સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ પારેખ/માંગલ્યને ગાતી કવિતા

          વાસ્તવ ધરતીથી બહુ ઊંચે ભાવના કે આદર્શના આકાશમાં ઊડ્યા વગર અને ચિંતનના ગહનમાં બહુ ઊંડે ઊતર્યા વગર, જીવનની ઝંઝા-થપાટો ખાવા છતાં આશા કે પુરુષાર્થનો સૂર છોડ્યા વગર, જીવનના આનંદ, ઉલ્લાસ અને માંગલ્યને ગાતી શ્રી બાલમુકુન્દ દવેની કવિતા પોતાની નિર્વ્યાજ મનોહરતાને કારણે આકર્ષણ કર્યા વગર રહેતી નથી. પોચટ લાગણીવેડા કે પોકળ શબ્દાડંબર ક્યાંય નથી. હૃદયની સાચી લાગણીઓ સચ્ચાઈપૂર્વક, સંયમ અને મિતભાષિતાથી, અહીં વ્યક્ત થયેલી જોવા મળે છે.