સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્યારેલાલ નય્યર/સિદ્ધાંતોને જીવી જાણનાર

          ધર્માનંદ કોસંબી બૌદ્ધ સાધુ હતા અને પાલિ ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા વિદ્વાન હતા. પ્રોફેસરની મોટા પગારની નોકરી સહેલાઈથી મળી શકી હોત, પરંતુ તેમણે સેવાનું ક્ષેત્રા અને સ્વેચ્છાએ ગરીબાઈનું જીવન પસંદ કર્યાં. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે પ્રોફેસર કોસંબી તેમાં જોડાયા. પાછળથી જીવનના છેવટના ભાગમાં પોતાના અંતિમ દિવસો ત્યાં ગાળવાને તેઓ આશ્રમમાં આવ્યા. તેમનાં દીકરો તથા દીકરી સારી સ્થિતિમાં હતાં, અને તેમની સાથે રહીને કોસંબીજી સગવડભર્યું જીવન જીવી શક્યા હોત. પરંતુ આશ્રમના વાતાવરણમાં જીવવાનું અને મરવાનું તેમણે પસંદ કર્યું. આશ્રમવાસીઓની સેવા લેવાને પણ તે ઇચ્છતા નહોતા. પોતાના આશ્રમવસવાટ દરમિયાન તે લગભગ ઉપવાસી જ રહ્યા. તે મરણને આરે આવી પહોંચ્યા ત્યારે પણ તેમનાં દીકરા-દીકરીને બોલાવવાની, પોતાની વિશિષ્ટ બૌદ્ધ સમતાથી, તેમણે ના પાડી. એને બદલે પોતાની સારવાર કરનાર આશ્રમવાસીને બોલાવ્યો, આશીર્વાદ આપવા પોતાનો હાથ તેના માથા પર મૂક્યો અને પૂરી શાંતિથી તેમણે પ્રાણ છોડયા. તેમના મૃત્યુ વિશે ગાંધીજીએ કહેલું : “બુદ્ધના સિદ્ધાંતો તેમણે પોતાના જીવનમાં ઉતાર્યા હતા અને એ વસ્તુએ મૃત્યુને વફાદાર મિત્ર તથા મુક્તિદાતા તરીકે લેખવાનું તેમને શીખવ્યું હતું.”

(અનુ. મણિભાઈ દેસાઈ)


[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ પુસ્તક]