સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પોતાની જ મૃત્યુનોંધ


રોજ ઊઠીને છાપાંમાં કોઈની ને કોઈની મૃત્યુનોંધ લખવાની આવે. વરસોની એવી કામગીરીથી કંટાળેલા પત્રકારે એક દિવસ કોરો કાગળ લઈને તેને મથાળે સહેજે પોતાનું નામ લખ્યું. પછી એને થયું. લાવને, મારી પોતાની જ મૃત્યુનોંધ આજ તો લખી જોઉં! પોતાને વિશેનો અંતિમ લેખ લખવાનો પ્રસંગ જો આવે, તો માણસને તેમાં કઈ કઈ બાબતો રજૂ થયેલી જોવી ગમે?… અને લખતાં લખતાં તો ત્રણ પાનાં ભરાઈ ગયાં! જે જે વસ્તુઓ કરવાની ઝંખના એના દિલમાં હંમેશાં રહ્યા કરેલી, તે બધી જાણે કે સિદ્ધ થઈ ચૂકી હોય તે રીતે એણે પોતાને વિશે નોંધ લખી. તેમાં કેટલીક તેની અંગત બાબતો હતી, તો કેટલીક તેની આસપાસના સમાજને લગતી પણ હતી. “મરહૂમે,” એણે લખ્યું : “૩૨ વરસની ઉંમરે અરબી ભાષા શીખવા માંડેલી, અને બે વરસમાં તો એનો આસાનીથી ઉપયોગ કરતા એ થઈ ગયેલા. સ્કાઉટની એક ટુકડી ઊભી કરવામાં તેમણે સહાય કરેલી અને નગરના જાહેર જીવનમાં પણ ભાગ લીધેલો…” એ રીતે, પોતાના અંતરમાં સૂતેલી પડેલી આકાંક્ષાઓને તે પત્રકાર કાગળ પર આકાર આપતો ગયો. અને બીજે જ દિવસે જઈને એણે અરબી ભાષાના એક વર્ગમાં નામ નોંધાવ્યું. સ્કાઉટ પ્રવૃત્તિના મથકની મુલાકાત પણ તેણે લીધી… એમ એક પછી એક કદમ એ માંડતો ગયો. એ મૃત્યુનોંધ એની નજર સમક્ષ હવે એક મંઝિલ બની ગઈ — અને તેને સાચી પાડવા એ કામે લાગી ગયો. આ વિચાર આપણે સૌએ અમલમાં મૂકવા જેવો છે — ક્યારેક એકાદ પાનું લખી તો જોજો!