સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરેશ ઉમરીગર/દરજ્જાનો ખ્યાલ

          માનસિક કામ કરનારા આપણને બધાને એક જાતનું બેઠાડુ, બને ત્યાં સુધી પટાવાળા અને નોકરો પાસેથી કામ લેવાની આદતવાળું, જીવન જીવવાની ટેવ પડી ગઈ છે. અને આપણું શિક્ષણ પણ આપણને એ જ શીખવી રહ્યું છે. આપણે આપણી ઑફિસમાં પટાવાળાઓ પાસે તેમની ફરજના ક્ષેત્રમાં ન આવતું કામ પણ લઈએ છીએ. બહુ ઓછા શિક્ષિત માણસો આવા કર્મચારીઓનાં નામ જોડે ‘ભાઈ’ શબ્દ જોડીને તેમને સંબોધતા હશે. પટાવાળો આપણા કરતા ઉંમરમાં મોટો હોય તો પણ ‘તું’ જ રહે છે. પશ્ચિમના સંપત્તિવાન દેશોમાં ઝાડુવાળો પોતાની મોટરમાં આવી સફાઈ કરી, જમવાના સમયે, તે જ ઑફિસના વડા સાથે એક ટેબલ પર ભોજન કરવા બેઠો હોય. માનવ સમાનતાનો આપણે ફક્ત વિચાર-સ્વીકાર જ કર્યો છે, એના અમલ વિષે આપણે ભાગ્યે જ સભાન રહીએ છીએ. સ્વિટ્ઝરલેન્ડમાં બાગમાં સુકાયલાં પાંદડાં વીણતા વૃદ્ધને એક પરદેશી મુસાફરે ત્યાંના પ્રમુખની ઑફિસ બતાવવા કહ્યું. વૃદ્ધ પેલાની જોડે ચાલ્યો. ઑફિસમાં આવ્યા પછી વૃદ્ધે કહ્યું : “બોલો, શું કામ છે? હું જ પ્રમુખ છું.” આ સહજતા આપણા રાજકારણીઓમાં ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે દરજ્જાના ખ્યાલને આપણે ક્યારેય છોડયો નથી. [‘ગુજરાતમિત્ર’ દૈનિક]