સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/આંધળા

Revision as of 05:00, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બે ભારતીય લેખકોની આ વાત છે. વેદ મહેતા આંધળા છે, તોય એ ‘ધ ન્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          બે ભારતીય લેખકોની આ વાત છે. વેદ મહેતા આંધળા છે, તોય એ ‘ધ ન્યૂ યોર્કર’ અઠવાડિકના અગ્રગણ્ય કટારલેખક છે, સૂક્ષ્મ વર્ણનશકિત ધરાવે છે અને પૂરી વિગતો સાથે લખે છે. જ્યારે વિદ્યા નાઇપોલ સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા છે અને ગંભીર સ્વભાવ ને ઠાવકા મોં માટે પ્રખ્યાત છે. એક અમેરિકનને વિશ્વાસ નહોતો કે વેદ મહેતા આંધળા છે. તે આટલી ચોકસાઈથી લખે છે તો સાવ આંધળા તો હોઈ ન શકે, એમ એ અમેરિકન ભાઈ માનતો. એટલે એણે પોતાના એક ભારતીય મિત્રને વિનંતી કરી કે વેદ મહેતા ક્યાંક જાહેર પ્રવચન કરવાના છે ત્યાં એને લઈ જાય. વેદ મહેતા બોલતા હતા એમાં એ અમેરિકન ભાઈ કોઈ પણ અવાજ કર્યા વગર એની સમક્ષ ગયો, હાથ એના મોંની સામે ધરીને ચાળા કરવા લાગ્યો. બધું કર્યું, પણ વક્તા બોલતા હતા એવી જ શાંતિથી બોલતા રહ્યા અને એને કોઈ ખલેલ પડી હોય એમ લાગ્યું નહિ. ત્યાંથી પાછા વળતાં અમેરિકન ભાઈએ પોતાના મિત્રને કહ્યું: “વેદ મહેતા ખરેખર આંધળા છે અને એમને કશું દેખાતું નથી એનો મને પૂરો વિશ્વાસ બેઠો છે.” ભારતીય મિત્રે જવાબ આપ્યો: “પણ આ તો વેદ મહેતા નહોતા; વેદ મહેતા તો પાછળથી બોલવાના હતા. આ તો વિદ્યા નાઇપોલ હતા!”

[‘પ્રસન્નતાની પાંખડીઓ’ પુસ્તક]