સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/ખુમારી

          એ ખુમારી કહેવાય. અઘરું કામ પોતે માથે લઈને એમને માટે જ સહેલું કામ રહેવા દીધું. દિલમાં ખુમારી હતી એ એણે સહજ ભાવે બહાર આવવા દીધી. પ્રશ્નપત્રાને મથાળે લખ્યું હતું : ગમે તે પાંચના જવાબ લખો. અઘરો વિષય ગણાતો હતો, એની આ છેલ્લી પરીક્ષા હતી. એમાં પરીક્ષાર્થીઓની સગવડ ખાતર વિકલ્પ આપવામાં આવ્યો હતો. સાત પ્રશ્નાો પૂછયા હતા, એમાંથી પાંચ લેવાના હતા. એટલાનો સંતોષકારક જવાબ લખાય તો પૂરા ગુણ મળે. માટે પ્રશ્નપત્રા હાથમાં આવે કે તરત કયા પ્રશ્નાોથી કેટલો ફાયદો થાય એ બરાબર તપાસીને યોગ્ય પસંદગી કરવી, એ વિદ્યાર્થીઓનું પહેલું કામ હતું. પણ આ વિદ્યાર્થી જરા જુદી માટીનો હતો. એના હાથમાં પ્રશ્નપત્રા આવ્યો ત્યારે “ગમે તે પાંચના જવાબ લખો” એ સૂચના એણે પણ વાંચી. વાંચીને તે ધીમેથી હસ્યો. કુલ સાત પ્રશ્નાો છે એ તેણે જોઈ લીધું, અને ક્રમમાં જે પહેલો પ્રશ્ન આવતો હતો એ લઈને તેનો જવાબ લખવા માંડયો. એ પૂરો થયો ત્યારે ક્રમમાં આવતો બીજો પ્રશ્ન લીધો, પછી ત્રીજો... એમ કરી કરીને પાંચ નહીં પણ સાતેસાત પ્રશ્નાોના જવાબ લખ્યા. લખવાનું પૂરું કર્યું ત્યારે પરીક્ષાના સમયને પૂરો થવામાં થોડી મિનિટ બાકી હતી. પોતાના લખાણ ઉપર એણે એક ઊડતી નજર નાખી. સંતોષ થયો. ને ત્યારે ઉત્તરપત્રાના પહેલા પાનાના મથાળે એણે સ્પષ્ટ અક્ષરોથી લખ્યું : “ગમે તે પાંચ તપાસો....” તમે ગમે તે પાંચના જવાબ લખવાનું કહ્યું, તો હું ગમે તે પાંચ તપાસવાનું કહું છું. તમે સગવડ કરી આપી, તો હું તમને સગવડ કરી આપું છું. લ્યો, ગમે તે પાંચ તપાસો. તમને તપાસતાં સહેલા લાગે એ લો. હું પણ વિકલ્પો આપું છું. તમારી પાસે ઉદારતા છે, તો અમારી પાસે પણ છે. અમારું દિલ પણ મોટું છે. પછી વિજયના સ્મિત સાથે વિદ્યાર્થીએ ઉત્તરપત્રા નિરીક્ષકને આપ્યો.