સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/એનું નામ ભેજું!

Revision as of 12:09, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહારાષ્ટ્રના પ્રખર વિદ્વાન શ્રી રઘુનાથ પ. પરાંજપે પુણેની ફરગ્યુસન કૉલેજમાં ગણિત શીખવતા ત્યારે, વર્ગમાં કયો વિદ્યાર્થી બરાબર ધ્યાન આપે છે તે જોવા માટે ઘણી વાર એક યુક્તિ અજમાવતા : વર્ગના પાટિયા ઉપર પોતે ચાક વડે દાખલો ગણતા હોય તેમાં જાણીબૂજીને કોઈ રકમ કે આંકડો ખોટો માંડી દેતા. થોડી વાર લગી કોઈ વિદ્યાર્થી તે ભૂલ પકડે નહીં, તો પછી પોતે જ એ સુધારી લેતા. પણ ક્યારેક કોઈ વિદ્યાર્થી એવી ભૂલ પકડી પાડતો, ત્યારે અધ્યાપક પરાંજપે ખુશખુશાલ થઈ જતા, અને હાથમાંનો ચૉકનો ટુકડો પાટિયા ઉપર ફેંકીને બોલી ઊઠતા : “ધેટ્સ ધ હેડ (એનું નામ ભેજું)!” એક વાર નાતાલની રજાઓમાં વિદ્યાર્થીઓનું સ્નેહસંમેલન ચાલતું હતું. રમતગમત, સંગીત વગેરેની સાથે પોતાના પ્રોફેસરની નકલ કરી બતાવવાનો કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓએ રાખેલો. તેમાં એક વિદ્યાર્થીએ પ્રોફેસર પરાંજપેની શિક્ષણશૈલીની નકલ કરવાનું બીડું ઝડપ્યું. સભાગૃહના તખ્તા પર એક કાળું પાટિયું મુકાવીને, એ પરાંજપે બોલતા તે ઢબે બોલીને પછી પાટિયા ઉપર કોઈ દાખલાના આંકડા માંડવા લાગ્યો. પ્રેક્ષકો વચ્ચે બેઠેલા પરાંજપેસાહેબ તે ક્ષણે ઊભા થઈને પોકારી ઊઠ્યા કે, “ભાઈ, તારી જરા ભૂલ થાય છે. પાટિયા પર દાખલા ગણતી વખતે હું વર્ગ તરફ એમ પીઠ ફેરવીને નહીં પણ જરા એક બાજુએ ફરીને ઊભો રહું છું, જેથી તમારા બધાના ચહેરા પણ જોઈ શકું.” પળનાયે વિલંબ વિના તખ્તા પરના પેલા નકલ કરનારાએ પોતાના હાથમાંનો ચાકનો ટુકડો પાટિયા પર ફગાવ્યો અને પરાંજપે બોલતા એ રીતે હસીને કહ્યું, “ધેટ્સ ધ હેડ!” બીજાની નકલ કરવાના એ કાર્યક્રમમાં પહેલું ઇનામ કોને મળશે, તે વિશે પ્રેક્ષકોમાં હવે કોઈ સંદેહ રહ્યો નહીં.