સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/ધરતી હિન્દુસ્તાનની

Revision as of 11:27, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મૂર્તિ જ્યાં સરજાઈ રહી છે એક નવા ઇન્સાનની, ચાલો, દોસ્તો! ખૂંદી વળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મૂર્તિ જ્યાં સરજાઈ રહી છે એક નવા ઇન્સાનની,
ચાલો, દોસ્તો! ખૂંદી વળીએ ધરતી હિન્દુસ્તાનની.
સતલજનાં બંધાયાં પાણી, બાંધ્યા કોશીના વિસ્તાર,
દામોદર ને હીરાકુંડના શા સરજાયા જલભંડાર!
દુર્ગમ સૂકા મારગ ભેદી વહેતી નહેરો અપરંપાર,
ધરતીમાં નવજીવન જાગે, સોહે હરિયાળા અંબાર.
લાખો હાથે બદલે સૂરત આ ઉજ્જડ વેરાનની. —ચાલો.
કોના દિલમાં હજી નિરાશા? કોણ હજી ફરિયાદ કરે?
કોણ એવો બુઝદિલ હજી અંધારી રાતો યાદ કરે?
અંગ્રેજીના આશક બેઠા માધ્યમ કેરા વાદ કરે,
છોડો એને; ચાલો સાથી! ખુલ્લાં ખેતર સાદ કરે.
દિશેદિશામાં ગાજે નોબત પ્રજા તણા ઉત્થાનની. —ચાલો.
નવીન આશા, નવા ઉમંગો, નવાં તેજ રેલાય છે,
ખંડે ખંડે પંચશીલનો શાંતિમંત્રા લહેરાય છે.
પ્રજા પ્રજાનાં ભવ્ય મિલન! શી પ્રીતગાંઠ બંધાય છે!
આજ અખિલ સંસાર તણું શું ભાગ્ય અહીં પલટાય છે!
હજાર વરસે આવી અનુપમ ઘડી નવાં નિર્માણની. —ચાલો.
અમર રહો ભારત જેની અરવિંદે કીધી સાધના,
ને અણમોલાં કાવ્યકુસુમથી કરી રવીન્દ્રે અર્ચના,
ગાંધી, જેને પુણ્ય પગલે પાવન આ પૃથ્વી બની,
જીવન કેરા યજ્ઞ રચી જેની કીધી આરાધના.
જિંદગી સાટે રક્ષા કરીએ ભારતના એ પ્રાણની. —ચાલો.