સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/સોનાવરણી સીમ

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે,
ભાઈ! મોસમ આવી મહેનતની.
નદીયુંનાં જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે…ભાઈ! મોસમ.
લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ રે…ભાઈ! મોસમ.
જુવાર લોથે લૂમેઝૂમે
ને હૈયામાં ઉલ્લાસ રે…ભાઈ! મોસમ.
ઉપર ઊજળા આભમાં
કુજડિયુંના કિલ્લોલ રે…ભાઈ! મોસમ.
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે…ભાઈ! મોસમ.
હો! લિયો પછેડી દાતરડાં
આજ સીમ કરે સાદ રે…ભાઈ! મોસમ.
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે…ભાઈ! મોસમ.
લીંપીગૂંપી ખળાં કરો
લાવો ઢગલેઢગલા ધાન રે…ભાઈ! મોસમ.
રળનારા તે માનવી
ને દેનારો ભગવાન રે…ભાઈ! મોસમ.