સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાભાઈ ભટ્ટ/પ્રજા તેજસ્વી હોય તો —

          પ્લેટોનું પુસ્તક ‘રિપબ્લિક’ મેં વાંચ્યું, અને કોઈ રાજા જ્ઞાની કે જીવનમુક્ત હોય તો રાજાશાહી પણ સુંદર પરિણામ આપે એવી વિચારણા થોડો વખત મારા મનમાં રહી ગઈ. પણ રાજા આવો જ્ઞાની ન હોય તો? વળી જ્ઞાની રાજાના કુંવર પણ જ્ઞાની જ હશે, તેની શી ખાતરી? એટલે પછી, રાજવહીવટની લગામ વંશપરંપરામાં ઊતરે એ વ્યવસ્થાના મૂળમાં જ દોષ છે, એમ હું સમજ્યો. પણ આ સમજણની સાથે જ એક બીજો વિચાર પણ મારા મનમાં ઊગ્યો : રાજ્યતંત્ર ગમે તે પ્રકારનું હોય; તંત્રનું બાહ્ય ક્લેવર રાજાશાહી હોય, લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય, કોમ્યુનિસ્ટ હોય — ગમે તે હોય; પણ પ્રજા પોતે જો તેજસ્વી હોય તો કોઈ પણ સરકારને પોતાના અંકુશમાં રાખી શકે છે. પ્રજામાં, મોટા ભાગના લોકોમાં, જો આખરે ખુવાર પણ થઈ જવાની તાકાત હોય તો કોઈ પણ રાજ્યસત્તાનો ભાર નથી કે તે પ્રજાને પીડી શકે. પરંતુ રાજતંત્ર લોકશાહી હોય તો પણ, જો પ્રજા નિર્માલ્ય હોય અને શાસકો સત્તાલોલુપ હોય તો, લોકશાહીના બહારના માળખાની અંદર પણ બીજી કોઈ ‘શાહી’ ઢંકાયેલી રહી શકે છે. એટલે રાજ્યતંત્રનું બહારનું ક્લેવર ભલે લોકોને રુચે તેવું રાખો; પરંતુ સત્તાધારીઓ લોકોની વ્યક્તિગત તેમજ સમાજગત શક્તિને કુંઠિત ન કરે, અને બીજી બાજુ પ્રજા પોતાની સ્વતંત્રતા જાળવવા માટે નિરંતર જાગૃત રહે, એ બે વાત પર વિશેષ ઝોક આપવો જોઈએ.