સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રકઝક


દાતણ વેચનારાં સાથે ભાવની રકઝક કરતાં ભલભલાં ભાઈબહેનોને આપણે જોઈએ છીએ. રોજિંદા વહેવારની એવી જ નજીવી કિંમતની વસ્તુઓ વેચતાં ગરીબો સાથે એ જાતનો વ્યવહાર કરતાં ઘણાં ભણેલાંગણેલાં ને સાધનસંપન્ન લોકો જોવા મળે છે. જેમકે — મોંઘા ભાવનો ઘાસચારો ગાયભેંશને ખવરાવી, ઢોરની સાથે ઢોર બનીને વૈતરું કરી દૂધ વેચતા માલધારીઓ સાથે. તાવડી-માટલાં, કૂંડાં વગેરે માટીનાં વાસણો બનાવી વેચનારા કુંભાર સાથે. દૂરદૂરથી ખજૂરીનાં પાન અને બીજી વસ્તુઓ લાવી તેનાં સાવરણી-સાવરણા બનાવી વેચનારાં સાથે. સીમમાંથી ખડ-બળતણ વાઢી-વીણી લાવી તેની ભારીઓ વેચતી કોઈ વિધવા બાઈ સાથે. દૂરથી જેને જોતાં પણ સૂગ ચડે તેવું મેલું આપણા પાયખાનામાંથી માથે ઉપાડી જનાર ભંગી ભાઈબહેનોને મહેનતાણું આપતી વખતે. શાકભાજી ખરીદતી વખતે તો રકઝકની આપણી કળા પૂરેપૂરી ખીલી ઊઠે છે. સાંજ પડી ગઈ હોય ને ઘેર જવા અધીરાં બનેલાં શાકવાળાં સ્ત્રીપુરુષો વધેલો માલ ઝટ વેચી દેવાની ઉતાવળમાં હોય, ત્યારે તેમની લાચારીનો લાભ લેવાનું આપણે બિલકુલ ચૂકતાં નથી. પણ મોટી દુકાનો ને મોંઘી હોટલમાં જઈએ છીએ ત્યારે તો ત્યાંના ભાવ વાજબી છે કે ગેરવાજબી તેની રકઝકમાં પડ્યા વિના, આપણે બિલ ચૂકવીને ચાલતી પકડીએ છીએ. [‘પુનર્રચના’ માસિક : ૧૯૭૦]