સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રણવ દવે/દલિતવાસમાં કથા કરતા બ્રાહ્મણ

          આ હળાહળ કળિયુગમાં સાચા માણસને શોધવો એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ છે. પરંતુ કુદરતના ખજાનામાં પારસ અને મોતીની કોઈ ખોટ નથી. આવું એક વ્યકિતત્વ ચતુર્ભુજ ભટ્ટનું છે. ક્લાર્કમાંથી ડેપ્યુટી કલેક્ટર સુધીની પદોન્નતિ છતાં કોઈ ગર્વ નહીં, બ્રાહ્મણ ખોળિયું છતાં કોઈ જાત અભિમાન નહિ અને ભણેલા છતાં અભણોની વચ્ચે વસીને સદી વટાવી ચૂકેલા ચતુર્ભુજ ભટ્ટને દરેક જીવમાં તેમનો રામ સમાયેલો દેખાય છે. સવર્ણ કે દલિત શબ્દ તેમના શબ્દકોશમાં નથી. પચાસેક વર્ષ પહેલાં કોઈ બ્રાહ્મણ કે સવર્ણ દલિતોના વાસમાં જતો નહીં. ૪૫ વર્ષ પહેલાં અમદાવાદ જિલ્લાના વાઘોડિયા ગામે દલિતો અને સવર્ણો વચ્ચેની એક સંયુક્ત સભામાં એક દલિત ભાઈએ માગણી કરી કે, અમારા વાસમાં સત્યનારાયણની કથા કરાવવી છે. કોઈ બ્રાહ્મણ અમારા આંગણે આવવા તૈયાર છે? ત્યારે સભામાં સોપો પડી ગયો હતો. પરંતુ સભામાં ઉપસ્થિત તત્કાલીન મામલતદાર ચતુર્ભુજ ભટ્ટે બુલંદ અવાજે જાહેરાત કરી કે, હું કથા વાંચવા આવીશ. તે સાંજે વાઘોડિયાના દલિત વાસમાં ધામધૂમથી સત્યનારાયણ ભગવાનની કથા વંચાઈ અને પ્રસાદ પણ વહેંચાયો. હાલ ૧૦૧ વર્ષની વયે દર ચૈત્ર માસના પ્રારંભથી રામનવમી સુધી ચતુર્ભુજ ભટ્ટ ‘રામાયણ’ કથા વાંચે છે. અત્યારે ૨૪મી રામપારાયણ તેઓ કરી રહ્યા છે. છેલ્લા ૨૩ વર્ષથી તેઓ દર વર્ષે ચૈત્રમાં ‘રામાયણ’ વાંચે છે. ૧૧ ઓગસ્ટ, ૧૯૦૩ના રોજ જન્મેલા ચતુર્ભુજ દોલતરાય ભટ્ટ હાલમાં, ગુરુકુળ વિસ્તારમાં પુત્રને ઘરે આ ‘રામાયણ’ વાંચી રહ્યા છે. તેમણે અનેક વાર દલિતવાસમાં કથાની સાથોસાથ ભાગવત સપ્તાહ પણ કરી છે. આજ સુધી તેમણે કરેલી રામાયણકથામાંથી ક્યારેય કોઈનો એક પૈસો પણ અંગત સ્વાર્થ પાછળ ખર્ચ્યો નથી.

[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૪]