સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/આવતી પેઢીને એ નહીં મળે

          એવું સાંભળેલું કે આપણે માટે તો જેલ મહેલ સમાન હોવી જોઈએ. એનો અર્થ એ કે માણસને મહેલની સગવડોમાંથી જે સુખ મળે છે તે આપણને જેલના કસોટીભર્યા જીવનમાંથી મળવું જોઈએ. પણ સત્યાગ્રહીઓએ ૧૯૪૨માં સાબરમતી જેલને ખરેખર જ મહેલ બનાવી દીધો હતો. જે સગવડો બહાર મળે તે બધી જ અંદર મળતી એટલું જ નહિ, કોઈ જાતની ચિંતાયે નહીં. એટલે સાબરમતીથી વિસાપુર જેલમાં જવાનું નક્કી થતાં જ મારું દિલ આનંદથી ભરાઈ ગયું. મને થયું : ચાલો, ત્યાં તકલીફોમાં સાચી જીવનસાધના થશે. સાબરમતીથી ઊપડ્યા ત્યારે અમારી પાસે મગજની ભરેલી પેટીઓ હતી. ઘીનો ડબ્બો હતો. પથારી, ગોદડાં, રજાઈ વગેરે હતાં. એટલે ખાસા રસાલા સાથે અમારી પચાસ જણની ટુકડી વિસાપુર પહોંચી. બે દિવસની મુસાફરીથી થાક્યાપાક્યા અમે સ્વતંત્રા ઓરડી મેળવી લઈ આડા પડવાનો વિચાર કરતા હતા. ત્યાં તો જેલને દરવાજેથી ઓર્ડર છૂટયો : “કતાર!” અમે હારમાં ગોઠવાઈ ગયા. પછી નાની સરખી દરવાજાની બારીમાંથી એક પછી એક અમને અંદર જવાની પરવાનગી મળી. સહેજ હાલ્યા કે શ્યામ વર્ણના, મોટી મૂછોવાળા એક કદાવર જમાદાર લાકડી લઈને ધસ્યા જ હોય. ક્યાં સાબરમતીનું મુક્ત વાતાવરણ અને ક્યાં વિસાપુરની કડકાઈ! થોડી જ વારમાં અમારાં બધાં સાધનો છિનવાઈ ગયાં. નિરાશા વ્યાપી ગઈ. જેલના બે-ત્રાણ દિવસના અનુભવે અમે જોઈ લીધું કે અહીં રસોડામાં અંધેર ચાલે છે. અમારી સાથે એક જૂના જોગી કેદી હતા. યુવાન અને ઉત્સાહી હતા. અમે તેમને અમારા મુખી નીમ્યા. એમને જેલમાં બધે ફરવાની છૂટ મળી. બે-ત્રાણ દિવસ થયા ત્યાં ભાઈએ તો પોતાનાં પરાક્રમ શરૂ કર્યાં : “આજે તો ગાજર ખાધાં... રસોડામાં ગરમાગરમ રોટલા ખાવાની મઝા આવે છે......” બીજે દિવસે અમારી ટુકડીમાં વાત ચાલી : જો આપણો જ મુખ્ય માણસ બહાર જઈને ગાજર કે રોટલા ખાઈ આવે, તો પછી આપણી પ્રતિષ્ઠા શી રહે? આપણે આખી જેલમાં ભલે પચાસ જણ રહ્યા, પણ આપણું જીવન તો બાપુજીના આદર્શ પ્રમાણેનું જ હોવું જોઈએ...... સૌએ મળી અમારા મુખીને બદલી નાખ્યા. હવે મને બધે જવાની તક મળી. હું ઑફિસમાં જતો, રસોડામાં જતો. પણ ત્યાં મેં જોયું કે રાજદ્વારી કેદીઓની પ્રતિષ્ઠા નહોતી. તેઓ બે પોસ્ટકાર્ડ કે થોડા ભાત માટે વોર્ડરોની ગુલામી કરતા હતા. આ જોયું જતું ન હતું. જેલમાં ટપાલ ત્રીજે દિવસે વહેંચવામાં આવતી. બીજે દિવસે હું ઑફિસમાં ઊભો હતો. ઘેરથી કાગળ આવ્યો હતો. મને કહ્યું, “મિસ્ટર શાહ, આ તમારો કાગળ છે, લઈ લો.” હું મૂંગો રહ્યો. “એમાં શો વાંધો છે?” ટપાલનું કામ કરતા રાજદ્વારી કેદીએ કહ્યું. “ના, બધાને ટપાલ મળશે ત્યારે વાંચીશ.” જેલર આ સાંભળી રહ્યા હતા. તે મારા તરફ જોઈ જ રહ્યા. મેં કાગળ હાથમાંય ન લીધો, અને કહ્યું, “જો બધાને રોજ ટપાલ મળે, તો લેવામાં મને વાંધો નથી.” બે-ચાર દિવસમાં તો બધા વિભાગોનો પરિચય થઈ ગયો. રસોડામાં જોયું તો ભારે અંધેર ચાલતું હતું. ઘઉંની રોટલીની ચોડની ચોડ ઉપડી જતી હતી. ત્યાં બીડી અને સાબુનો વ્યવસ્થિત વેપાર ચાલતો હતો. એવું જ ભાતનું. પરિણામે ગરીબ કેદીઓના હકનું છિનવાઈ જતું હતું. રસોઈ બનાવવામાં પણ કોઈ જાતની કાળજી રહેતી ન હતી. અમે સાતેક જણે રસોડામાં મદદ કરવાનું નક્કી કર્યું. જેલરને બધી વાતની ખબર હતી, વળી અમારા માટે માન પણ હતું, એટલે તેમણે ખુશીથી એ વાત સ્વીકારી લીધી. બીજા દિવસથી અમે રસોડામાં કામે લાગ્યા. શરૂઆતમાં રોટલા બનાવવા લાગ્યા. ધીમે ધીમે અમે ૨૫થી ૩૦ જણ કામ કરતા થઈ ગયા. જેલના રસોડાની એક અનોખી દુનિયા હતી. કિસન એ જેલનો ગુંડો હતો, રસોડામાં ખૂણામાં બેઠો બેઠો બધાને નચાવતો હતો. તે બીડી-સાબુનો મોટો વેપારી હતો. એક મહિનામાં જ સમજાઈ ગયું કે રસોડાને સુધારવું હોય તો રસોડાનો કબજો લેવો જોઈએ. જેલર તો કહેતા જ હતા, પણ એ લેવો કેવી રીતે? બે મહિનામાં એકેએક વિભાગનો ભોમિયો થઈ ગયો. જેલમાં અઘરામાં અઘરું કામ તવા ઉપર ઊભા રહીને રોટલા શેકવાનું ગણાતું. જેલનો તવો એટલે બે-ચાર રોટલાનો તવો ન હતો. એક મોટું લોખંડનું પતરું હતું. એની ઉપર એકીસાથે અડતાળીસ રોટલા નાખી શકાય. તવો તો લાલઘૂમ થયેલો હોય. ગરમી તો એટલી કે પાસે ઊભા જ ન રહેવાય. બાજુ પર ઊભા રહી ત્રાણેક ફૂટ લાંબા તવેથાથી આ રોટલાને શેકતાં અડધું લોહી શેકાઈ જાય. અને જો સહેજ ઢીલ થાય તો રોટલો બળી જ ગયો સમજો. જે કેદી આ કામ કરે તેની સજા પણ દોઢી કપાય. પણ મારે તો રસોડાનો કબજો લેવો હતો, અને કબજો કાંઈ આવડત વગર થોડો લેવાય છે? તવા ઉપર ઊભા રહેવાનું શરૂ કર્યું. થોડા જ દિવસમાં સાધારણ હાથ બેસી ગયો. હું ઑફિસમાં ગયો. “બોલો, તમે ક્યારે ચાર્જ લો છો?” “કાલથી જ. પણ એક શરતે : આ કિસનને રસોડામાંથી બહાર કાઢવો જોઈએ.” “કિસનને?” જેલરે કહ્યું. “હા, એ ગુંડો છે. જ્યાં સુધી એ અંદર હશે ત્યાં સુધી કશું થઈ નહિ શકે.” “પણ તમે જાણો છો? કિસનને બહાર કાઢશું કે તરત જ આખા રસોડામાં ધમાલ થશે. બધા જ કેદીઓ રસોઈ ટુકડીમાંથી નીકળી જશે. પછી?” “તેની આપ ચિંતા ન કરો. અમે આખી જેલને રસોઈ કરીને ખવડાવશું.” “શું રોટલા પણ તમે શેકશો?” “હા.” જેલર થોડા ખચકાયા. વિસાપુર જેલના બારસો કેદીઓમાં લગભગ ૪૦૦ હુર હતા. તેઓ તો માંસાહારી હતા. અઠવાડિયામાં એક દિવસ અમને ગોળ મળતો, જ્યારે તેમને તેમનો ખોરાક મળતો. જેલરે કહ્યું : “પણ માંસ રાંધવાનું શું?” એ વાત મારા ધ્યાન બહાર જ રહી ગઈ. મેં કહ્યું, “તમે ખમી જાવ. હું તમને આવતે અઠવાડિયે ખબર આપીશ.” આજે રવિવાર હતો. જેલનું બધું રેશન તોળવા હું જતો હતો. પણ આ તો કોઈ દિવસ જોયું જ ન હતું. હુરોના આગેવાનને કહી દીધું : “સાંઈ, આજે હું આવીશ.” મારી જિંદગીમાં આ રીતે માંસ જોયું ન હતું. તાજું જ વાઢેલું બકરું ત્રાજવે ચઢયું. તે જોખાયું. એક ક્ષણ તો ચીતરી ચઢી. પણ મેં મન સાથે એટલું નક્કી કર્યું હતું કે જેટલો આદર મને મારા ખોરાક માટે છે, એટલો જ સામાના ખોરાક માટે હોવો જોઈએ. માંસનું ડબલું લઈને રસોડે પહોંચ્યા. ટુકડા થયા, એનો વઘાર પણ થયો. બધું જ બરાબર સમજી લીધું. મનને મક્કમ કર્યું. જો જરૂર પડે તો માંસ તૈયાર કરી આપવાની પણ મન સાથે તૈયારી કરી લીધી. બીજે દિવસે જેલરને કહ્યું, “હવે અમને કબજો સોંપો.” જેલર તો ખુશ હતા, કારણ કે રસોઈ સારી બને તો જેલસંચાલનની અડધી જવાબદારી ઓછી થાય. વળી આટલા દિવસના અનુભવથી તેમના દિલમાં પણ અમારે માટે શ્રદ્ધા જન્મી હતી. બીજે દિવસે સવારે આખી જેલ ચોંકી ઊઠી. કિસન, જેની સામે પોલીસ પણ બોલી ન શકે તેને બહાર ફાઇલમાં લઈ જવામાં આવ્યો. પગે બેડી પડી ગઈ. અને પછી તો શું જોઈએ? રસોઈઘરમાં ગયો. કોઈ રસોઈ કરવા તૈયાર નહીં. મેં કહ્યું : “જેમને સાથે રહેવું હોય તે રહે. અમારે કોઈની જરૂર નથી. હું તો એક જ વાતમાં માનું છું કે આપણે રસોડાને સારું બનાવવું છે. એમાંની ચોરીઓ અટકાવવી છે.” ટપોટપ કેદીઓ બહાર નીકળી ગયા. તવા ઉપર ઊભા રહેનાર કેદીએ પણ તવેથો છોડી દીધો. બારસો કેદીઓના રોટલા શેકવાના! એ કેદીઓના મનમાં તો ખાતરી હતી કે આ ખાદીવાળા બધું કરશે, પણ તવાનું શું? રાઘુ રોટલા શેકવામાં નિષ્ણાત હતો. તેણે કહ્યું : “હું પણ જાઉં છું.” મેં કહ્યું : “ભલે,” અને તવેથો હાથમાં લધો. એક કલાકમાં, તે શેકતો હતો તેથી સવાઈ રોટલાની ચોડ ઉતારી. બધા કેદીઓ જોઈ જ રહ્યા. અને બપોર થતાં સુધીમાં તો ટુકડીના માણસો અંદર આવી કામે લાગી ગયા. કારણ કે રસોઈ ટુકડીમાં ખાવાપીવાનું સુખ હતું, વળી રજાઓ પણ બીજા કરતાં વધુ મળતી. રાઘુ દશ વરસથી જેલમાં હતો. તેની સજા પૂરી થવાને છ માસ બાકી હતા. જો તે કામની ના પાડે તો તેની દોઢ વર્ષની ચઢેલી રજા પણ કપાઈ જાય. એટલે બધી રીતે વિચારી તેણે તવેથો મારા હાથમાંથી લઈ લીધો. જેલના જીવનમાં રસોડાનું સંચાલન મારે માટે મોટી સાધના બની ગઈ, અને એ સંચાલન કરતાં જે અનુભવો મળ્યા તેણે મારામાં અપાર શ્રદ્ધા જન્માવી. જેલ એ કેળવણીનું ઉત્તમ સાધન છે. મને ત્યાંથી જીવનની કેળવણી મળી. એ અનુભવોને આજે પણ ભૂલી શકતો નથી. આપણી આવતી પેઢીને હવે જેલમાં જવાનું નહીં મળે, અને એ રીતે તે અમૂલ્ય અનુભવોથી તેને વંચિત જ રહેવાનું.