સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/ત્રિવેણી-સંગમ

          જે મનુષ્યને પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને અન્ય મનુષ્યો, પશુઓ, પંખીઓ, જંતુઓ — અરે, નિર્જીવ પદાર્થો સુધ્ધાંમાં પરમેશ્વરનું દર્શન થાય છે. આ મનુષ્યને માટે પરમેશ્વર વિનાનું ક્યાંય ક્યારેય કશું જ નથી. એથી આ મનુષ્યને મોહ નથી, શોક નથી, ભય નથી, શંકા નથી, નિરાશા નથી. એનામાં નિરંતર અનંત આનંદ આનંદ જ હોય છે. આ જ્ઞાન એ બીજ છે. એ બીજમાંથી જે વૃક્ષ ઊગે છે તે છે ભક્તિ. અને આ વૃક્ષ પર જે ફળ આવે છે તે છે કર્મ. આ ભક્તિ જ્યારે ક્રિયાશીલ થાય છે, ત્યારે એ સેવારૂપે પ્રગટ થાય છે. આ મનુષ્યને માટે ભક્તિ પરમેશ્વરની હોય અને સેવા મનુષ્યો, પશુઓ આદિની હોય. આ મનુષ્યને માટે ત્યાગ નથી, સંન્યાસ નથી, મોક્ષ નથી. આ મનુષ્યને માટે જનમોજનમ ભક્તિ અને સેવા જ હોય છે. આ ભક્તિ અને સેવામાં જ જ્ઞાન અને કર્મની સાર્થકતા છે. ભક્તિ વિનાનું જ્ઞાન શુષ્ક છે, અને સેવા વિનાનું કર્મ જડ છે. આ જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રાવેણી સંગમ એટલે મા શારદામણિ. સજ્જન હોય કે દુર્જન, જ્ઞાની હોય કે અજ્ઞાની, રાય હોય કે રંક — શારદામણિ માટે તે સૌ એકસમાન છે, સૌ પરમેશ્વરનાં અને પોતાનાં પણ સંતાનો છે. સૌ એમની સેવાનાં એકસમાન અધિકારી છે. એમને માટે કશું જ ક્ષુદ્ર નથી, તુચ્છ નથી. સૌનું મહત્ત્વ છે, કારણ કે સૌ પરમેશ્વરનાં સંતાન છે, સૌમાં પરમેશ્વર બિરાજમાન છે. નારીનાં અનેક સ્વરૂપો છે : કન્યા, પ્રેયસી, પત્ની, માતૃ. એમાં માતૃ સ્વરૂપ શ્રેષ્ઠ છે. માતૃ સ્વરૂપ એ આ અન્ય સૌ સ્વરૂપોની પરમ-ચરમ સીમા છે. પણ નારીનું એક એવું સ્વરૂપ પણ છે કે જેમાં નારી સંસારી હોય છે, પણ સંસારથી પર હોય છે. નારીનું આ સ્વરૂપ છે : વિશ્વજનની. ‘પરમાપ્રકૃતિ શ્રી સારદામણિ’ ગ્રંથમાં શારદામણિનું આ વિશ્વજનની સ્વરૂપ સતત પ્રગટ થાય છે.[‘પરમાપ્રકૃતિ શ્રી શ્રી સારદામણિ’ પુસ્તક : ૧૯૯૮]