સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/વાવણી

Revision as of 11:31, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ભાઈ! હાલો રે કરવાને વાવણી, હે જી ગાતાં હરિની લાવણી. બાર બાર મહિને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ભાઈ! હાલો રે કરવાને વાવણી,
હે જી ગાતાં હરિની લાવણી.
બાર બાર મહિને તે મેહુલિયો આવ્યો,
હૈયાનાં હેત સમાં નીર ભરી લાવ્યો,
ગઢની તે રાંગેથી ગહેક્યા રે મોરલા,
ને વનરામાં ગાજી વધામણી.
વગડાના વાયરા દેતા શી ઝપટો!
કાઢો રે દંતાળ, કાઢો રે રપટો,
મોંઘાં તે મૂલનું લેજો બિયારણ ને
લેજો રૂપાળી ઓરણી.
મીઠી ઘૂઘરીએ ધરવો રે ધોરી,
કંકુનો ચાંદલો કરજો રે, ગોરી!
સારા તે શુકને નીકળજો, ભાઈ!
દુવા માંગીને દુંદાળા દેવની.
ધોરી, ધીમા તમે ચાલજો રે, મારે
સીધા તે પાડવા ચાસ;
રેશમી શી સુંવાળી માટી આ મ્હેકે,
વાહ રે એની ભીની વાસ!
મહેનતનો રોટલો રળનાર માથે,
રાજી રે’ ચૌદ લોકનો ધણી.