સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/વાગ્યજ્ઞ

          મેં જિંદગીમાં એક મોટી ભૂલ કરી છે, જેનું પૂરું ભાન હમણાં હમણાં મને થવા માંડ્યું છે. કોલેજમાં ભણાવવા માટે મેં ગણિતનો વિષય લીધો, એ જ ભૂલ. જોકે ખરું જોતાં મેં એ લીધો નહીં, મારી પાસે લેવરાવ્યો. મારું આજ્ઞાપાલનનું વ્રત છે, એટલે સંઘના ઉપરીઓ મને આજ્ઞા કરે એ પ્રમાણે મારે વર્તવાનું હોય છે; એટલું જ નહીં પણ એમની આજ્ઞા ભગવાનની આજ્ઞા છે એમ સમજીને પાળવાની છે, અને એમાં કોઈ ભૂલ હોય તો ભગવાન એ સુધારશે અને વાંકાને સીધું બનાવશે એવી શ્રદ્ધા રાખવાની છે. મેં સ્પેનમાં ગ્રીક ભાષામાં અને તત્ત્વજ્ઞાનમાં ડિગ્રીઓ મેળવી હતી, એટલે ભારતમાં આવીને કોલેજમાં ભણાવવા મારે બીજી ડિગ્રી લેવાની હતી ત્યારે હું સંસ્કૃત અથવા ગુજરાતી લઉં તો સારું એવી નમ્ર સૂચના મેં કરી. તોય કોલેજ તો અમદાવાદમાં થવાની હતી; અમદાવાદમાં સંસ્કૃતના અને ગુજરાતીના ઉત્તમ અધ્યાપકો મળી શકે, જ્યારે ગણિતનો વિષય તો અઘરો છે અને અગત્યનો છે, માટે એની ખાતરી કરવા માટે વિશ્વાસના માણસને ત્યાં બેસાડીએ એ ખ્યાલથી મને મદ્રાસ યુનિવર્સિટીમાં ગણિત લેવાનું કહ્યું. આજ્ઞા માથે ચડાવીને મેં ગણિત લીધું અને વર્ષો સુધી નિષ્ઠાથી ને ઉત્સાહથી કોલેજમાં ભણાવ્યું. હવે, ઉપરીઓની આજ્ઞા કામ તો કરાવી શકે, પણ મનની રુચિ બદલાવી ન શકે. મારા મનમાં સાહિત્ય, ભાષા, શબ્દો માટેની રુચિ હતી તે એમ ને એમ રહી. મેં ગણિતને બદલે ગુજરાતી અથવા સંસ્કૃત લીધું હોત તો મારી એ કુદરતી રુચિ ખીલી જાત અને આખી જિંદગી એ પ્રિય વિષયની પાછળ આપી શકત. ગણિતની ફરજ તો પાળી, પણ પહેલી જ તકે રાજીનામું આપ્યું અને દબાયેલ સાહિત્યના શોખને બહાર આવવા દીધો. ભગવાન ઉપરીઓની ભૂલો સુધારે છે કે કેમ એ ખબર નથી, અને ભૂતકાળની સાથે ઝઘડવામાં માલ નથી એ વાત નક્કી, માટે હું વસવસો રાખતો નથી ને કોઈને દોષ દેતો નથી; પણ મને ગણિત લેવરાવવાનો નિર્ણય ખોટો હતો એ પણ સંકોચ વગર કહું છું. મારો વિચાર કરું ત્યારે મારે માટે નવાઈની વાત એ છે કે આ વાત આટલી સ્પષ્ટ હોવા છતાં વર્ષો સુધી હું એ જોવા, સમજવા, સ્વીકારવા તૈયાર નહોતો, અને હમણાં હમણાં જ એ મને દેખાઈ અને એ કબૂલ કરવાની હિંમત આવી. મેં ભૂલ કરી છે, મારાં જીવનનાં ઉત્તમ વર્ષો ખોટા વ્યવસાયમાં ખર્ચાયાં, બીજું ક્ષેત્ર મેં પસંદ કર્યું હોત તો કંઈક વધારે કરી શકત—એ સ્વીકારવાની ઇચ્છા નથી. માટે ભૂતકાળનો બચાવ થાય, ગણિતનો નિર્ણય સાચો હતો એમ શ્રદ્ધાથી કહેવાય, એથી અનેક લાભ મળ્યા છે એની ખાતરી અપાય, ઉપરીઓને, આજ્ઞાપાલનને, સંસ્થાને, પોતાની જાતને, સૌને સારું લગાડવાનો પ્રયત્ન થાય. પ્રયત્ન વ્યર્થ છે. ધર્મનો ગમે તેટલો ઓપ ચડાવાય તોય હકીકત તે હકીકત, અને ભૂલ તે ભૂલ. એ જોતાં મને બહુ વાર લાગી. એથી કોઈ રોષ નહીં ને અફસોસ નહીં. મારું જીવન જેવું છે અને મારો ભૂતકાળ જેવો બન્યો તેવાં જ સ્વીકારું છું. સાથે સાથે એ કહેવાની ચોકસાઈ રાખું છું કે મારે માટે ગણિતના માર્ગ કરતાં સાહિત્યનો માર્ગ વધારે યોગ્ય હતો. ગણિતમાં મઝા નથી પડી, એમ નથી. પડી. હા, અને સાહિત્ય લીધું હોત તો કદાચ અણધાર્યાં વિઘ્નો આવત અને આટલી સફળતા ન પણ મળત. સંભવ છે. પણ રસનો વિષય તો મળ્યો હોત, અને રસ તો જબરો કામ કરાવનાર છે. મને ભાષાઓ ગમે છે, સાહિત્ય ગમે છે, વ્યાકરણ ગમે છે, શબ્દો જ ગમે છે. જિંદગીના લાંબા ગાળા પછી મન મૂકીને શબ્દોની પાસે આવી શકું અને એમની મૈત્રી પૂરા દિલથી માણી શકું એ મારો અત્યારનો એક ધન્ય અનુભવ છે.

[‘શબ્દલોક’ પુસ્તક]