સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/ધર્મને જીવવાની વાત

          બનારસ યુનિવર્સિટીના બે વર્ષના અભ્યાસ દરમિયાન મને પંડિત સુખલાલજીના સમાગમનો લાભ મળ્યો. અઠવાડિયામાં એકાદ વખત એમની પાસે બેસવા જતો. નાની વયે આંખો ગુમાવ્યા છતાં પુરુષાર્થ કરી ભણ્યા. પછી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેઓ જૈનદર્શનના અધ્યાપક થયા. જૈન તત્ત્વજ્ઞાનના ધુરંધર પંડિત, પણ પંડિતાઈના ભાર વગર સાદી વાતો કરતા. હું જન્મે જૈન, મારાં બા-બાપુજી ધાર્મિક વૃત્તિવાળાં. એટલે મને સ્વાભાવિક ઇચ્છા થઈ કે પંડિતજી પાસે જૈનદર્શનનો અભ્યાસ કરું. પંડિતજી જાણતા હતા કે હું તે યુનિવર્સિટીમાં ટેક્નોલોજીનું ભણવા આવેલો. એક દિવસ મેં નમ્રતાથી એમને કહ્યું, “આપ જો મદદ કરો તો મારે જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો છે.” તેઓ જરા ટટાર થયા અને પૂછ્યું, “કેમ?” હું કાંઈ જવાબ આપું તે પહેલાં જ એમણે બીજો પ્રશ્ન પૂછ્યો: “અખાડામાં મલ્લોને કુસ્તી કરતા જોયા છે?” “હા જી,” મેં કહ્યું. “બસ!” પંડિતજી બોલ્યા: “કુસ્તીના દાવપેચ જેવી જ આ પણ એક કસરત છે. એ ચૂંથણાંનો પાર જ ન આવે. જો, જીવનભર ચૂંથણાં કર્યા પછી એક વાત સમજાય છે—સાદાઈથી સ્વચ્છ જીવન જીવવું, બીજાને ઉપકારક થવાય એવું જીવન જીવવું, અને એ રીતે જીવતાં કોઈ ગૂંચ પડે તો અનુભવી સંતને પૂછવું, કે એવાં પુસ્તકો વાંચવાં. અખાએ કહ્યું છે કે, ગ્રંથ-ગરબડ કરી, વાત ન ખરી કરી.” એક હાથની હથેળી પર બીજા હાથની બે આંગળીની ટપલી મારતાં વળી કહ્યું, “ગ્રંથ-ગરબડ કરનારાઓમાંનો હું પણ એક છું... તું જુવાન છે, આવા સારા વિદ્યાલયમાં યંત્રવિદ્યાનું ભણે છે. તો પૂરી ખંતથી ભણ, એ આવડત દેશને માટે વાપર. છતાં જીવવામાં કોઈ ગૂંચ પડે તો આવજે.” પંડિતજી પ્રજ્ઞાચક્ષુ હતા. બધાં દર્શનોને જીવનની કસોટીએ ચડાવીને જીવતા સંત હતા. વેશ કે બાહ્યાચાર સાદા ગૃહસ્થ જેવો; ખાદીનું ધોતિયું અને અડધી બાંયની કફની પહેરતા. કોઈ જ આડંબર કે અપેક્ષા નહીં. એમના જેટલી વિચારની સ્પષ્ટતા બહુ ઓછા સંતોમાં મેં જોઈ છે. તેમણે વાત કરી તે ધર્મને જીવવાની. આમ અંધ, પણ તેમને મળવા જાઉં ત્યારે બારણામાં પેસું ત્યાં જ ઓળખી જાય. પાસે બેસાડે. મારો હાથ પોતાના હાથમાં લઈ, દબાવીને પૂછે: “આશ્રમની ગાયો કેમ છે? કેટલું દૂધ આપે છે? પૂરતો લીલો ચારો મળે છે?” તેમના હાથના દબાણમાં ચેતનાનો સંચાર હતો. [‘અખંડ આનંદ’ માસિક]