સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/ધન્ય પોણો કલાક

          ‘કટોકટી’ પછી બાબુભાઈ પટેલની સરકાર બરતરફ થઈ. બાબુભાઈની ધરપકડ કરીને પહેલાં જૂનાગઢની જેલમાં મોકલવામાં આવ્યા. પછી ત્યાંથી અમે બીજા સાથીઓ જ્યાં હતા તે વડોદરાની જેલમાં લાવ્યા. ત્યાં એમને આપેલા વિશાળ ઓરડામાં પ્રવેશતાં પહેલી છાપ વ્યવસ્થિતતાની પડે. ટેબલ પર એક પણ પત્ર કે વસ્તુ અવ્યવસ્થિત નજરે ન પડે. ટેબલની બાજુના ઘોડા પર તેમની પેટીઓ વ્યવસ્થિત ગોઠવાયેલી રહેતી. તેમનું જેલજીવન રોજ સવારે ફરવાના કાર્યક્રમથી શરૂ થાય, ત્યારે ૬૪ વરસની ઉંમરે યુવાનને શરમાવે એવા જુસ્સાથી ને ઝડપથી સવાર-સાંજ થઈને પાંચેક માઇલ ચાલતા. બે મુખ્ય પ્રવૃત્તિ વાંચવું ને કાંતવું. રોજની ટપાલના રોજ જવાબ ન આપે ત્યાં સુધી એમને ચેન પડે નહિ. ક્યારેક ચાર કલાક ટપાલ લખવામાં ગાળતા. રોજ સાંજે પ્રાર્થના પછી બધા સત્યાગ્રહી કેદીઓ એકઠા થતા. સંસ્કૃત કાવ્ય ‘રઘુવંશ’નો રસાસ્વાદ બાબુભાઈ કરાવતા ત્યારે એ પોણો કલાક અમારે માટે ધન્ય બની જતો.