સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/કળિયુગના સ્નાતકો

          આજે ઘણા લોકોના મનમાં એક જાતની કળિયુગની ગ્રંથિ હોય છે — બધું ખરાબ છે; આજે ધર્મ નથી ને નીતિ નથી ને સત્ય નથી ને પ્રામાણિકતા નથી. પહેલાં એ બધું હતું, પણ અત્યારે નથી. પહેલાં લોકો સાચું બોલતા હતા, હવે ખોટું બોલવું પડે છે; પહેલાં પ્રામાણિક હતા, હવે ચોરી કરવી પડે છે. એટલે પહેલાં સારા હતા, હવે ખરાબ છીએ. પણ જેવા સંજોગો, તેવું વર્તનનું મૂલ્યાંકન જોઈએ. બધાં સાચું બોલતાં હોય એમાં હું પણ સાચું બોલું, એ સત્યનિષ્ઠાનું કોઈ પરાક્રમ નથી. પણ બધાં જૂઠું બોલતાં હોય, તેમાં હું કંઈ નહિ તો કોઈ કોઈ વાર અગવડ વેઠીને પણ સાચું બોલું એ ખરી સિદ્ધિ છે. સતયુગમાં સત્ય બોલવાનું પ્રમાણપત્ર સસ્તું છે — બધાંને જ મળે છે. જ્યારે કળિયુગમાં સત્યની અધૂરી સાધના પણ કીમતી છે. સહેલી પરીક્ષામાં બધા પાસ થાય, પણ એની કિંમત કેટલી? હાલ તો અઘરી કસોટી ચાલે છે; તેમાં એકાદ વાર નાપાસ થવાય તો યે વાંધો નથી. આખરે તો કળિયુગના સ્નાતકો પંકાશે.