સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્યારેલાલ નય્યર/વેળુ-કણે દર્શન વિશ્વનું

          એક વિધવા માતા સેવાગ્રામ આશ્રમમાં જોડાયાં હતાં. તેમના નવ વરસના તેજસ્વી દીકરાને આશ્રમની બુનિયાદી શાળાના છાત્રાલયમાં મૂકવામાં આવ્યો હતો. ગાંધીજી પોતાને મળવા છાત્રાલયમાં આવે, એ શરતે તે છોકરો શાળામાં જવા તૈયાર થયો હતો. એ શરત પ્રમાણે ગાંધીજીએ તેમના બાળમિત્રના છાત્રાલયની ઓચિંતી મુલાકાત લીધી. ઓરડામાં દાખલ થતાંની સાથે જ તેમની નજર વચ્ચોવચ સાદડી પર પડેલાં ખડિયા-કલમ પર પડી. ખડિયો ગંદો દેખાતો હતો. કલમની ટાંક તેમણે તપાસી, તો તે ફાટેલી જણાઈ. પથારીના ગાદલાનું રૂ ગડગૂમડ થઈ ગયેલું હતું. ફાટેલી ચાદર જેમ તેમ સાંધેલી હતી. આ મુલાકાતમાં પાંચ મિનિટથી વધારે વખત આપવાનું તેમણે ધાર્યું નહોતું. તેને બદલે, વસ્તુઓ તપાસવામાં ને તેને વિશે સમજૂતી આપવામાં ગાંધીજીએ પોણો કલાક ગાળ્યો. પછી પોતાના અવલોકન વિશે તેમણે નોંધ લખી : “ફાટેલી ચાદરો કાં તો બરાબર સાંધી લેવી જોઈતી હતી, અથવા તેને બેવડાવીને ગોદડી બનાવી લેવી જોઈતી હતી. [દક્ષિણ આફ્રિકામાં] ટ્રાન્સવાલમાં હું જેલમાં હતો ત્યારે ફાટેલા કામળાની ગોદડીઓ બનાવવાનું ઘણું કામ મેં કર્યું હતું. ફાટેલાં ચીંથરાં ધોઈને ગડી કરીને રાખવાં જોઈએ; ફાટેલાં કપડાંને થીંગડાં મારવામાં તેનો ઉપયોગ કરી શકાય.” નોંધમાં તેમણે વધુમાં જણાવ્યું : “આ બધી વસ્તુઓ તમને ક્ષુલ્લક લાગશે. પણ તમામ મોટી વસ્તુઓ આવી ક્ષુલ્લક વસ્તુની જ બનેલી હોય છે. મારું સમગ્ર જીવન ક્ષુલ્લક લાગતી વસ્તુઓના પાયા પર જ રચાયું છે. આપણા છોકરાઓના મન પર નાની નાની વસ્તુઓનું મહત્ત્વ ઠસાવવાનું આપણે જેટલા પ્રમાણમાં ચૂક્યા છીએ, તેટલા પ્રમાણમાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ, અથવા કહો કે હું નિષ્ફળ નીવડ્યો છું. કારણ કે નયી તાલીમનો પ્રયોગ શરૂ કરનાર હું છું. પરંતુ એ પ્રયોગ આગળ ચલાવવા માટે હું પોતે સમય કાઢી શક્યો નથી, અને એ કામ મારે બીજાઓ ઉપર છોડવું પડ્યું. સ્વચ્છતા અને સુઘડતાની દૃષ્ટિ, મારા અભિપ્રાય પ્રમાણે, નયી તાલીમનું હાર્દ છે. એ કેળવવા માટે કશો ખર્ચ કરવો પડતો નથી. એને માટે જરૂર માત્ર સૂક્ષ્મ અને નિરીક્ષક નજરની અને કળાની દૃષ્ટિની હોય છે.” નોંધના છેવટના ભાગમાં તેમણે જણાવ્યું : “તમે મને એમ કહો કે, આ રીતે તો અમે એકાદ-બેથી વધુ છોકરાઓને ન્યાય ન આપી શકીએ, તો હું કહીશ કે તમે વધારે નહીં પણ એક કે બે છોકરાઓ જ ભલે લો. આપણે યોગ્ય રીતે પાર પાડી શકીએ તેના કરતાં વધારે ભાર માથે લેવાથી આપણે આપણા આત્મામાં અસત્યનું કલંક દાખલ કરીએ છીએ.” ગાંધીજીની એ એક વિશિષ્ટ ખાસિયત હતી : વેળુ-કણે દર્શન વિશ્વનું અને નિહાળવું સ્વર્ગ જ વન્ય પુષ્પે, આનંત્યને ધારવું હસ્તરેખમાં, ક્ષણે વળી શાશ્વતતા… તે દિવસે પાછળથી એ પ્રસંગનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ કહ્યું, “આજે મેં સ્વરાજની ઇમારતમાં બીજી એક ઈંટનું ચણતર કર્યું છે.”


અનુ. મણિભાઈ ભ. દેસાઈ


[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ : પહેલો ભાગ પુસ્તક]