સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/તમે શું કર્યું?


હજરત ઈસાને મિસરના રાજાએ ગિરફતાર કર્યા હતા. કારણ એ કે જેમના પ્રત્યે લોકોને આદર હોય તેમને જેલમાં પૂરવાથી લોકો પાસેથી જોઈએ તેટલું ધન કઢાવી શકાય. હજરત સાહેબને કેદમાં પૂર્યાના સમાચાર ચારે બાજુ ફેલાતાંની સાથે જ લોકો રડી ઊઠ્યા. દેશમાં જે અમીર-ઉમરાવો ને ધનિકો હતા તેઓ પોતાની બધી માલમિલકત લઈને હજરત સાહેબને છોડાવવા દોડયા. પરંતુ રાજાને એટલું ધન પણ ઓછું પડ્યું. આ વાત પણ દેશભરમાં ફેલાઈ ગઈ. નાનાં-મોટાં સૌ ચોંકી ઊઠયાં. ઊંડાણના ગામની ભાગોળે એક ડોશી રહે. એનું એક જ કામ : ખુદાનું નામ લેવું અને રેંટિયો કાંતીને પેટ ભરવું. તેને કાને આ વાત પહોંચી. તેને થયું : ચાલ, હુંય ઊપડું. ડોસીમા પાસે બીજી તો કાંઈ મૂડી હતી નહિ; હતી હાથે કાંતેલા સૂતરની ફક્ત ચાર-પાંચ આંટી. એ આંટીનું બચકું વાળીને માજી નીકળી પડ્યાં. લાકડીને ટેકે ચાલ્યાં જતાં હતાં. રાજમાર્ગ પરથી એ નીકળ્યાં ત્યારે જુવાનિયાઓએ ટીખળ કર્યું : “ડોસીમા! આટલાં ઉતાવળાં ક્યાં ચાલ્યાં?” ડોસીમા કહે, “રાજાને મહેલે.” “કેમ, કાંઈ નજરાણું ભરવા જાઓ છો?” “ના ભા, ના. અમારે ગરીબને વળી નજરાણું શું?” “અરે ભાઈ!” એક ટીખળી બોલ્યો, “એ તો હજરત સાહેબને રાજા પાસેથી છોડાવવા જાય છે!” ત્યાં તો બીજાએ કહ્યું, “ડોશીમા દેખાય છે સાદાંસીધાં, પણ બગલમાં બચકું લીધું છે તેમાં રતન હશે રતન. હજરત સાહેબને હમણાં છોડાવી લાવશે!” “હા બેટા,” ડોશીમા બોલ્યાં, “જાઉં છું તો હજરત સાહેબને છોડાવવા, આજ સવારે જ મારા કાને વાત પડી ને હું ચાલી નીકળી છું.” “લ્યો, આ ડોશીમા હજરતને છોડાવી લાવશે! .... અરે, ભલભલા અમીરોનું ધન ઓછું પડે છે, તો તમારી પાસે એવાં કયાં રતન છે?” “મારી પાસે તો શું હોય, ભઈલા?” “પણ બતાવો તો ખરાં!” છોકરાઓએ બહુ આગ્રહ કર્યો, ત્યારે ડોશીએ પોતાની પોટલી છોડી. અંદરથી સૂતરની ચાર આંટી નીકળી. “માજી! શું આ ચાર આંટીઓથી તમે હજરતને છોડાવી લાવવાનાં હતાં? પાછાં વળો, પાછાં!” “ભાઈ, હજરત સાહેબ છૂટશે કે નહિ, તેનો વિચાર હું ક્યાં કરું? પણ ખુદાના દરબારમાં જ્યારે પુછાશે કે હજરત સાહેબ કેદમાં પુરાયા હતા, ત્યારે તેમને છોડાવવા તમે શું કર્યું? ત્યારે હું મોં નીચું ઘાલીને ઊભી તો નહિ રહુંને?”