો હોત તો સંભવ છે કે વધુ સારું થાત. પણ એ હાઈકુ ઘણુંબધું જાણીતું થયું છે, એટલે હવે એમાં મને ફેરફાર કરવાનું ઠીક નથી લાગતું. કોઈક સામયિક, જેમ કે ‘સંસ્કૃતિ’ કે ‘બુદ્ધિપ્રકાશ’માં દર મહિને તમે આવો એક સ્વાધ્યાય આપતા હો, તો કેવું સારું! મોડાસામાં તમે છો ત્યાંનું શાંત વાતાવરણ ને વસ્તુના મૂળ સુધી પહોંચવાની તમારી શક્તિ, એનો સુમેળ કેટલો બધો અણમોલ બને! લિ.


ઝીણાભાઈના સપ્રેમ નમસ્કાર


[ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’]


વડોદરા, ૩૦-૧૨-૫૭ સ્ને. શ્રી ધીરુભાઈ, તમે ભેટ આપેલું ‘મણિલાલ નભુભાઈ : જીવનરંગ’ એ પુસ્તક તરત સાદ્યન્ત વાંચી ગયો છું. મણિલાલના જીવન અને સાહિત્યનો ઊંડો, સાંગોપાંગ અભ્યાસ કરીને તમે ગુજરાતી સાહિત્યની એક સાચી સેવા બજાવી છે. ‘જીવનરંગ’માંના પ્રત્યેક મહત્ત્વના વિધાનને તમે ઉચિત પુરાવા અને સાધકબાધક વિગતોના તોલન સહિત રજૂ કર્યું છે, છતાં નિરૂપણની સરલતાને ક્યાંય બાધ આવતો નથી અને ચરિત્રનાયકનું સુરેખ વ્યક્તિત્વ એમાંથી ઊપસી આવે છે, એ તમારી એક આગવી સિદ્ધિ છે. મણિભાઈની આ જીવનકથા તત્કાલીન સામાજિક સાંસ્કારિક ઇતિહાસ માટે પણ એટલી જ અગત્યની.


લિ. સ્ને.


ભોગીલાલ સાંડેસરાના નમસ્કાર


૧-૬-૯૨ સ્ને. શ્રી ધીરુભાઈ તમારો લેખસંગ્રહ ‘અભિજ્ઞાન’ મળ્યો કે તુરત એ હું સાદ્યન્ત વાંચી ગયો હતો. આ પહેલાંનાં તમારાં લગભગ બધાં પુસ્તકો મેં વાંચેલાં છે, પણ પ્રસ્તુત સંગ્રહમાંનો એક પણ લેખ આ પહેલાં મેં વાંચ્યો ન હતો. વાંચીને ઘણો સંતોષ થયો. તમારા શાંત અધ્યયન અને શીલનો શીળો પ્રકાશ તમારા પ્રત્યેક લેખમાં તથા તમારી શૈલીમાં પ્રગટ થાય છે, એ માટે અભિનંદન!

લિ. સ્ને.


ભોગીલાલ સાંડેસરાના નમસ્કાર


મુંબઈ, ૧૮-૮-૪૯ સ્નેહી ભાઈશ્રી ધીરુભાઈ ઠાકર, મારાથી થઈ શકે છે તેટલું અને કંઈક વધારે કામકાજ હું કરતો આવ્યો છું. હજી કર્યા કરું છું. આખર લગી એમ જ ચાલ્યા કરશે, કેમ જે કામ જ મારું જીવન છે. વહુ નથી, કામકંદર્પ નથી; પૈસાનો લોભ હતો જ નહીં : ગરીબી અને તંગી સામે બંડ કરવા કંઈ પણ કરી નાખીને, આમ દોડીને તેમ ફાંફાં મારીને ધન ધન ધન મેળવાય તો ધન્ય-એ વૃત્તિ જ કદાપિ નહોતી, હવે થાય એમ નથી. છોકરાં મ્હોટાં થઈ ગયાં; એટલે જંજાળ-કડવી, ખટમીઠી, મધુરી, સ્વર્ગીય, જેવી ગણો તેવી મુદ્દલ નથી. મૌન આવડે છે; અસહકાર આવડે છે; પ્રતિષ્ઠા ન જળવાય એવું ડગલું ભરવું નથી, એવી સોબતમાં ઘસડાવું નથી-એવા બડેજા મહાજનોથી અંજાવું નથી. મ્હારા જે સિદ્ધાંતો, જે વલણો, જે ફિલસૂફી છે, જે કાર્યપદ્ધતિ છે, કાર્યમાં જે સફાઈ અને જે ચોકસાઈ માટે આગ્રહ છે, ટૂંકામાં મ્હારું ચારિત્ર છે, જે સર્જન છે, જે રીતે વહ્યા કરે છે, જે એક જ મ્હારું જીવન છે, તેની કદર હાલના ગુજરાતે ઘણા કરી શકે એવો સંભવ મેં તો કોઈ બી દિવસે સ્વપ્ને પણ કલ્પ્યો નથી, કેમ કે હું ગુજરાતને, ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતની વાતડાહ્યી, આળસુ-અલ્પસંતોષી અને ફડાકી વિલાસિતાને બહુબહુ વહેલેથી-તમારો જન્મ પણ થયો નહીં હશે ત્યારથી-સારી રીતે ઓળખી ગયો છું. ગુજરાતનાં લક્ષણો અંબાલાલને નડ્યાં, ગાંધીજીને નડ્યાં, તો મ્હારા જેવા જંતુને ના નડે વળી?

બલવંત ક. ઠાકોરના જયભારત


છેલ્લા છએક દાયકા દરમિયાન મારા પર આવેલા પત્રોમાંથી કેટલાક પસંદ કરીને મૂક્યા છે. પત્રો લખનાર કોઈ ને કોઈ રીતે સાહિત્ય સાથે કામ પાડનાર મહાનુભાવો છે અને દરેક પત્રમાંથી નાનોમોટો સાહિત્યનો મુદ્દો ઊપસે છે. આ પત્રો આત્મરતિથી પ્રેરાઈને નહીં પણ કેવળ સાહિત્યપ્રીત્યર્થ પ્રગટ કરવા લલચાયો છું. તેમાંની વિગતો કાળના પ્રવાહમાં લુપ્ત થઈ જાય તે પહેલાં આ રીતે સચવાઈ રહે, તો કોઈક અભ્યાસીને કામ લાગે એવી આશા સાથે આ પત્રસંચય રજૂ કરું છું.


ધીરુભાઈ ઠાકર


[‘પત્રમાધુરી’ : પુસ્તક]


----------------------