સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પુ. લ. દેશપાંડે/“ગાંધી-ટોપી છે ને, એટલે!”

          સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યાં. બાજુવાળા એક ભાઈના હાથમાં મૂક્યાં, પોતાનું નામ-સરનામું આપ્યું અને કહ્યું: “આટલાં ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું!” પેલા ભાઈએ સવાલ કર્યો, “બહેન, આપણે તો કોઈ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘેર પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?” “તમારા શરીર પર ખાદી ને માથે ગાંધી ટોપી છે ને, એટલે!”

હું અંગ્રેજી બીજી ચોપડીમાં આવ્યો અને ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ શરૂ થઈ. ચોતરફ ‘ગાંધી-ગાંધી-ગાંધી’ સંભળાતું હતું. હું આઠ-નવ વર્ષનો હતો ત્યારે મારા માથા પરથી કાળી ટોપી ગઈ અને ગાંધી ટોપી ચઢી. મૅટ્રિક થતાં સુધી એનો મુકામ મસ્તક પર હતો. એ ટોપીની માફક ગાંધીજીએ અમારા નાનકડા માથાનો કબજો લીધો હતો, પણ એમનાં દર્શન થયાં નહોતાં. પહેલવહેલાં દર્શન થયાં એકત્રીસની સાલમાં. મુંબઈના પરા વિલેપાર્લાના એક ચર્ચના પટાંગણમાં સભા હતી. ચર્ચના પાદરીબાબા ગાંધીજીનું આ સંકટ વહોરી લેવા કઈ રીતે તૈયાર થયા હશે, એ તો ભગવાન જાણે! પણ ત્યાર બાદ ચર્ચના પરિસરમાં કોઈ રાજકીય સભા મેં તો જોઈ નથી. સ્વતંત્રતાની ચળવળ એ આપણું કામ નહીં, એવું પાર્લાના ખ્રિસ્તીઓ માનતા. આથી ચર્ચના પટાંગણમાં ગાંધીજીની સભા હોય એ વાતથી જ અમે તો ચકરાઈ ગયા હતા. લોકોનાં ટોળેટોળાં સભાસ્થળ ભણી જઈ રહ્યાં હતાં. અગાઉ ક્યારેય આવી ભીડ જોઈ નહોતી. અમે તો ક્યારનાયે વહેલા વહેલા જઈને જગા રોકીને બેસી ગયા હતા. જેમના નામનો સતત જપ થઈ રહ્યો હતો એમનાં પ્રત્યક્ષ દર્શન... કોઈ પણ જાતની નાટકીય ઊતરચઢ વગરની એમની કથનશૈલી... હજારોના મુખમાંથી નીકળેલી ‘મહાત્મા ગાંધીની જય’ એવી ગર્જના... એવી કાંઈક સંમોહિત દશામાં આખો જનસમુદાય પાછો ફર્યો. એ પછીનાં કેટલાંય વર્ષો ગાંધીમય થઈ રહ્યાં. છાપાંમાં રોજ ગાંધીજીના નવા કાર્યક્રમની માહિતી, એમના લેખ, એમને વિશેના લેખો. અસંખ્ય માથાં પર ગાંધી ટોપી દેખાવા લાગી. શરીર પર ખાદી ચઢી. કાંતણના વર્ગો શરૂ થયા. આપણા દેશની બધી આધિવ્યાધિઓનું મૂળ અંગ્રેજ રાજ છે, એ જતું રહે પછી ભારત સુખોનો ભંડાર થશે એવી ત્યારે ધારણા હતી. એવા કેફમાં અઢારમું વર્ષ ઓળંગતાં વિશ્વયુદ્ધ આવીને ઊભું રહ્યું.

પંદરમી ઓગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રૂર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુકિતનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું. સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. દરિદ્રનારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, એ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. “સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે,” એવા ઉદ્ગાર ખુદ ગાંધીજીએ કાઢ્યા હતા. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું, એમ સ્વરાજનાં અજવાળાંની રાહ જોઈને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું. સ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું મહાલતું. અંબાડી પર બેઠેલા રાજેન્દ્રબાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત એક બાપુ અમારી સાથે ધૂળમાં ચાલી રહ્યા હતા.’ અંગ્રેજોના અપમાનિત રાજમાં અડધી જિંદગી વિતાવી ચૂકેલા માણસ તરીકે મને એ વાતનો આનંદ છે કે આપણે હવે સ્વતંત્ર છીએ. પણ આજે જે છોકરાંઓ વીસ-પચ્ચીસીમાં છે, તેમને શું જોવા મળ્યું? રોજનાં છાપાંમાં તેમણે શું વાંચ્યું? ગાંધી-નેહરુનાં નામનો જાદુ એમના પર કઈ રીતે ભૂરકી નાખશે? ખાદીની ટોપી ચઢાવનાર જિલ્લા પંચાયતના પ્રમુખને દારૂ પીને ગાળાગાળી કરતો એમણે જોયો છે. પોલીસના ફોજદારને ગુંડાઓ સાથે હાથ મિલાવતો એ જોઈ રહ્યા છે. પોતાના છોકરાના માર્ક વધારવા માટે શાળાના માસ્તર પર ધાકધમકી અજમાવતા અભણ સરપંચને એમણે જોયો છે. પોતાને માટે જીવ બાળનારું અહીં કોઈ નથી, એવું એને લાગે છે. “અમે છીએ ને તારે પડખે!” એવું કહેનારું કોઈ દેખાતું નથી. યુવાનોનો આક્રોશ ઉછાળા મારે છે. આજની પેઢીને મૂલ્યોની કદર નથી, એવી બૂમાબૂમ થાય છે. પણ મૂલ્યોને કાજે બલિદાન આપનારા માણસો એમણે તો વરસોથી જોયા જ નથી. આજની પેઢીમાં આદરભાવના નથી, એવું કહેતી વખતે એમને આદર થાય એવા કેટલા માણસો આખા દેશમાંથી આપણે ચીંધી શકીશું?


— અનુ. અરુણા જાડેજા


[‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૪]