સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલરામ પંડ્યા/એ વિદ્યા શા કામની?

Revision as of 11:22, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વિદ્વાનોની ફરજ છે કે પોતે જે ધર્મકર્મ સાચાં માન્યાં હોય ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          વિદ્વાનોની ફરજ છે કે પોતે જે ધર્મકર્મ સાચાં માન્યાં હોય તે પ્રમાણે જ વર્તવું. પોતાના મનમાં એક વાત સાચી માન્યા છતાં તેથી વિરુદ્ધ ચાલવું, એ ઘણી નામર્દાઈ છે. કોઈ વિદ્વાન જ્યારે પોતાના વિચાર પ્રમાણે વર્તતો નથી, ત્યારે તે ગમે તેટલું બોલે પણ એ ખરો છે એમ લોકો કદી માનતા નથી. “સમય અનુકૂળ નથી,” એવા ગણગણાટ અમારા કાન ઉપર અથડાય છે. “એક માણસથી શું થઈ શકે? પ્રવાહની સામા કેમ તરાય? અમે અમારી ફરજ બધી યે જાણીએ છીએ, પણ એકલા શું કરીએ?” એકલા શું કરીએ? એક માણસથી શું થઈ શકે? અમે કહીએ છીએ, મોટાં કામ એકથી જ થાય છે. બૌદ્ધ, ખ્રિસ્તી, મુસલમાન ધર્મના કાઢનાર એક હતા કે અનેક? શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, કબીર, એ પ્રથમ એક જ હતા કે અનેક? શિવાજી એક હતા કે અનેક? એક ગેલીલિયોએ કેટલું કર્યું છે? એક સોક્રેટિસ ગ્રીસ દેશમાં સુધારાનો પોકાર કેવો ઉઠાવી શક્યો હતો? દરેક કામની શરૂઆત તો એક જ માણસથી થાય છે. પ્રથમ તે નિંદાય છે, લોકો સામા થાય છે, અને કેટલાક વખત સુધી દુખ પણ શોષવું પડે છે. સુધારકની કીર્તિની એ જ કિંમત છે. પણ જો તે ફિટકાર અને જુલમમાં ડગતો નથી, તો લોકો ધીમે ધીમે તેને માન આપતા જાય છે, તેના વિચાર સાચા માનવા લાગે છે અને પરિણામે તેની પછાડી ઘસડાયા આવે છે. તે છતાં, એ ઘસડાયા આવો કે નહીં, ધારેલો સુધારો થાઓ કે નહીં, લોકો રૂઠો કે ત્રૂઠો, પણ જ્ઞાનીનો ધર્મ છે કે પોતાના જ્ઞાનને અનુસરતું ચાલવું. પોતે જે સાચું માન્યું છે તે પ્રમાણે વર્તવું. પોતે તે સાચું માને છે તેની પરીક્ષા જ એ છે. હિંદુસ્તાનમાં તો ભણેલાઓને આ વાત વધારે જોરથી લાગુ પડે છે, કેમ કે તેમની કેળવણીનો ખર્ચ દેશની તરફથી કરવામાં આવે છે. હિંદુસ્તાનમાં બધાં કેળવણીખાતાં સરકારની ઉદારતાથી જ ચાલે છે. આટલો બધો ખર્ચ કરાવી ભણેલો માણસ દેશને બદલો આપવાને બંધાયેલો જ છે. તે દેશનો કરજદાર છે. અને તે વાળવું જ જોઈએ. કદાપિ કોઈ કહેશે કે એ તો સરકારનો ઉપકાર છે; એમાં દેશને શું? પણ એ જ મોટી ભૂલ છે. લોકોની એ સમજથી જ હિંદુસ્તાનની ખરાબી થઈ છે અને થાય છે. સરકાર એ રૈયતની પ્રતિનિધિ છે. એ પૈસા વાપરે છે તે લોકોના જ, લોકોની તરફથી, અને લોકોને વાસ્તે જ વાપરે છે. સરકાર વિદ્યાદાન કરે છે તે લોકો જ કરે છે. જેને વિદ્યાદાન મળેલું છે, તેણે લોકોનો જ ઉપકાર માનવો જોઈએ. પેલા ગામડિયા ખેડૂતને તેણે નમીને કહેવું જોઈએ : માબાપ, તમે મને તમારે ખરચે ભણાવીગણાવી હોશિયાર કર્યો છે, એ ઉપકાર હું ભૂલવાનો નથી; અને એ વિદ્યાથી મારાથી તમારું જેટલું ભલું થશે તે કરવાને જો હું ચૂકું તો મોટો લૂણહરામી કહેવાઉં. બેશક, માબાપ આપણને ભણાવે છે તેનો બદલો વાળવાને બંધાયેલા છીએ તે કરતાં પણ આપણે આપણા દેશ તરફ એમ કરવાને વધારે બંધાયેલા છીએ. શું ફલાણા ભાઈ બી.એ. થઈ રૂપિયા કમાઈને મોજ મારે, કે એમ.એ. થઈ ધન એકઠું કરવા મંડી જાય તેને સારુ દેશે તેની પછાડી આટલા રૂપિયા બગાડયા છે? જો પોતાની વિદ્યા દેશનું ભલું કરવામાં ન આવી, તો તે શા કામની? કહ્યું છે કે, પેટ ભરવું તો કાગડાઓ પણ શું ચાંચ વડે નથી કરતા?