સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/આ મંદિરને શું થયું?

          હું શ્રેષ્ઠતાનો ઉપાસક છું. જ્યાં કોઈ પણ જાતનું કામ, કોઈ પણ જાતની કૃતિ, પછી એ મનની હોય, હાથની હોય, વિચારની હોય, બુદ્ધિની હોય કે મહેનતની હોય, પણ સાચી હોય; ધ્યાનથી સુરુચિથી, ભાવથી, કૌશલ્યથી બનેલી હોય એવી કોઈ પણ કૃતિ જોઉં ત્યારે મારું દિલ હરખાય અને મારું માથું નમી પડે. એ મારો ઇષ્ટદેવ અને એ મારી પ્રેરણામૂર્તિ. હું સાચા કારીગરનો ભક્ત છું — પછી એ કડિયો હોય, લેખક હોય કે ભંગી હોય. જે કોઈ માણસ પોતાનું કામ સારી રીતે શીખે, જાણે, કરે; જે ચૂક્યા વગર હંમેશાં પોતાના ધંધાનું કે ઘરનું કામ ચોકસાઈથી, મમતાથી, કુશળતાથી, પ્રામાણિકતાથી કરે એને મારાં વંદન અને એની મારે પૂજા. મારી આગળ એ સાચો સાધક અને એ સાચો સંત.

હું અમદાવાદમાં રહેવા આવ્યો ત્યારે નેહરુ પુલ તાજો બંધાયેલો હતો. એ ગામનું નાક હતું, અને મને મારું પોતાનું ગૌરવ લાગતું. ગર્વ સાથે હું એની ઉપર ચાલતો, સાઇકલ ચલાવતો; એની ઉપરથી સાબરમતીનાં પાણી જોતો, રેતી જોતો. જૂના-નવા શહેરની વચ્ચે એ વજ્રકાય સેતુ, આધુનિક ભગીરથ વિદ્યાનો એ ચમત્કાર અહોભાવ અને મમતા સાથે નિહાળતો રહેતો. પુરુષાર્થનું સ્મારક હતું, પ્રગતિનો સાક્ષી હતો. નેહરુ પુલને વીસ વર્ષ પણ પૂરાં થયાં નથી, ત્યાં સમાચાર આવ્યા : પુલ પર તિરાડો પડેલી જણાઈ છે, એના બાંધકામમાં રહી ગયેલી ખામીઓને કારણે હવે સુધારા કરવા પડશે. વીસ વર્ષનું યુવાન સ્થાપત્ય ઘરડું થઈ ગયું હતું! જે પુરુષાર્થનું સ્મારક હતું, તે નબળાઈનો પુરાવો બન્યું છે. આ કરુણ સ્થિતિનું શું કારણ? નેહરુ તો વિજ્ઞાનના હિમાયતી હતા. વિકાસ અને પ્રગતિ માટે એમનો જીવનભરનો આગ્રહ હતો. માટે અમદાવાદમાં નવો આધુનિક પુલ બંધાયો ત્યારે જાણે સહજ પ્રક્રિયાથી એનું નામ નેહરુ પુલ પડ્યું. અને નેહરુજીનું નામ એના પર શોભતું હતું. પણ આજે એ હવે લાજે છે. આજની જાહેર બાંધકામની કૃતિઓ તો આધુનિક ભારતનાં મંદિરો છે, એવું નેહરુજી કહેતા. તો આ મંદિરને શું થયું? આ આધુનિક મંદિર વીસ વર્ષ પણ સમારકામ વગર ન ટકી શકે? શું આ આપણી પેઢીનો સંકેત હશે? આપણા છીછરાપણાનું, બેધ્યાનપણાનું પ્રદર્શન હશે? હજી નેહરુ પુલ પર ચાલું છું, સાઇકલ ચલાવું છું. પણ હવે હૃદયમાં ગૌરવ નથી, આનંદ નથી. પુલની બાજુમાં એનું નામ પોકારતી શિલા તરફ હવે હું જોતો નથી. હવે ફક્ત સામે કાંઠે બને તેમ જલદી પહોંચવાની ઇચ્છા રહે છે.