સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રભુદાસ ગાંધી/શૂરા સેનાપતિ સાથે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ઉનાળાની લૂની પેઠે શિયાળાની સવારે સાબરમતીને તીરે ટાઢો પવન પણ ખૂબ સુસવાટા મારતો. અમારી શાળામાં ભણવાના વખતમાં કોઈ આડુંઅવળું થતું, તો તે દરગુજર થતું. પણ મજૂરીનું કામ ચાલતું હોય ત્યારે એક બાળક પણ આડોઅવળો થાય કે આળસ કરે તો તરત જ એને જોતરવામાં આવતો. જો કે વધુ સાચી વાત તો એ છે કે તોફાની કે જડસુ છોકરાનેયે મહેનત-મજૂરીના કાર્યક્રમમાંથી છટકી જવાનું ખાસ મન નહોતું થતું. વ્યવસ્થા જ એવી હતી કે અમને કામનો ભાર જણાતો નહીં. ઉત્સાહભર્યા અમે કામની છુટ્ટીનો ઘંટ વાગે ત્યાં સુધી મંડ્યા રહેતા. અમારું એ વખતનું કામ સહેલું પણ ન હતું. જમીનના વિશાળ કટકામાં એ વખતે ગીચોગીચ બાવળની ઝાડી હતી. વચ્ચે વચ્ચે બોરડીનાં ઝાંખરાં યે હતાં. એ આખો કટકો સાફ કરી ત્યાં રમતનું મેદાન બનાવવાનું ઠર્યું. શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ તે કામ માથે લીધું. પ્રત્યેક શિક્ષકને ફાળે બે-બે ચાર-ચાર વિદ્યાર્થીઓ આવતા અને એક એક ટોળી મળી પોતાના ભાગનું કામ કરતી. શિયાળાના સૂસવતા વાયરામાં સવારના નાસ્તા પછી કાકાસાહેબ [કાલેલકર] જોડે અમે બેત્રણ વિદ્યાર્થીઓ બાવળના એકએક ઝાડને સમૂળું ઉખેડી નાખવા પાછળ કમર કસીને મંડ્યા રહેતા. બાવળનાં મૂળિયાં જમીનમાંથી સહેજે ખોદી કઢાય એવાં ન હતાં. ઊંડે ઊંડે સુધી જમીન ખોદવી પડતી, કુહાડી ચલાવવી પડતી, અને બાવળની લાંબી લાંબી શૂળોનો પાર નહોતો. અમે જ્યારે પગમાંથી કાંટા કાઢવા બેસતા ત્યારે ગણીગણીને આઠ-આઠ કાંટા એકએક જણાના પગમાંથી સોય વડે કાઢતા. પણ કામ કરતી વખતે કાંટા વાગ્યાને કારણે કામ અટક્યાનું મને યાદ નથી આવતું. એક શૂરા સેનાપતિ પેઠે કાકાસાહેબ બાંયો ચડાવીને ઝૂઝતા. બે-અઢી કલાક સુધી એક મિનિટ પણ એમનું કામ અટકતું નહીં. એમની ચકોર દૃષ્ટિ અને ગજબની સૂઝ દરેક થડિયા અને મૂળિયાને જમીનના ઊંડાણમાંથી છૂટા પાડવાની નવી નવી યુક્તિઓ શોધી કાઢતી. વાક્શૂર કાકાસાહેબ આ કામ ચાલતું ત્યાં સુધી ભાગ્યે જ એક-બે શબ્દો પણ ઉચ્ચારતા. એમને મૂંગે મોઢે કામ કરતા જોઈ અમારા ઉપર જાદુઈ અસર થતી અને એ કાંટાળા વનને હતું-ન-હતું કરવામાં અમે અમારો બધો ઉત્સાહ અને જોર ઠલવી દેતા.