સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અદાલતની બદનક્ષી!

Revision as of 11:54, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પોતાની સ્ત્રીને મારવાના આરોપસર એક માણસને અદાલતમાં ખડો કરવામાં આવ્યો. એની ‘દર્દ-કહાણી’ સાંભળીને ન્યાયાધીશે એને ‘પ્રોબેશન’ પર છોડયો. વળતે દિવસે જ સ્ત્રીનાં હાડકાં ફરી ખોખરાં કરનાર એ આદમી તે જ ન્યાયાધીશ સમક્ષ પાછો ખડો થયો. “સાહેબ, વાત જાણે એમ બની કે,” ધૂંવાં પૂંવા થયેલા ન્યાયાધીશ પાસે ખુલાસો કરતાં એણે જણાવ્યું, “કાલનો દિવસ મારો બહુ ખરાબ ગયો — અહીં કોરટમાં, આટલા બધા માણસો વચ્ચે, સાહેબ, મારું માથું ફાટફાટ થતું હતું. એટલે મને થયું કે જરાક નશો કરું તો કાંઈક કળ વળશે. પછી થોડોક વધુ...... અને વળી થોડો વધારે. અંતે જ્યારે હું ઘેર પહોંચ્યો ત્યારે બાયડીએ મને “પીટયા દારૂડિયા” કહીને વધાવ્યો. તોયે, નામદાર, મેં કાંઈ કર્યું નહીં. મારી દશાનો મેં વિચાર કર્યો ને મને લાગ્યું કે એનો ગુસ્સો સાવ ગેરવાજબી નહીં હોય. ત્યાં તો એ પાછી તાડૂકી, “મૂઓ નઘરોળ, હરામનાં હાડકાંનો!” તોય, સાહેબ, મેં કાંઈ કર્યું નહીં. મારી છૂટી ગયેલી નોકરીનો ને ચડી ગયેલા ઘરભાડાનો વિચાર મને આવ્યો અને હું મૂંગો મૂંગો સાંભળી રહ્યો. “પણ પછી, નામદાર, એ કાળમુખી એવું બોલી કે, રોયા માજિસ્ટ્રેટમાં ટીપુંય અક્કલ બળી હોત તો આ નખ્ખોદિયાને જેલ ભેળો જ કર્યો હોત! “અને, સાહેબ, આવી રીતે એણે નામદાર કોર્ટને ગાળ દીધી એ તો મારાથી કોઈ રીતે સહન થયું નહીં!”