સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અહોભાગ્ય!


હાથલારી ખેંચીને જતો મજૂર સાવ હાંફી ગયો, કારણ કે ટેકરીના ચઢાણ પર એકલે હાથે લારી ચડાવવી અત્યંત મુશ્કેલ હતી. થોડે સુધી તો ઢોળાવ પર હાથલારી ખેંચીને ચઢ્યો, પણ પછી તે થાકીને લોથપોથ થઈ ગયો. હાથલારી એની પકડમાંથી છૂટી જશે તો શું થશે? એમાં ભરેલા લોખંડના વજનદાર સામાનનું શું થશે? સામાન ગબડીને પડશે, તો તો આવી બન્યું! બાજુમાંથી પસાર થતા લોકો હાથલારીવાળાને જોતા હતા. કોઈ એના પ્રત્યે દયા કે અનુકંપા અનુભવતા હતા, પરંતુ સહુને પોતાના સ્થાને પહોંચવાની ઉતાવળ હોવાથી કોઈ એને મદદ કરતું નહોતું. એવામાં એની નજર બાજુમાંથી પસાર થતા એક આદમી પર પડી. એ આદમીની નજર પણ આ લારીવાળા પર પડી અને જાણે નજરે નિમંત્રણ આપ્યું હોય તેમ એ લારીવાળાને મદદ કરવા દોડી ગયા. એમણે એને ટેકો આપ્યો, હાથલારીને જોરથી ધક્કો માર્યો અને લારી ઢોળાવ ચડી ગઈ. લારીવાળો ખુશ થયો. એણે એ સજ્જનનો આભાર માન્યો. એ પછી આગળ જતાં હાથલારીવાળાને જાણવા મળ્યું કે પેલા સહાય કરનારા સજ્જન તો ઇંગ્લૅન્ડના વડા પ્રધાન ગ્લૅડસ્ટન હતા. ત્યારે એ બોલી ઊઠ્યો, “અહો! મારું કેવું અહોભાગ્ય! અરે, મારું તો ખરું, પણ મારા દેશનું અહોભાગ્ય કે એને આવા મહાન સેવાભાવી વડા પ્રધાન મળ્યા છે!” વિલિયમ ગ્લૅડસ્ટનને માટે રાજકારણ એ વ્યવસાય કે આજીવિકાનું સાધન નહીં, પણ પ્રજાસેવાનું પવિત્ર કર્તવ્ય હતું. ચાર વખત ઇંગ્લૅન્ડના વડા પ્રધાન રહેલા ગ્લૅડસ્ટનની ગણના આજે લોકશાહી વિશ્વના એક મહાન વડા પ્રધાન તરીકે થાય છે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૪]