સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/આત્મયોગીની ધૂણી

Revision as of 11:56, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ‘ગામડે જાઓ’ના એક ગાંધીબાણે વીંધાઈને જુગતરામભાઈએ જીવનના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          ‘ગામડે જાઓ’ના એક ગાંધીબાણે વીંધાઈને જુગતરામભાઈએ જીવનનાં બાસઠ-ત્રોંસઠ વર્ષો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની સેવામાં ગાળ્યાં. પાંચ તપથીયે લાંબું એમનું તપ. જુગતરામભાઈની સેવાએ દક્ષિણ ગુજરાતમાં શાંત ક્રાંતિ સર્જી છે. એમણે આખું જીવન વેડછી અને આસપાસના લોકોની સેવારૂપે સમર્પણ કર્યું અને તેને જ આત્માની ઉન્નતિનો માર્ગ માન્યો. જુગતરામભાઈનાં કાવ્યોમાં એક ‘અન્તરપટ’ કાવ્ય જ એમને ગુજરાતી સાહિત્યમાં અમર સ્થાન અપાવે તેવું છે. રવીન્દ્રનાથનાં કાવ્યોનાં જુગતરામભાઈએ કરેલાં ગુજરાતી ભાષાંતરો સંપૂર્ણ ગુજરાતી ક્લેવર ધરીને આવે છે. આ બાબતમાં જુગતરામભાઈ મેઘાણી જોડે તુલ્ય છે. ભાષાંતરકારને બંને ભાષાઓના સ્વરૂપનું જ્ઞાન અને કાવ્યના વિષયનો અનુભવ જોઈએ. જુગતરામભાઈ પાસે આ બન્ને વસ્તુઓ પૂરતા પ્રમાણમાં છે. તેથી ‘બંદો દોડે દોડે’, ‘ભૂલું નહીં શયને કે સપને’, ‘મારગડો કોણ ગામ જાશે?’ જેવાં ગીતો મૌલિક રચનાઓ જેવાં જ રઢિયાળાં થયાં છે. [જુગતરામ દવેનાં વીણેલાં કાવ્યોનો મોહન મઢીકર-સંપાદિત સંગ્રહ ‘અન્તરપટ’]