સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/‘પથેર પાંચાલી’: જોયા વિના કેમ જિવાય?

          સાહિત્યમાં ગામડાં ક્યાં તો સ્વપ્ન જેવાં સુન્દર, ક્યાં તો દુ:સ્વપ્ન જેવાં દુ:ખદ; ક્યાં તો સ્વર્ગ, ક્યાં તો નરક. ગામડાં એકબાજુથી ભીરુઓની ભાગેડુવૃત્તિનાં અને બીજી બાજુથી સસ્તી સેવાવૃત્તિનાં ભોગ બની ગયાં. એથી સાહિત્યમાં ગામડાંનું નર્યું અવાસ્તવિક અને અસત્ય આલેખન થયું. વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાયની નવલકથામાં આ બેમાંથી એકે બાજુનો અતિરેક નથી. એમાં ગામડાનું સમતોલ દર્શન છે. વાસ્તવ છે, સત્ય છે. જગતને જરીય જાણ ન થાય એમ ગામડાનું એક કુટુંબ ભાંગીને ભુક્કો થાય છે એની આ કરુણ કથા છે. આમ, આ ચિત્રની સફળતામાં, સિદ્ધિમાં કથાનો ફાળો કંઈ ઓછો નથી. ‘પથેર પાંચાલી’ નવલકથાનાં પાનાંને કચકડાની પટીમાં પલટતાં, એક કલાપ્રકારને બીજા કલાપ્રકારમાં પ્રગટતાં, સત્યજિત રાયે જે સૂઝ અને સમજથી, જે કલ્પના અને કસબકારીગરીથી ચિત્રની માવજત કરી છે એમાં જ એની મહાનતા છે. હજારો ઝીણી ઝીણી વિગતોને વીણી વીણીને એમણે ચિત્રમાં એવી ચાતુરીથી વણી છે કે અંતે એક સુગ્રથિત, સુરેખ આયોજનનો આકાર ધારણ કરે છે અને પ્રેક્ષકના ચિત્તમાં સમગ્રતાની છાપ છપાઈ જાય છે. સત્યજીત રાયે આ કીમિયો કર્યો છે અનેક પ્રતીકો અને અનેક અવાજો દ્વારા. એમણે કશુંયે સીધેસીધું, સ્પષ્ટ કરીને કહ્યું જ નથી. માત્ર વારંવાર આદિથી અંત લગી સૂચન કર્યું છે, ધ્વનિ દ્વારા આડકતરી રીતે કહ્યું છે. નિશ્ચંદપુર નામના નાનકડા ગામડાના એક કુટુંબની આ કથા છે. માત્ર પાંચ જ પાત્રો છે: હરિહરરાય, એમની પત્ની સર્વજ્યા, એમની ઘરડી બહેન ઇન્દિરા ઠાકુર, એમની પુત્રી દુર્ગા અને એમનો પુત્ર અપૂર્વ. કથાના કેન્દ્રમાં આ કુટુંબની ગરીબાઈ છે. અને ભારતવર્ષ એટલે ગરીબાઈ. આથી આ એક કુટુંબ સમગ્ર ભારતવર્ષનું પ્રતીક છે. એની કથા એ ભારતવર્ષની કથા છે. એક પણ પાત્ર પાસે ‘અમે ગરીબ છીએ’ એમ એક વાર પણ ન કહેવડાવીને આ કલાકારે ગરીબાઈનું કેવું ગૌરવ કર્યું છે! એની પવિત્રતાનો કેવો પરિચય કરાવ્યો છે! આ સંયમ કેટલો અસાધારણ અને અપૂર્વ કલામય છે. આ આખુંયે કુટુંબ અને સવિશેષ તો સર્વજયા કેટલી ઠંડી તાકાતથી ગરીબાઈનો મૂંગે મોઢે સામનો કરે છે. આ ગરીબાઈનું માત્ર પ્રતીકો અને પ્રસંગો દ્વારા સૂચન જ કર્યું છે. મીઠાઈની કાવડ, ઠાકુરદીદીની ચાદર, ભૂખ્યે પેટે ભટક્યા કરતો કૂતરો, સખીના ઘરમાંથી દુર્ગાએ ચોરેલી માળા વગેરે પ્રતીકો દ્વારા ગરીબાઈ પ્રગટ થાય છે. દીકરી એટલે તો દેવું ને દીકરો એટલે દીવો, એવી માતાની મનોદશા પણ ગામડાની ગરીબાઈનું જ પરિણામ છે. એથી જ સર્વજયા પુત્રપુત્રી પ્રત્યેના પ્રેમમાં કેવો પક્ષપાત કરે છે. પુત્રી ચોરી કરે તો એ લડે, પણ પુત્ર ચોરી કરે તોયે લાડ લડાવે, ભાવથી ભોજન ખવડાવે. રોજ દ્હાડે ગરીબાઈ સાથે ઠંડું યુદ્ધ અને રોજ રાતે જીવતરને થીંગડું કેમ દેવાં એની મૂંઝવણ અને મથામણ. આ ચિત્રનું સર્વશ્રેષ્ઠ પાત્ર છે ઠાકુરદીદી. એ ભારતવર્ષના ગામપ્રદેશનું મૂતિર્મંત જીવંત પ્રતીક છે. એનો પુરાતન આત્મા છે. પોતે બિલાડીનાં બચ્ચાંની જેમ જ ગરીબ ભાઈને ઘરે આવી પડી છે. દુર્ગા ચોરીને ફળ લાવે ત્યારે એના હિજરાયલા હોઠ પણ કેવા ફરર ફરર ફરકે છે. કેવું મોહક મરકે છે! ભાઈને ઘેર પુત્રનો જન્મ થાય ત્યારે હડધૂત થયેલી આ હતભાગિણી હેતના હડકવાથી ભત્રીજાને ભારે હોંસથી કેવી હાલરડે હુલાવવા પાછી ફરે છે. દુર્ગા પર ચોરીનો આરોપ આવે તે એને કેવો અસહ્ય લાગે છે અને દુર્ગાને માર પડે ત્યારે એને પણ કેવો વાગે છે. છેલ્લે જતાં જતાં પણ એને ભલે કોઈ પાણી ન પાય, પણ એ તો એના આંગણાના છોડ પર પાણી છાંટીને પછી જ મરે છે. જીવમાત્ર પ્રત્યે પ્રેમ અનુભવતો આ ભારતવર્ષનો પ્રાચીન આત્મા છે. ઠાકુરદીદી અને દુર્ગા સાથે જ જીવે અને સાથે જ મરે. દુર્ગાનો આથી અન્ય કોઈ અંત કલ્પી શકાય છે? એનું મૃત્યુ ન થાય તો? એની સખીનું લગ્ન થાય પણ એનું ન પણ થાય, ક્યાંથી થાય? ને તો પછી ભવિષ્યમાં એ અપૂર્વને ઘેર બીજી ઠાકુરદીદી જ બને ને! આમ, જો એ જીવતી રહે તો એ વધુ કરુણ છે; એથી ઠાકુરદીદીની કરુણતાનું પુનરાવર્તન જ થાય, એમ સૂચવીને એના મૃત્યુથી એનો એક ભવ્ય અને કલામય અંત આણ્યો છે. અપૂર્વનું પાત્ર પણ એટલું જ નિર્દોષ અને નિખાલસ છે, એટલા જ સંયમ અને એટલી જ સહજતાથી સર્જ્યું છે. દુર્ગાને ઘરમાંથી દૂર કરવામાં આવે ત્યારે અંતે એની એકલતાની અસહ્યતા અનુભવતાં ચોપડીમાં માથું ઘાલીને મોટેથી વાંચતો અપૂર્વ, ભવાઈનો ખેલ જુએ પછી એની નકલ કરવામાં જ એના જીવનમાં વીરરસની શક્યતા છે એમ હસતો અપૂર્વ, દુર્ગાના મૃત્યુ પછી પોતાનું મૃત્યુ હવે માતાને ન પાલવે એમ સમજીને વરસાદમાં બહાર જતાં છત્રી લેવાનું ન ભૂલતો અપૂર્વ, આખાયે ચિત્રનું આશ્વાસન છે. કારણ કે ચિત્રના મોટામાં મોટા પાત્ર ઠાકુરદીદીની જેમ જ ચિત્રના નાનામાં નાના પાત્ર અપૂર્વની આંખમાંથી આંસુનું એક ટીપું પણ ન પડાવીને ચિત્રકારે આપણને કેટકેટલું આશ્વાસન આપ્યું છે. ચિત્રનું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે અંધારામાં જેને દોરાથી પરોવવાનો અશક્ય પ્રયત્ન ઠાકુરદીદી કરે છે તે સોય. અંધારામાં જો સોય પરોવી શકાય તો અહીં જીવી શકાય. આ ગ્રામ પ્રદેશની કરુણતા, આ જીવનની અશક્યતા, અને આ કુટુંબના સર્વનાશનું કારણ છે યાંત્રિક સંસ્કૃતિ અને એની આગવી સરજત જેવી મોહમયી મહાનગરીઓ. આ કરુણતાનું રહસ્ય કલાકારે સીધેસીધું કહ્યું નથી પણ પ્રતીક દ્વારા પ્રગટ કર્યું છે. જ્યારે જ્યારે ચિત્રમાં કોઈ નવી મુસીબત, મથામણ કે મૂંઝવણ આવે છે, માંદગી આવે છે કે મૃત્યુ આવે છે ત્યારે ત્યારે અત્યંત સબૂઝ અને સભાન રીતે ટ્રેઈનનો અવાજ અચૂક આવે છે. નણંદ-ભોજાઈની તકરારથી એક જ ઘરના મનુષ્યો વચ્ચેનો જીવનભરનો માનવસંબંધ તૂટી જાય છે ત્યારે, હજારો માઈલો વચ્ચે ક્ષણવારમાં યાંત્રિક સંબંધો સ્થાપતા તારના થાંભલાનો સૂસવાટ દુર્ગાના અને અપૂર્વના—અને આપણાય તે—કાનમાં કેવો સણકે છે. ટ્રેઈનનું દર્શન તો એક જ વાર કરાવ્યું છે, પણ હર્યાભર્યા હરિયાળા ખેતરના પાક પર એન્જિનનો ધુમાડો કેવી એક સળંગ કાળી લીટી લગાવે છે. અને પસાર થતી ટ્રેઈનનાં પૈડાં વચ્ચેથી છોડ કેવા ઝૂકતા ને નમતા દેખાડ્યા છે. વરસાદ ને વાવાઝોડામાં ઘરનું અને દુર્ગાનું અસ્તિત્વ નાશ પામે છે. દીવાના અને મૂતિર્ના કંપ દ્વારા, બારીના પડદાના ફફડાટ દ્વારા અને કમાડના કિચૂડ કિચૂડ અવાજ દ્વારા ઘરમાં ધસમસ પ્રવેશતા મૃત્યુને કેવું મૂતિર્મંત કર્યું છે. તૂટું તૂટું થતા જીવતરના પ્રતીક જેવું પેલું કૂવાનું દોરડું કેવું એકલું લટકે છે. ઠાકુરદીદીને ઘરમાંથી હડધૂત કરીને હડસેલતાં પડતા લોટાનો અવાજ, મીઠાઈની કાવડની ઘંટડીનો દુર્ગાની માંદગી સમયે અગાઉથી જુદો જ અવાજ વગેરે અવાજો કેટલા અર્થપૂર્ણ, અસરકારક અને સૂચક છે. કૂતરું, બિલાડીનાં બચ્ચાં, વાવાઝોડા પછી ઘરના ભંગારછાયા ચોકના ખાબોચિયામાં પડેલું મરેલું દેડકું, અંતમાં અભરાઈ પરથી દુર્ગાએ જેમાં માળા સંતાડી છે તે કચોળાને ઉતારતાં લસરી જતો કરોળિયો અને હંમેશને માટે ઘર ખાલી કરતાં, ગાડામાં ગાંસડાંપોટલાં મેલીને ગામ છોડતાં... આપણે સૌ અહીંથી એક દિવસ સદાયને માટે ચાલ્યા જશું પછી પડીને પાધર થતાં આપણાં ઉજ્જડ ઘરોમાં જે નવા અને સદાયના વસનારા આવી પહોંચશે એમના પ્રતિનિધિ જેવો બે પથ્થરોની વચ્ચેથી પસાર થતો સાપ વગેરે પ્રાણીજંતુઓ પાસેથી પણ કલાકારે કેટકેટલો અર્થ કઢાવ્યો છે. આમ, અનેક અવાજો અને આદિથી અંત લગી રવિશંકરનાં વાદ્યોના કરુણ મધુર અવાજ દ્વારા અને અનેક પ્રતીકો અને આદિથી અંત લગી આ સમગ્ર પ્રતીકોના સરવાળા જેવા એક સૂચિત પ્રતીક દ્વારા ‘પથેર પાંચાલી’ના ચિત્રકારે એક સર્વાંગસુન્દર અને સાંગોપાંગ સંપૂર્ણ કલાકૃતિનું સર્જન કર્યું છે. બંગાળી ભાષાની બારાખડી પણ ન જાણી હોય તો યે આ ચિત્ર માણી શકાય છે કારણ કે એમાં પ્રતીકો અને અવાજોની ભાષા એ માનવહૃદયની સાર્વભૌમ ભાષા છે. ‘પથેર પાંચાલી’ જોવું એ જીવનનો એક લહાવો છે. ‘પથેર પાંચાલી’ જોયા વિના કેમ જિવાય? [‘સાહિત્યચર્યા’ પુસ્તક: ૨૦૦૪]