સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પુ. લ. દેશપાંડે/જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા

          આજે સવારના પહોરમાં જ ગીતની એક કડીએ મને ઊઘમાંથી જગાડી દીધો: “જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા.” એ ગીત બેગમ અખ્તરના સૂર પહેરી-ઓઢીને આવ્યું હતું. ચારપાંચ વર્ષ પહેલાં એ ગીત સાંભળતાં રોક્યાં રોકાય નહિ એવાં આંસુથી મારું ઓશીકું ભીંજાયું હતું. બેગમસાહેબાનું અવસાન થયું તે રાત્રે, એમના સૂરોના શ્રવણથી ધન્ય થયેલા કૃતજ્ઞ રસિકજનોએ એમને રેડિયો મારફતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. દરેક જણ ભરાયેલા હૈયે, મોં વાટે બે શબ્દો બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સાંભળતાં સાંભળતાં હૈયું ભરાઈ આવતું હતું. છેવટે અચાનક બેગમસાહેબાના ગળામાંની એ ગઝલ રેકર્ડમાંથી ઊમટી રહી... અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા. જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા. ત્યાં સુધી તો આંસુઓનો બંધ મેં ફૂટવા દીધો નહોતો. પાંચ દાયકા વટાવી ચૂકેલા મારા જેવા માણસને એ ગઝલ સાંભળીને આટલું હીબકે હીબકે રડવાની કોઈ જરૂર નહોતી. આંખોમાંથી વહી રહેલી એ ધારાની મને પણ નવાઈ થતી રહી હતી. એ ગઝલ લખનારા શકીલ તો આજે હયાત નથી અને એ કડીએ કડી આંસુથી ભીંજવીને ગાનારાં બેગમ અખ્તર પણ નથી. તોય અંદર રૂંધાયેલાં આંસુ માત્ર અચાનક સરવા માંડે છે. આરસપહાણ સિવાય બીજા કોઈ પણ પથ્થર વડે તાજમહાલના ચણતરની કલ્પના જ થઈ શકતી નથી. તેવી જ રીતે કેટલીક ગઝલો બેગમ અખ્તરના સિવાય બીજા કોઈના પણ અવાજમાં સ્વીકારવી જ અશક્ય લાગે છે. બેગમ અખ્તરના ગાનનો મેળાપ આમ અચાનક જ થઈ ગયો હતો. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. મુંબઈનું રેડિયોસ્ટેશન એ વખતે બેલાર્ડ પિયર પાસેના એક મકાનમાં હતું. એક મોટો એવો હોલ. એને અડીને જ એનાઉન્સરનો ઓરડો. ગીતો, સંગીતિકા, ભાષણો બધા જ કાર્યક્રમો એ એક જ હોલમાંથી થતા. પાસે જ બુખારીસાહેબની ઓફિસ. હોલની બહાર, કાર્યક્રમ માટે આવનાર લોકોને બેસવાના ઓરડામાં એક ટેબલ પર રેડિયોસેટ હોય. ઓગણીસસો સાડત્રીસની આસપાસની વાત. ખેડૂતોના કાર્યક્રમોમાં ગીત-ભજન વગેરે ગાવા માટે, તો ક્યારેક વળી વચ્ચે કોઈ એક નાટિકામાં કામ કરવા માટે મારે જવાનું થતું. પાંચ રૂપિયાની કડકડતી નોટ મળતી, પણ આકર્ષણ હતું તે પેલા ઓરડામાંના રેડિયોનું. એ વખતે પાર્લામાં બહુ બહુ તો ચાર-પાંચ ઘરમાં રેડિયો હશે. આ બાજુ રેડિયોસ્ટેશન પર શમસુદ્દિનખાંસાહેબ, કામુરાવ મંગેશકર, રત્નકાંત રામનાથકર, ગોવિંદ યલ્લાપુરકર, નિમકર એનાઉન્સર, એકાદ-બે સારંગિયા એવા લોકોની મંડળી રહેતી. પાંચ રૂપિયાવાળા ગાનારાઓમાં હું, આર. એન. પરાડકર વગેરે રેડિયોસ્ટાર હતા. પણ રેડિયોસ્ટેશનમાં જવાનો મુખ્ય હેતુ તો ત્યાં રેડિયો સાંભળવા મળે એ રહેતો. ભલે ને પાંચ રૂપિયાવાળો કેમ ના હોઉં, પણ ‘રેડિયોસ્ટાર’ હોવાથી મારે માટે ત્યાં પ્રવેશ ખુલ્લો હતો. એક દિવસ જોઉં છું તો રેડિયો સામે હાડે ઊચાપૂરા ઝુલ્ફિકારખાન બુખારીસાહેબ પોતે ઊભા છે અને એમની આજુબાજુ ઘેરાયેલા બધા બજવૈયા. રેડિયો પરથી અફલાતૂન ગઝલ ચાલી રહી હતી. ગાનારી બાઈ ‘અખ્તરી ફૈઝાબાદી’ છે એવું જાણવા મળ્યું. અતિતારના સૂરે અવાજ થોડોક ફાટતો અને બુખારીસાહેબથી માંડીને બધાની ‘સુભાનલ્લા’ કહેતાં દાદ મળતી. એટલામાં શરૂ થયું ‘દીવાના બનાના હૈ તો દીવાના બના દે’, અને અખ્તરીબાઈ ફૈઝાબાદી નામ અને એ સૂરોનાં છૂંદણાં મનમાં ત્રોફાઈ રહ્યાં. જિંદગીમાં ગાનસૃષ્ટિના ત્રણ માણસો મને એવા મળ્યા કે એ લોકો ફક્ત ગાવા માટે જ ગાતા હતા. એમને ઘરાણું સિદ્ધ કરવું નહોતું. પોતાની કરામત બતાવવાની નહોતી. કોઈને માત કરવાના નહોતા. એક બાલગંધર્વ, એક બરકત અલી અને એક બેગમ અખ્તર. એમના ગાનમાંથી ગાયકી ક્યારેય છૂટી નથી. એમના ગળામાંથી નિરંતર લહેરાયે જતું ગાયન સ્વયંભૂપણે જ બહાર આવતું. કોઈ જાતનો આડંબર નહિ. કોઈ પણ પરંપરાને આગળ લઈ જવાની નહોતી. આ બાજુ ભલભલા તબલચીઓ પોતાની મુશ્કેલ કરામત બતાવી રહ્યા છે, જાતજાતની લગ્ગીચાટ થઈ રહી છે. અને બેગમ અખ્તરના શબ્દો હળવેકથી આવીને ઝૂલતી ડાળી પર બેસનારાં પંખીડાંની જેમ પડાવે પહોંચે છે. બેગમ અખ્તર, બરકત અલી અને બાલગંધર્વના સૂરોની લગની પાછળ તો, માડગૂળકરની ભાષામાં કહીએ તો, અમારા ‘કાનના મધુકર’ ભટકતા હતા એવો એ કાળ. જિંદગીમાં એવા હાંડીઝુંમર જેવા ઝગમગનારાં ગાન ઘણાં સાંભળ્યાં. મંજીખાં, કેસરબાઈ, વઝેબુવા, ફૈયાઝખાં સાહેબ, અબ્દુલકરીમખાં, બડે ગુલામ અલી, ઉમેદભીના નિસાર હુસૈનખાં, “આવું ગાનવૃક્ષ ઊભું કરવું જોઈએ,” કહેનારા બાલકૃષ્ણબુવા ઇચલકરંજીકરની અપેક્ષા પૂરી કરનારા ગાયકો સાંભળ્યા. આ લોકો સાચે જ એક એક રાગ કોઈ એક વૃક્ષ જેવો જ ઊભો કરતા. આ તપસ્યાનો વૈભવ જોઈને અચંબો થતો. એમના તંબૂરાની ખોળ કાઢવાનું માન મળે તોય ધન્યતા થઈ આવતી. એની સામે બેગમ અખ્તર, બરકત અલી અને હાફ પેન્ટ તથા ખુલ્લા ગળાનું શર્ટ પહેરીને મહેફિલમાં જનારા બાલગંધર્વ. આ બધાંમાં ગાયક અને સંગીત જુદું પાડી જ ન શકાય. આ લોકો ખુદ સંગીત બની જતા. પહેલવહેલું બરકત અલીનું ગાન સાંભળ્યું તે સાડત્રીસ-ઓગણચાળીસની સાલમાં. એક રવિવારે બપોરે સાંતાક્રૂઝના સબર્બન મ્યૂઝિક સર્કલમાં એ નાનકડા સ્ટેજ પર તબલાંપેટી લાવનારા સાથે સાદા શર્ટ-પાયજામો પહેરીને બરકત અલી આવ્યા. પળવારમાં તો તબલાં મેળવાયાં અને ગાન શરૂ થયું. એ સમયે એમના ‘બાગોંમેં પડે ઝૂલે’એ અમારા પ્રાણ હરી લીધા હતા. નારાયણરાવ બાલગંધર્વનું પણ તેવું જ. તબલાંએ સૂરો સાથે સંગત કરી અને ઓર્ગને સૂર ભર્યા કે ગાન શરૂ. કોઈની દાદ આવે છે કે નહિ, સાંભળનારા જાણકાર છે કે અજાણ એની કોઈ પરવા જ નહિ. બેગમ અખ્તર ગાવા લાગે કે એ જ ગત. જાણકારોની દાદ મળી ન મળી ત્યાં તો હાથની જોડાયેલી આંગળીઓ ઝૂકેલી ગરદન તરફ ગયા વિના રહેતી નહિ. જેમને પંઢરપુર જવા મળતું નથી તેવા શ્રદ્ધાળુઓ ત્યાંથી પાછા આવનારા જાત્રાળુઓને બાથ ભરીને પ્રભુ સાથે ભેટો થઈ ગયાની ભૂખ શમાવી લે છે. મારી યુવાનીમાં મને લખનૌનું ભારે ખેંચાણ હતું. પણ પાર્લાથી ગિરગામ જવાનું કહીએ ત્યારે ટિકિટના ચાર-આઠ આના દસ વાર ગણી જોવાના તે દહાડા. તો વળી લખનૌ તો ક્યાંથી જવાના? અમારા નસીબે તો કોકના ઘરે હોય એવી વાજાથાળી. અને એવા વખતે તો નાદબ્રહ્મથી અધિક આવશ્યક એવા અન્નબ્રહ્મની શોધમાં હું પુણે આવ્યો હતો. લખનૌને પવિત્રધામ માનનારો મધુકર ગોળવલકર મને ત્યાં મળ્યો. હું, મધુકર અને વસંતરાવ દેશપાંડે: બેગમ અખ્તરની રેકોર્ડોએ અમારી કેટકેટલી રાત્રીઓ રોશન કરી એનો હિસાબ નથી. લખનૌમાં મધુએ બેગમસાહેબની મહેફિલમાં સારંગીની સંગત કરી હતી. લખનૌ રેડિયો પર તેણે નોકરી કરી હતી. બનારસ હિંદુ વિદ્યાપીઠમાં એન્જિનિયર થવા ગયેલો, જબલપુરના મોટા રઈસ એવા ગોળવલકર ખાનદાનનો મધુ, બેગમ અખ્તરના સૂરોનો સારંગિયો થઈ બેઠો હતો. આવા હિસાબકિતાબ સાવ જુદી જ ભાષામાં લખાતા હોય છે. ‘દીવાના બનાના હૈ તો દીવાના બના દે’—આ તે કેવી માગણી છે, તે કોણે, કોને અને કેવી રીતે સમજાવીને કહેવું? ગાન પૂર્વેના સૂરોના રણકાર તો ઓઝલ જેવા હોવા જોઈએ. એની પાછળ છુપાયેલું એ કરુણ, રમ્ય, મોહક, આકર્ષક, અટકચાળું જે કાંઈ સૌંદર્ય હોય તે દર્શાવવા માટે પેલી ઓઝલ હળવેકથી દૂર હટાવવાની એ ક્ષણ ગાયકને ખરે ટાણે પકડતાં આવડવી જોઈએ. ઉત્કંઠા બહુ ખેંચીને પણ ચાલતી નથી કે ઉતાવળ કરીને પણ શમતી નથી. બેગમસાહેબા જિંદગીમાં ક્યારેક મળશે, પ્રેમથી ગાન સંભળાવશે એવું ધાર્યું પણ નહોતું. ‘ડિઝાયર ઓફ એ મોથ ફોર ધ સ્ટાર એન્ડ નાઇટ ફોર ધ મોરો’ આ પંકિત વારંવાર સંભારીએ એવી જ રીતે જિંદગીનાં આશાભર્યાં વર્ષો વહી ગયાં, તોપણ નિરાશાની મૂડી જમાવીને પોતાની જાતને હાસ્યાસ્પદ કરી મૂકી નહોતી. અમારે માટે તો અમારા સૂરોની ભકિતની મગરૂબી એવી તો જબરદસ્ત હતી કે બેગમ અખ્તરની ‘વફાઓં કે બદલે જફા કર રહે હૈં’ની રેકર્ડ સાંભળતાં ફાટેલી-તૂટેલી શેતરંજીના ગાલીચા બની જતા અને છત પરના ઉઘાડા બલ્બનાં ઝુંમર. ભાવિક મંડળી ભાગવત અને દાસબોધના પારાયણો કરતી હતી. અમે બેગમસાહેબની એકેએક રેકર્ડનાં સપ્તાહો ઊજવતા હતા. અચાનક અમારા કરતાં ઉંમરમાં, માનમાં, ધનમાં, રૂપમાં અને સ્વભાવસૌંદર્યમાં કેટલાયે ગણા મોટા એવા રસિકરાજ રામુભૈયા દાતે સાથે અમારાં મન મળી ગયાં. પહેલાંના વખતમાં બાળકોને વડીલ મુરબ્બીઓનાં ચરણોમાં ધરતા, તેમ એમણે લખનૌમાં બેગમસાહેબાના દૌલતખાનામાં એમની સાથે મારી મુલાકાત કરાવી દીધી. બેગમસાહેબા સાથે એમણે મારી ઓળખાણ કરાવી આપવી એટલે જાણે સાક્ષાત શ્રીકૃષ્ણે ‘આ મારો મિત્ર’ કહીને રાધા સાથે જ ઓળખાણ કરાવી આપવા જેવું હતું. ખાસ લખનવી કલાકસબી શબ્દોમાં ગૂંથીને રામુભૈયાએ મારી તારીફ કરી હતી. સાથે હતાં કુમારગંધર્વ, ભાનુમતી, રામભાઉ ગુળવણી. રામુભૈયાએ દીવાનખાનામાંની એક પેટી આગળ ખેંચી અને બેગમસાહેબાને કહ્યું, “સુનિયે,” અને મને કહ્યું, “વગાડો.” મેં કહ્યું, “આફત છે, રામુભૈયા! શેનું વગાડવાનું?” “અરે યાર, મોટી આફત છે! ભીમપલાસી-મુલતાનીની વેળા છે. એને શું એમ જ જવા દેવી? એનુંયે કાંઈ માન રાખશો કે નહિ?” આ બાજુ કુમાર, પેલી બાજુ બેગમસાહેબા અને મારી આગળ વાજાંપેટી. મેં પણ ‘થઈ જવા દો’ કહીને પેટી લીધી. આંગળીઓ ભીમપલાસી પર ફરી વળી અને બેગમસાહેબા એકદમ બોલ્યાં, “હમારે ગંધર્વ કૈસે હૈં?” ભીમપલાસીના એ ચાર સૂરોને લીધે એમને અચાનક બાલગંધર્વનું સ્મરણ થયું હતું. એમને મોઢે બાલગંધર્વનો ઉલ્લેખ થયો અને નવીસવી ઓળખાણના બધા જ ઔપચારિક બંધ સરી પડ્યા. ભીમપલાસી તો બાલગંધર્વને જન્મથી જ બક્ષિસમાં મળેલો રાગ. બાલગંધર્વને લીધે મરાઠી સંગીતરસિયાઓએ આ ભીમપલાસીને પુષ્કળ પ્રેમ કર્યો. બેગમસાહેબાને બાલગંધર્વ માટે હેતભાવ છે એવું જાણતાં જ એ અજાણ્યા દીવાનખાનામાંનું બધું અજાણપણું સરરર દઈને સરી ગયું. એ દિવસોમાં ખાદીનો પાયજામો અને જાકીટ એવો મારો પહેરવેશ રહેતો. આથી બેગમસાહેબાએ એ પહેલી જ મુલાકાતથી મને ‘લીડરસાહેબ’ કહેવાની શરૂઆત કરી હતી. પાંચ-છ જણની એ મહેફિલમાં કુમારે ગાયું હતું. કુમારનો ષડ્જ લાગ્યો અને બેગમસાહેબની છલકાઈ ઊઠેલી આંખોએ એ ષડ્જને પહેલી દાદ આપી. ગાન પૂરું થયું અને સન્નાટો ફેલાયો... તે દિવસના ગાન જેટલો જ એ સન્નાટો, એ શાંતિ મને આજે પણ સાંભરે છે. નાદબ્રહ્મ તો આવી નાદાતીત અવસ્થાએ પહોંચવા માટે જ હોય છે. પોતે પોતાને જ જાણવું એ તત્ત્વ બધી જ ‘પહોંચી હુઈ’ મોટી વ્યકિત આજ સુધી કહેતી આવી છે. ગાનકળાના સંદર્ભમાં બેગમ અખ્તરે ઘણી નાની ઉંમરે જ એ પામી લીધું હતું. હકીકતમાં તો એમણે ફૈજાબાદમાં વિધિસર ગાવાની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. એ સૂર, એ ગાયકી એમના ગળાને સહજસિદ્ધ હતી. પણ આ ગાયકી એમને જોઈએ તેવી તસલ્લી આપી શકતી નહોતી, મોકળાશ આપી શકતી નહોતી. આ ગાયકી તો પોતાના કાયદાકાનૂન લઈને આવતી હતી, ફૈજાબાદમાં રહેતાં’તાં એ હવેલીને આગ લાગ્યાનું નિમિત્ત થયું અને અખ્તરી કલકત્તા આવી. એક બંગાળી નાટક કંપનીમાં, એ વખતના પારસી થિયેટ્રિકલ્સના નાટકમાં ગાઈને વન્સમોર લેવા લાગી—અને એક દિવ્ય ક્ષણે ઉર્દૂ શાયરીના ખંડમાં એનો પ્રવેશ થયો. ગાલિબ, મીર, જૌક જેવા શાયરોના દીવાન એના હાથમાં આવ્યા. યુવાન અખ્તરીના અંતર્યામીના રુણ સૂરોને સાથ દેનારા શબ્દો ક્યાંકથી જડી આવ્યા. આંતરિક વેદનાના હોંકારાને ગઝલો મારફતે વાટ જડતી ગઈ. જે ગાવું હતું તે ગવાવા લાગ્યું. એ ગાવું જ્યાં જઈને પહોંચે એવા શબ્દ અને સૂરને પારખનારા રસિકોનો મેળાવડો જામ્યો. પોતાના શબ્દોને અખ્તરીના સૂર પામ્યાની ધન્યતાનો અનુભવ શૌકત, બેહજાદ જેવા શાયરોને થવા લાગ્યો. અને જોતજોતામાં તો લખનૌની ‘અખ્તરી મંજિલ’ સૂરોની શમા પર ચક્કર લગાવનારા પરવાનાઓની મક્કા થઈ રહી. બેહજાદસાહેબે અખ્તરી ફૈજાબાદીને નવી ગઝલ લખી આપ્યાની વાત, ઝવેરી બજારમાં નવો નવલખો આવ્યા જેવી સંગીતરસિકોમાં ફેલાતી રહેતી અને મહેફિલો હકડેઠઠ ભરાયે જતી. આખરે તો જીવંત મહેફિલ એ જ સાચી. એ ગાન, એ ગાયિકા, કાળજાના કાન કરીને એના સૂરેસૂર પકડનારા અને ક્ષણભરનો અવકાશ મળ્યો ન મળ્યો ત્યાં તો એમાં સાજનો રંગ ભરી દેનારા કુશળ સાજિંદાઓ, ઉત્કંઠાથી ભરપૂર એવી એ પ્રત્યેક ક્ષણ, એ ક્ષણોને લાધેલી સૂરલયની શ્રીમંતાઈ, કોઈ એક જીવલેણ સૂરાવલી ગળામાંથી નીકળતાં ગાયિકાની આંખોમાં ચમકી ગયેલી એ વેદના—અને આ બધાંનો અંગીકાર કરવા માટે પોતાનું પૂરું હુંપણું ગુમાવીને યાચક થઈ બેઠેલું પેલું દિલદાર રસિકવૃંદ અને ખુલ્લા દિલે અપાતી એ દાદ. ‘અખ્તરી મંજિલ’માં આ મહેફિલો જેણે માણી હશે તેમણે, “આ મહેફિલ આમ જ અવિરત ચાલવા દે” એનાથી વધીને બીજી કોઈ દુઆ અલ્લામિયાં પાસે નહિ માગી હોય. આ બેગમ અખ્તરના ગળામાં એવું તે શું હતું જે સમજાતું નથી? પણ ક્યાંયથીય એ સૂર જો કાને પડ્યા તો આપણા હાથમાનું કામ જેમનું તેમ થંભી જાય, વાતચીત થંભી જાય. ના, કાળ જ થંભી જાય એવું લાગતું. ગયા વરસની જ વાત છે. ધારવાડમાં મલ્લિકાર્જુન મન્સૂરના ઘરે અમસ્તી જ આમની-તેમની વાતો ચાલી રહી હતી. વાતો જામી રહી હતી. એટલામાં જ પેલી બાજુના ઓરડામાં એમની દીકરીએ રેડિયો ચાલુ કર્યો અને ગાન શરૂ થયું. ‘સિતારોંસે આગે જહાઁ ઔર ભી હૈ...’ બેગમ અખ્તર ગાતાં હતાં. વાતો અચાનક બંધ. મલ્લિકાર્જુન અણ્ણા કેટલું સરસ બોલી ગયા! કહ્યું... “આ અવાજ અને નારાયણરાવનો અવાજ, એમને મૃત્યુ જ નથી. અમે બધા ભુલાઈ જઈશું. આ તો દેવોએ સિદ્ધ કરીને પાઠવેલા સૂર.” બેગમ અખ્તરનું ગીત સાંભળતાં ઉર્દૂ શાયરીમાંનો સૂક્ષ્માર્થ ન સમજાવા છતાં પણ કોણ જાણે કેમ પણ એમાંના વ્યાકુળ ભાવોથી હૈયું ગદ્ગદ થઈ ઊઠતું. એ ગાનને નકામી ખટપટ મંજૂર નહોતી. કોઈ ઉતાવળ નહોતી. ચળકાટની લોલુપતા નહોતી. ઢાળમાં ઊટપટાંગપણું નહોતું. સીધાસાદા રાગમાંથીય શબ્દો વહેતા આવતા, વિસામો લેતા લેતા. શાયરીમાંના નાટ્ય અને મતલબની આસ્તેકથી પ્રતીતિ કરાવતું આ ગાન ચાલતું. પણ આવી સાદગી જ મહામુશ્કેલ. અને ખાસ તો એ કે સામે બેઠેલા દરેક સાથે સંવાદ સાધનારું આ ગાન હતું. દીવાનખાનામાં જ જામનારું, મોટા થિયેટરોમાં નહિ. પુનામાં બેગમસાહેબાનો મુકામ રામમહારાજ પંડિતના ‘આશિયાના’ બંગલામાં થતો. રામમહારાજનાં પત્ની વસુંધરાબાઈ તેમનાં શિષ્યા. વસુંધરાબાઈએ તો જન્મદાત્રી માતાને કરીએ તેટલો પ્રેમ આ અમ્મીને કર્યો હતો. એમની સેવામાં સહેજ પણ કચાશ રાખી નહોતી. અમ્મીનો ‘આશિયાના’માંનો મુકામ જ અમારે માટે તો ઓચ્છવ થઈ રહેતો. લખનૌની ‘અખ્તરી મંઝિલ’માં થતી મહેફિલોમાં શરીક થવા મળે એ તો ભાગ્યયોગ જ કહેવાતો. અહીં મહેફિલવાળી પેલી મલિકા અમારી ફરમાઈશને માન આપીને પેટ ભરીને ગાયન સંભળાવ્યે જતી. કીર્તિ, સંપત્તિ, અસંખ્ય રસિકોના મનમાં રહેલો એમના પ્રત્યેનો ભકિતભાવ કે આમાંની કોઈ પણ બાબતથી એમની પ્રતિભાને અહંકારનો જરા જેટલોય સ્પર્શ થયો નહોતો. કોઈ સાથે ચડસાચડસીમાં ઊતરવા માટે એ ક્યારેય ગાતાં નહિ. અંત:કરણમાંથી જે સૂર સ્રવતા હતા એમને ફક્ત વાટ દેખાડી હતી. મુંબઈમાં બાલગંધર્વની લાઁગ પ્લેઇંગ રેકર્ડના પ્રકાશનનો સમારંભ હતો. લખનૌ જવા માટે લીધેલી ટિકિટ રદ કરીને સમારંભમાં આવ્યાં અને પ્રેક્ષકોમાં જઈ બેઠાં. મારું ભાષણ હતું. સામે જોઉ છું તો બેગમસાહેબા બેઠાં હતાં. મરાઠી ન જાણતાં હોવા છતાંયે ‘वाऱ्यवरची वरात’ જોવા આવ્યાં હતાં. બાલગંધર્વના રેકર્ડ પ્રકાશન સમયેનું મારું ભાષણ સાંભળીને કહેલું, “લીડરસાબ, આજ આપને બહુત દિલચશ્પ તક્રીર ફરમાયી.” મેં પૂછ્યું, “મેરી મરાઠી બાત આપકી સમઝમેં, કૈસે આયી?” તો કહ્યું, “આપ હંમેશ બહોત હઁસાતે હો, મગર આજ જો દાદ દી જા રહી થી, વહ કુછ અલગ થી.” રામમહારાજ પંડિતના ‘આશિયાના’માં એક વાર અત્યંત સુંદર મહેફિલ જામી હતી. સ્નેહભાવથી એકત્રિત થયેલાં લોકો ગાનારાને તરત જ ઓળખાઈ આવે છે. રાત્રીનો પ્રહરેપ્રહર ધન્ય કરતી મહેફિલ ચાલતી હતી. ઠૂમરી, ગઝલ, દાદરા, સૂરલયનાં અત્યંત મોહક રૂપો પ્રગટી રહ્યાં હતાં. ઠેકઠેકાણે દાદ મળતી હતી. પેટી પર વસંતરાવ દેશપાંડે હતા. થોડી વાર પછી મધ્યાંતર થયો. ચાંદની રાત હતી. હવાની લહેરખી ખાવા માટે હોલમાંથી લોકો બહાર આવ્યા. ‘કોફી થઈ જાય’ એવી હવા હતી. બેગમસાહેબાએ કહ્યું, “ખુદા કસમ, મને પુનામાં ગાવું ખ્ાૂબ જ ગમે છે.” મેં કહ્યું, “આ તો આપની લખનવી તહેજીબ છે. હું પણ દરેક ગામમાં—‘આ ગામ જેવો રસિક શ્રોતા બીજે ક્યાંય મળતો નથી,’ એવું જ કહેતો રહું છું.” “એવું નથી. અહીં આવવું મને કેમ ગમે છે, તમે જાણો છો? અહીં મારા સૂરને દાદ મળે છે. ત્યાં તો બધી દાદ શાયર જ લઈ જાય છે અને સૂર બિચારા શરમાઈને રહી જાય છે. અહીં તો સૂરો પ્રેમ પામે છે.” એ મહેફિલ અવિસ્મરણીય રહી. રાતના અઢી થયા હતા, તોયે મહેફિલની તાજગી ખલાસ થઈ નહોતી. રાતોની રાતો હવા આવી જવાન રાખવાનો જાદુ જે ગણ્યાગાંઠ્યા કલાકારોએ સાધ્યો હતો એમાં બેગમસાહેબાનો ક્રમ ખાસ્સો ઉપર. પછી સંગતે બેઠેલા વસંતરાવ દેશપાંડેને બેગમસાહેબાએ કહ્યું, “ગુરુજી, આપ કુછ નહીં સુનાયેંગે?” પછી તો પરોઢિયાના પાંચ વાગ્યા સુધી વસંતરાવે પણ એકદમ તબિયતથી ગઝલ-ઠૂમરી ગાઈ... બેગમસાહેબાનું એ સાંભળવું, દાદ આપવી એ પણ એક અનુભવવા જેવી વાત રહેતી. દીપશિખા મંદ થવાના પ્રહરે મહેફિલ ઊઠી. પુણેરી હવાએ પણ મહેફિલના એ કદરદાનો પર મહેરબાન થવાનું ઠરાવ્યું હતું. એ પરોઢિયું પણ એ સ્વરગર્ભરાત્રીને ખીલેલા પુષ્પ જેવું જ ઊગ્યું હતું. હૈયું ભરાઈ આવે એવી મેં સાંભળેલી બેગમસાહેબાની એ આખરી મહેફિલ. એ પછી એમની મુલાકાત થઈ તે દિલ્હીમાં. સંગીત નાટ્ય અકાદમીએ એમનું સન્માન કર્યું તે પ્રસંગે. પુરસ્કારપ્રાપ્ત કલાકારની રૂએ તે દિવસે ત્યાંના કામાણી હોલમાં એમણે ગાયું. ....અને એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે અમદાવાદમાં બેગમસાહેબાનું અણધાર્યું અવસાન થયું છે: એકત્રીસ ઓક્ટોબર, ઓગણીસ ચુમોતેર. બેગમસાહેબાના સૂરોનો નાતો ખાસ કરીને વિજોગ જોડે જ જોડાયેલો હતો. ગાતી વખતે તેમનું હૈયું ભરાઈ આવતું. સાંભળતી વખતે સાંભળનારનું હૈયું ભરાઈ આવતું. પાંખડી પર અશ્રુ ટપકે એવો ફોરાં જેવો ભીનો સૂર શબ્દો પર પડતો. એ તો વિરહગીતોની રાણી હતી. જન્મથી જ મેળવાયેલા એ સૂરીલા તારમાંથી પેલો સ્વયંભૂ ગંધાર અણધાર્યો જ બધી કરુણતા લઈને પ્રગટતો અને ઉત્કટતાની ચરમસીમા આવે કે, ચોમાસામાં તાર પરથી ટપક્યે જનારા ટીપાથી પોતાનો જ ભાર ન સહેવાતાં ટીપું ફૂટી જાય તેમ, એ વેદનાનો ભાર સહન ન થતાં એ સૂર પણ ફાટતો. સુજાણ અને સહૃદય શ્રોતાનાં બધાં પુણ્યોનું ફળ ત્યાં જ મળતું. બાલગંધર્વના ગાનમાં એકાદો શબ્દ આવી જ રીતે ગદ્યપદ્યની સીમારેખા પર મૂકીને ગાયેલો જડે કે એ જગ્યા જેમ ચટકો ભરી જતી, તેવો જ આ અનુભવ. પરિપૂર્ણતાનો આનંદ અને એ ક્ષણ પૂરી થયાનું દુ:ખ, આ બે વચ્ચે ક્યાંક આવી એકાદ ક્ષણની ચમત્કૃતિ ડોકાઈ જતી. બેગમ અખ્તર આવતાં, ગાઈને જતાં રહેતાં—અમને, ‘ઇન્શાઅલ્લા ફિર મિલેંગે’નું વચન આપીને. ‘અખ્તર’ એટલે તારિકા. આ સિતારાએ જ અમને “સિતારોં કે આગે જહાં ઓર ભી હૈ” એવું ભીંજાયેલા સૂરમાં જણાવ્યું હતું. તારાઓની પેલે પારની આ દુનિયાની જ્યારે એ અમને યાદ કરાવતાં ત્યારે વાસ્તવિકતાની ખૂંચનારી સભાનતામાંથી એ ક્ષણે અમે મુકિત પામતા—બેગમસાહેબા ગયાં અને ક્યારેક રેકર્ડમાંથી તો ક્યારેક કૅસેટમાંથી એમનું ગાન સાંભળવા જેટલી તો સગવડ પાછળ રહી છે. પણ હવે આ બધું ચિત્રો થકી ઋતુલીલા નિહાળવા જેવું. એ યંત્રો બિચારાં એ ગાન સંભળાવે છે. પછી આંખો સમક્ષ મહેફિલો ખડી થઈ જાય છે. વર્ષોનાં વર્ષો પહેલાંની એ રાતો જાણે ગઈ કાલની જ લાગે છે અને એક જ કડી ફરીફરી કાનમાં ગુંજારવ કરી રહે છે—“કબજે મેં થી બહાર, આજકલકી બાત હૈ.” ગઈકાલની જ વાત! આજે મારી જિંદગી જગતનાં વિવિધ પ્રકારનાં કુદરતી અને માનવનિર્મિત દુ:ખોના ડુંગર નીચે દબાઈ રહી છે, એવું કાંઈ નથી. અપાર દુ:ખો ભોગવનારાં માણસો હું રોજ જોઉં છું. તોપણ મારા ઘર સામેના ઝાડ પર અજાણ્યાં પક્ષીઓ આવીને ભૂપાલી ગાઈ જતાં હોય છે. આસપાસનાં ઘરોનાં ભૂલકાંઓની બાલઋચા કાને પડતી હોય છે. ક્યારેક હવાની એકાદી લહેરખી, ઋતુચક્રે એક ઓર ફેરો ફર્યાની વાત પણ કહી જાય છે. પણ ગૅલેરીમાંથી દેખાતી વાડ પાસેની પેલી ટચૂકડી વેલી પર એકાદા પંખીડાનું હળવેકથી ટપકી પડવું, ધીમા ધીમા સરવડાંથી ભીંજાઈને ટપટપ ટીપાં પાડનારાં જાસૂદનાં પાંદડાં, ઘેરાઈ આવેલું સવારનું આકાશ, આ બધાંની એવી કાંઈ અસર થઈ આવે કે બેગમ અખ્તરના સૂરોની તરસ લાગી ઊઠે છે. પંખીડાનું એ ટપકી પડવું, પેલા પાંદડાં પરનાં ટીપાંનું એ ટપકવું, ઓચિંતું ઘેરાઈ આવેલું એ આકાશ, આ બધું જેટલું સહજ, કુદરતી અને ભીંજાઈને જેટલું છલકાયેલું એટલું જ બેગમસાહેબાનું ગાન. એ ઘેરાઈ આવનારા સૂર. લય પર એ આસ્તેકથી પોરો ખાવો. હું પોતે જ સવારની એક કવિતા થઈ જાઉં છું. એ કવિતાની પહેલી કડી પણ, ‘જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા...’ એ જ હોય છે! — અનુ. અરુણા જાડેજા


[‘નવનીત-સમર્પણ’ માસિક: ૨૦૦૩]