સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પાંડુરંગ ગો. દેશપાંડે/સંકલ્પ અંશત: પૂરો

          વરસોજૂનો સંકલ્પ આ કોશના પ્રકાશન સાથે અંશત: પૂરો થાય છે. અંશત: એટલા માટે કે મોટા કોશનો ખરડો લાંબા વખતથી તૈયાર પડ્યો છે અને હજી છાપવાનો બાકી છે. હિંદની શાળા-મહાશાળાઓ માટે તૈયાર થયેલો એક અંગ્રેજી કોશ ‘ન્યુ મેથડ ઇંગ્લિશ ડિક્શનેરી’, ઇંગ્લેન્ડની શાળાઓ માટે તૈયાર થયેલો કોશ ‘ઓક્સફર્ડ સ્કૂલ ડિક્શનેરી’, તેમ જ જિજ્ઞાસુ વાચકો માટે રચાયેલો કોશ ‘જનરલ બેઝિક ઇંગ્લિશ ડિક્શનેરી’—આ ત્રણે કોશો પ્રસ્તુત કોશમાં સમાવી લેવામાં આવ્યા છે. તેમાં બીજા કેટલાય શબ્દો ઉમેરવામાં આવ્યા છે. શબ્દોના અર્થો સ્પષ્ટ અને ચોક્કસપણે આપવા માટે કેટલાક અંગ્રેજી, અંગ્રેજી-ગુજરાતી, અંગ્રેજી-મરાઠી અને ક્યાંક અંગ્રેજી-હિન્દી કોશોની પણ મદદ લેવામાં આવી છે. શબ્દોના ઉચ્ચારો મુખ્યત્વે ‘કોન્સાઈઝ ઓક્સફર્ડ ડિક્શનેરી ઓફ કરન્ટ ઇંગ્લિશ’ અનુસાર આપ્યા છે. શબ્દોની વ્યાખ્યાઓ, સમજૂતી અને સંદર્ભો સાથે પર્યાયો આપવાનો બનતો પ્રયત્ન કર્યો છે.