સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ ઠાકર/સ્વસંસ્કારનું ભાન કરાવનાર લોકનાયક

          ગુજરાતી પ્રજા માટે મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૫૮-૧૮૯૮) વિપુલ અક્ષરવારસો મૂકી ગયા છે. સાહિત્યનાં લગભગ તમામ અંગોનું તેમણે સફળ ખેડાણ કરેલું છે. મણિલાલ કેવળ સાક્ષર નહોતા; લેખનકાર્ય દ્વારા પ્રજાને સ્વસંસ્કારનું ભાન કરાવનાર લોકનાયકની જવાબદારી પણ તેમણે બજાવી હતી. ગુજરાતી પ્રજાને પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિ તરફ વાળનાર સાંસ્કારિક આંદોલનરૂપે તેમની સાક્ષરતા ગુજરાતભરમાં ફેલાઈ ગઈ હતી. મણિલાલની આ સંસ્કારરક્ષક પ્રવૃત્તિનું મુખ્ય વાહન તેમનાં બે માસિક પત્રો ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ હતાં. તેમના અક્ષરજીવનના અર્કરૂપ ગણાતા ગદ્યલેખો લેખકના મૃત્યુ બાદ એક દાયકે ૧૯૦૯માં ‘સુદર્શન ગ્રંથાવલિ’રૂપે સંગ્રહિત થઈને પ્રગટ થયેલા. મોટા કદનો ૧૧૦૦ જેટલાં પાનાંનો આ ગ્રંથ અપ્રાપ્ય થતાં તેમાંથી પસંદ કરેલા નિબંધોના બે સંગ્રહો ૧૯૪૮માં ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યા હતા. તે પણ આજે દુષ્પ્રાપ્ય છે. અહીં સ્વીકારેલી પૃષ્ઠમર્યાદામાં રહીને મણિલાલના પ્રતિનિધિરૂપ નિબંધોનો આ ‘મણિલાલ દ્વિવેદી સંચય’ રજૂ થાય છે. તેમાં, વડોદરા રાજ્યની કન્યાશાળાઓ માટે મણિલાલે તૈયાર કરેલા લઘુનિબંધોના સંગ્રહ ‘બાળવિલાસ’માંથી પણ કેટલીક નમૂનારૂપ કૃતિઓ મૂકી છે. વિદ્વત્તા, વિશાળ અનુભવ અને અવલોકનની સંપત્તિ મણિલાલ પાસે બહોળા પ્રમાણમાં છે. ઉચ્ચ વિચારસામગ્રી એ મણિલાલના નિબંધોનું મુખ્ય લક્ષણ છે. પ્રત્યેક મુદ્દાની ચર્ચાને વિશદ કરવા માટે તેઓ વચ્ચે વચ્ચે ઉચિત દૃષ્ટાંતો મૂકે છે. આને લીધે અઘરો વિષય પણ સુગ્રાહ્ય બને છે. મણિલાલનું ગદ્યપ્રભુત્વ અદ્ભુત છે. આટલી સાદી છતાં પ્રૌઢ, સરળ છતાં વિચારગર્ભ, ઉત્કટ છતાં સ્વસ્થ અને શાસ્ત્રીય છતાં સઘળા વિષયોને સુગ્રાહ્ય બનાવી દેતી સર્વભોગ્ય ગદ્યશૈલી ગુજરાતી ભાષાને મણિલાલે સૌપ્રથમ ઘડી આપી. ગુજરાતી ગદ્યના વિકાસમાં મણિલાલનો આ ફાળો અવિસ્મરણીય રહ્યો છે. સમર્થ ગદ્યસ્વામી તરીકે ખ્યાતિ પામનાર મણિલાલે લેખનનો પ્રારંભ કવિતાથી કરેલો. મૅટ્રિકની પરીક્ષામાં પાસ થયા તે વર્ષે તેમણે ‘શિક્ષાશતક’ નામનો બોધક પદ્યખંડોનો સંગ્રહ પ્રગટ કરેલો. પણ પછી મણિલાલે કાવ્યસર્જનને પોતાની પ્રધાન સાહિત્યિક પ્રવૃત્તિ ગણી નહીં. છૂટક છૂટક કુલ ૫૫ કાવ્યો તેમણે લખ્યાં હતાં, જે ‘આત્મનિમજ્જન’ નામના એકમાત્રા સંગ્રહમાં સમાવિષ્ટ છે. મણિલાલનાં કાવ્યોમાં મોટી સંખ્યા જૂનાં ભજનો, લોકગીતો કે ગરબીઓના ઢાળમાં રચાયેલાં ગીતોની છે. સરળ, રસાળ અને સંગીતમય વાણીમાં ઉત્તમ વિચારસામગ્રી ભરીને મણિલાલ અર્વાચીન ગુજરાતી કવિતાને ઉન્નત તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં વિહરાવે છે.

[‘મણિલાલ દ્વિવેદી સંચય’ પુસ્તક]