સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ગળથૂથીમાં સંગીત


ત્રિપુરા રાજ્યના શિવપુરી ગામે ૧૮૬૯માં (ગાંધીજીની જન્મ-સાલમાં) સિતારના ઉસ્તાદ સાધુખાનના ઘરમાં એક બાળકનો જન્મ થયો, તેને ગળથૂથીમાં સંગીત મળેલું. તે એક મહિનાનો હતો ને માતાના ખોળામાં સૂતો હતો ત્યારે, પિતાના સિતારના ઝંકાર સાથે તાલ મિલાવવા હાથ વડે તેના સાથળને ટપલી મારતો જોઈને માતાના કૌતુકનો પાર નહોતો રહ્યો. સંગીતનું ધાવણ ધાવતાં ધાવતાં જરા મોટો થયેલો એ બાળક નિશાળે જતો થયો, ત્યારે વાટમાં આવતા શિવમંદિરમાં ભક્તો કીર્તન કરતા તેમની સાથે બેસી જતો. શાળાના માસ્તરે એક વાર ફરિયાદ કરી કે, “તમારો છોકરો ભણવાને બદલે ભજનિયો બની ગયો છે!” એ સાંભળીને માતાએ તેને હાથેપગે દોરી બાંધીને ખૂબ મારેલો. છ વરસના બાળકને સંગીતની કેટલી બધી લગન લાગી છે તે જોઈને માને ડર લાગ્યો કે તે ક્યાંક ભાગી જશે. એટલે રોજ રાતે તેને પોતાની પાસે સુવડાવતી વખતે તેના ખમીસના છેડા સાથે પોતાની સાડીનો છેડો માતા ગાંઠ વાળીને બાંધી રાખતી. પણ એક રાતે સાડલાની આ ગાંઠ છોડીને છ વરસનો એ છોકરો ઘેરથી ભાગી છૂટયો. મોટો થઈને એ સરોદવાદક અલાઉદીન ખાં તરીકે મશહૂર બન્યો. એ જમાનામાં રામપુર ગામે સંગીતના પાંચસો ઉસ્તાદો વસતા હતા, તેમાં ઉસ્તાદ વઝીરખાનનું નામ મોખરે હતું. રામપુરના નવાબ ઘણા સંગીતકારોને ઉત્તેજન આપવા તેમને નોકરીએ રાખતા, તેમાં વઝીરખાન પણ હતા. એમને પોતાના ઉસ્તાદ બનાવવાની ઝંખના અલાઉદ્દીન ખાંએ ધીરજથી વરસો સુધી સેવી હતી. અંતે વઝીરખાને તેમને પોતાના શાગીર્દ તરીકે સ્વીકાર્યા અને તેત્રીસ વરસ સુધી પોતાની સાથે રાખ્યા. વખત જતાં મહીયરના મહારાજા બ્રીજનાથસિંહ બાબા અલાઉદ્દીન ખાંના પ્રથમ ચેલા બન્યા અને જાતે તેમને માટે પાન બનાવી આપતા. બાબા મહીયરમાં પાંત્રીસ વરસ સુધી રહ્યા ત્યારે મહીયરમાં કુળદેવી શારદા માતાના મંદિરે દર્શન કરવા જતા. પૂર્વ ભારતવાસી તરીકે માંસ-મચ્છીના શોખીન ગણાતા બાબાએ તેનો ત્યાગ કરેલો. પોતાના ખાટલા પાસે તેઓ ‘કુરાન’ અને ‘રામાયણ’ જોડાજોડ રાખી મૂકતા. મહીયરમાં જન્મેલી પોતાની પુત્રીનું નામ તેમણે અન્નપૂર્ણા રાખેલું. નૃત્યકાર ઉદયશંકર યુરોપમાં કાર્યકર્મો કરવા ગયા ત્યારે પોતાની સાથે અન્નપૂર્ણાને લઈ ગયેલા. તેમની નીચે નૃત્ય-સાધના કરીને પારંગત બનેલી અન્નપૂર્ણાનાં લગ્ન ઉદયશંકરના નાના ભાઈ સિતારવાદક રવિશંકર સાથે થયેલાં. બાબાના પુત્રા અલીઅકબર ખાંએ સંગીતકાર પિતાનો વારસો જાળવ્યો.