સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ ઠાકર/શબ્દો

ચીલી દેશના કવિ અને નોબેલ લોરિયેટ પાબ્લો નેરુદાએ આત્મકથા ‘(મેમ્વાર્સ’)માં આ મતલબનું નિવેદન કર્યું છે :
મને શબ્દો મળે છે ફૂલની કટોરીમાંથી,
મને શબ્દો મળે છે ભોજનની થાળીમાંથી,
મને શબ્દો મળે છે વરસાદની હેલીમાંથી,
મને શબ્દો મળે છે રેતી અને પથ્થરમાંથી,
મને શબ્દો મળે છે લોહી અને આંસુમાંથી,
મને શબ્દો મળે છે …..બધેથી…
એ લોકો આવ્યા.
એમણે અમારા પ્રદેશ પર હુમલો કર્યો.
અમારું બધું જ લૂંટી ગયા.
પણ…
પણ એમને ખબર નથી કે તેઓ એક મોટી દોલત પાછળ મૂકતા ગયા છે.
એમનાં શિરસ્ત્રાણમાંથી, એમનાં પગરખાંમાંથી,
એમની ફરફરતી દાઢીમાંથી, એમનાં ઘોડાંની ખરીઓમાંથી, એમનાં હથિયારમાંથી, એમના પ્રહારોમાંથી,
એમની ગાળોમાંથી અને એમના હોકારા-પડકારામાંથી
અમને શબ્દો આવી મળ્યા છે.
જે આક્રમણકારો આવ્યા એમના શબ્દો એટલી મોટી દોલત છે કે
તેમાંથી બની અમારી ભાષા.
[લંડનમાં પ્રવચન : ૨૦૦૬]