સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“આપને ઉપયોગી થઈ શકું?”

Revision as of 11:56, 6 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બેલ્જીઅમ દેશના રાજા એક વાર અમેરિકાની મુલાકાતે ગયેલા. એ ડિટ્રોઈટ શહેરમાં હતા ત્યારે ત્યાંના એક છાપાના ખબરપત્રીએ રાજાની વિદાયનો ચોક્કસ સમય જાણવા માટે એમના ઉતારાવાળી હોટલ પર ફોન કર્યો ને રાજાના અખબારી અધિકારી સાથે વાત કરવાની ઇચ્છા દર્શાવી. “એ હમણાં જ અહીંથી બહાર ગયા છે,” ટેલિફોનને સામે છેડેથી એક વિનયભર્યો અવાજ ખબરપત્રીને સંભળાયો. “પણ કદાચ હું એમને શોધી શકું તો જોઉં.” થોડી મિનિટ પછી એ જ અવાજ ફરી સંભળાયો : “હજી એ ક્યાંય દેખાતા નથી; પણ આપ જો ટેલિફોન ચાલુ રાખી શકો, તો હું ફરી વાર તપાસ કરી જોઉં.” હાથમાં ફોન પકડીને ખબરપત્રી ઊભો રહ્યો, ને થોડી વારમાં એ જ વિનયવંતો સૂર સંભળાયો : “માફ કરજો, પણ એમનો ક્યાંય પત્તો લાગતો નથી... પરંતુ હું આપને કાંઈ ઉપયોગી થઈ શકું ખરો?” “બેલ્જીઅમના રાજા બોદુઈન ડિટ્રોઈટમાંથી ક્યારે રવાના થવાના છે, તે હું જાણી શકું?” ખબરપત્રીએ પૂછ્યું. “હું પોતે જ બોદુઈન,” સામેથી અવાજ આવ્યો. “અમે આજે બપોરે ૨-૪૫એ ઊપડવાના છીએ.”