સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પ્રસન્ન દાંપત્ય


“ભાઈ, તમારું દાંપત્ય ખૂબ પ્રસન્ન મધુર છે; અમને એનું રહસ્ય નહીં કહો?” “બહુ સાદી વાત છે એ તો. અમે નિયમ કર્યો છે કે બધી મહત્ત્વની બાબતોનો નિર્ણય મારે કરવો ને મારી પત્નીએ તેને મંજૂર રાખવો; એ જ રીતે બધી સામાન્ય બાબતોનો નિર્ણય મારી પત્ની કરે અને મારે તે મંજૂર રાખવો. આથી અમારું ગાડું સરસ ચાલે છે ને મજા આવે છે.” “દાખલા તરીકે?” “બહુ સરળ વાત છે. જેમ કે, ઘરમાં ફ્રીઝ લેવું કે નહિ, રસોઈ શું કરવી, બાળકોએ શું પહેરવું, કયાં સગાં સાથે કેવો સંબંધ રાખવો, કયું પેપર મગાવવું, મૂડીનું રોકાણ શેમાં કરવું વગેરે સામાન્ય બાબતો મારી પત્ની નક્કી કરે છે અને તે હું ચૂપચાપ સ્વીકારી લઉં છું.” “તો તમારે કઈ વાત નક્કી કરવાની?” “હું બધી મહત્ત્વની બાબતોનો નિર્ણય કરું છું, જે મારી પત્ની ચૂપચાપ સ્વીકારી લે છે — જેમ કે, રાસાયણિક કારખાનાં દેશના કયા ભાગમાં નાખવાં, વીએટનામના યુદ્ધમાં અમેરિકાએ કયું વલણ રાખવું, કવિતા છાંદસ હોવી જોઈએ કે અછાંદસ વગેરે પ્રશ્નાો વિશે મારો નિર્ણય આખરી રહે છે.”