સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“ભગવાનને મારે અખાડે મોકલજે!”


છોટુભાઈ પુરાણીના નાના ભાઈ અંબુભાઈ. ગુજરાતમાં અખાડાપ્રવૃત્તિના સ્થાપક તરીકે પુરાણીબંધુઓ ઘેરઘેર જાણીતા થયા. મોટા ભાઈએ અંબુભાઈને પણ વ્યાયામમાં તૈયાર કર્યા. છોટુભાઈની ભાવના એવી કે, હું મોટો એટલે મારું મોત પહેલું આવશે; એ વખતે અખાડાપ્રવૃત્તિ ચાલુ રાખવાની જવાબદારી અંબુભાઈ ઉઠાવી શકશે. માણસો આવે ને જાય, પરંતુ રાષ્ટ્રની પ્રવૃત્તિ તો અખંડિત ચાલુ રહેવી જોઈએ. એ માટે તે અંબુભાઈ પર મદાર બાંધી રહ્યા હતા. પણ પછી બન્યું એવું કે અંબુભાઈને પોંડિચેરીનો સાદ સંભળાયો. ત્યાં જઈને અરવિંદ આશ્રમમાં પ્રભુની શોધમાં એ બેસી ગયા. છોટુભાઈની ગણતરી ઊંધી વળી ગઈ. બેય ભાઈઓ વચ્ચે પ્રેમસંબંધ એવો ને એવો. ક્યારેક મળવાનું થાય ત્યારે અંબુભાઈને છોટુભાઈ કહેતા : “તારા ભગવાનને મળવાની મને ફુરસદ નથી. તને એ ક્યાંય ભેટી જાય તો મારી સલામ કહેજે ને મારા અખાડા જોવા મોકલજે. મારા ભગવાન મારા અખાડામાં છે.” [‘નવસૌરાષ્ટ્ર’ અઠવાડિક : ૧૯૫૧]