સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરહરિ પરીખ/એમાં નવાઈ શી?

આપણે,
જેઓ ગરીબ લોકોની સેવા કરવાનો દાવો કરીએ છીએ,
તેમણે વિચારવાનું છે કે
કેમ એ લોકો તોફાની ચળવળ કરનારાઓ પાસે દોડી જાય છે?
તેમનાં હિતને નામે જે હડતાલો તેમની મરજી વિરુદ્ધ
થોડા ગુંડાઓ દ્વારા પડાવવામાં આવે છે,
તેને વશ ન થવા જેટલું બળ
આપણે કેમ તેમનામાં પેદા કરી શકતા નથી?
આપણે વિચારીએ કે આપણામાંથી કેટલા
સમાજના છેક નીચલા થરના
કચડાયેલા લોકો પાસે પહોંચ્યા છીએ?
તેમનાં દુઃખો ટાળવામાં આપણામાંથી કેટલા
તેમને મદદગાર થયા છીએ?
ઉપલા થરના લોકો આ લોકોની મહેનતનો ગેરવાજબી લાભ ઉઠાવે છે,
તેમને ચૂસે છે, તેમનું અપમાન કરે છે,
ને એ લોકોને ઊંચે આવવા દેતા જ નથી.
પણ ઉપલા થરના લોકોને આ હકીકત કહેવાની
આપણી હિંમત ચાલતી નથી.
આપણા પર તેઓ નારાજ થશે, અને તેથી આપણી પ્રવૃત્તિઓમાં
ધનથી તેમનો જે સહકાર મળતો હોય છે તે બંધ થશે,
એવો ડર આપણા દિલ ઉપર સવારી કરે છે.
પછી દલિત વર્ગ
તોફાનોને જ ક્રાંતિનું હાર્દ માનવાવાળા લોકોના હાથમાં જઈ પડે,
એમાં નવાઈ શી?