સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધ્રુવ/ઝાડનાં મૂળની જેમ


ઝાડનાં મૂળિયાં દેખાવમાં તો કેટલાં સુંવાળાં જણાય છે! હાથ અડાડીએ, તો ભાંગી જાય એવાં કોમળ હોય છે. છતાં એ મૂળિયાંમાં કેટલું બધું બળ હોય છે! પથ્થર જેવી જમીનનેય તોડીને ઊંડે ઊંડે પાણી મળે ત્યાં સુધી સોંસરાં ઊતરી જાય છે. અને એક વાર અંદર ઊતર્યા પછી મૂળ જાડું થવા પ્રયત્ન કરે છે, જમીનને પહોળી બનાવે છે. આ રીતે જમીન સોંસરવા ઊતરવામાં અને પથ્થર જેવી જમીનનેય પહોળી કરવામાં કેટલું બધું બળ જોઈતું હશે! સ્ત્રીમાં પણ આવું જ બળ છે. એના બળને માપી શકાય નહીં, તેથી તેને અ-બળા કહી છે. સ્ત્રી કઠણમાં કઠણ હૃદયમાં ઊતરી જઈને જગા કરે છે. એ પારકાના ઘરને પોતાનું કરી લે છે, પોતે એ ઘરની થઈ જાય છે, એ ઘરમાં સમાઈ જાય છે. ઝાડનાં મૂળની જેમ એ ઘરમાં સોંસરી ઊતરી જઈને ઘરનો કબજો લઈ લે છે.