સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રદ્યુમ્ન તન્ના/પ્હેલો વરસાદ

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા! જાવા દે જરી.
ચારેકોર ઊભરતા હાલક હિલોળ મહીં
ઝબકોળાં થોડાંઘણાં થાવા દે જરી.
મા! થાવા દે જરી.
કેમ આજ રે’વાશે ઘરમાં ગોંધાઈ,
કેમ બારી ને બા’ર કીધાં બન્ધ?
ઝાલ્યો ઝલાય નહીં જીવ એવાં કે’ણ લઈ
આવી મત્ત માટીની ગન્ધ!
ફળિયાને લીમડે ગ્હેંકતા મયૂર સંગ
મોકળે ગળે તે ગીત ગાવા દે જરી,
મા! ગાવા દે જરી.
ચાહે ઘણુંય તોય રે’શે ના આજ કશું
તસુ એક હવે ક્યહીં કોરું,
જળે ભર્યાં વાદળાંના ઝુંડ પર ઝુંડ લઈ
ઝૂક્યું અંકાશ જ્યહીં ઓરું :
ઝડીયુંની જોરદાર જામી આ રમઝટમાં
થઈએ તરબોળ એવું ના’વા દે જરી,
મા! ના’વા દે જરી.
ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી
મા! જાવા દે જરી.
[‘કવિલોક’ બે-માસિક]