સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/શબ્દથી મૃત્યુ: શબ્દથી પ્રેમ

          શબ્દો ઘાતક છે, અને શબ્દો હકીકતમાં માણસને જાનથી પણ મારી શકે છે, એવાં ઉદાહરણો આપવાનો છું. આ એક દુ:ખની કહાણી છે અને એ લખતાં મને કષ્ટ પડે છે; પણ શબ્દોની અમંગળ શકિત અને અઘોરી જુલમ બતાવવા એ સાચી અને મર્મભેદી કથા છે, એટલે એ કહેવાની હિંમત કરું છું. લોકો વસ્તુ જોતા નથી, નામ જ જુએ છે. માણસો ભગવાનના ઉપાસકો નથી, ભગવાનના નામના જ ઉપાસકો છે. ભગવાન ગયો અને ભગવાનનું નામ જ રહ્યું. એમાં દુ:ખ એ આવ્યું કે ભગવાનનાં નામ ઘણાં હોવાથી હવે વચ્ચે વચ્ચે સંઘર્ષ થાય છે અને ભગવાનનું નામ લઈને લોકો બીજા ભગવાનનું નામ લેનારા લોકોને મારી નાખે છે. શબ્દોનો એ અંતિમ અત્યાચાર છે. હિંદુ-મુસ્લિમ રમખાણ. ક્યારે? એટલાં થયાં છે કે વર્ષ યાદ નથી. ઈસુએ તો ચેતવણી આપી હતી: “પોતે ભગવાનની સેવા કરી રહ્યા છે એમ માનીને જ લોકો તમને મારી નાખશે.” (યોહાન, ૧૬-૨) અભાગી ભવિષ્યવાણી સાચી પડી. આજે યુરોપમાં ખ્રિસ્તીઓની વચ્ચે, મધ્યપૂર્વમાં મુસ્લિમોની વચ્ચે, અને ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ઘાતક સંઘર્ષો થાય છે. એમાં એક ઘાતકી રમત. હિંદુઓના ટોળામાં એક મુસ્લિમ આવી જાય. ટોળું કહે: “ભગવાન બોલો.” મુસ્લિમ બોલે: “ખુદા.” અને એનો જીવ જાય. બીજા ખૂણામાં બીજો દાવ ખેલાય. મુસ્લિમોના ટોળામાં હિંદુ આવી જાય. ટોળું કહે: “ખુદા બોલો.” હિંદુ બોલે: “ભગવાન.” અને એનો જીવ જાય. બંને પક્ષો થાકી જાય ત્યાં સુધી એવી રમત રમાય. ભગવાન-ખુદાની રમત. એ શબ્દો લખતાં જ કેવો ઘેરો મૂંગો આઘાત દિલમાં અનુભવાય છે! સૌથી પવિત્ર ભાવના અને સૌથી ભયંકર નિષ્ઠુરતા. જીવનદાતાના નામે મોત. ધર્મના નામે મોત. ઈશ્વર તો એક જ છે. ભગવાન, ખુદા, ગોડ એક જ પરમ તત્ત્વનાં જુદાંજુદાં નામો છે. અને બધાં મળીને એ પરમ તત્ત્વની જુદીજુદી ઝલક પ્રગટ કરતાં જાય. પરંતુ અહીં તત્ત્વ કરતાં શબ્દ વધારે મહત્ત્વનો બને. વસ્તુ કરતાં એનું નામ વધારે કીમતી લાગે. અને એ નામ હવે એ પરમ તત્ત્વનું નહીં પરંતુ એક પ્રજા, એક સંસ્કૃતિ, એક પક્ષ, એક મોરચાનું બની જાય. એ અમંગળ સ્મરણ ભૂંસવા ઈશ્વરના નામની બીજી અને હવે તો હૂંફાળી વાત અહીં કરવી છે. સન ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે અથડામણ થઈ ત્યારે સ્થાયી શાંતિ સ્થાપવા માટે ભારતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ અયૂબખાન રશિયાના તાશ્કંદ શહેરમાં મળ્યા, અને દિવસો સુધી ખંતથી કામ કરીને છેવટે ઉભય પક્ષે માન્ય એવા શાંતિકરાર ઉપર સહી કરીને જંપ્યા. મિલનનો છેલ્લો દિવસ હતો. એક યુદ્ધ લડ્યાનો શ્રમ અને શાંતિ લાવ્યાનો પરિશ્રમ સૌ અનુભવતા હતા. સાથે સાથે સુખદ અંતનો સંતોષ સૌના હૃદયમાં હતો, અને વિશેષ તો જાગ્રત, સૌમ્ય, સ્થિર, નમ્ર, ગૌરવવંતા અને શાંતિપ્રિય શાસ્ત્રીજીના હૃદયમાં. મોડી રાત થઈ ગઈ હતી. હવે રાતના વિશ્રામ માટે છૂટા પડવાના હતા, અને બીજે દિવસે સવારે પોતપોતાના દેશ જવા સૌ રવાના થઈ જવાના હતા. છેલ્લી રાતની એ છેલ્લી ઘડીએ બંને રાજપુરુષો એકબીજાની સામે ઊભા રહ્યા અને હાથ મિલાવવા લાંબા કર્યા, ત્યારે શાસ્ત્રીજીએ સહજ સ્ફુરણાથી સુંદર શબ્દો ઉચ્ચાર્યા. એમ તો તેઓ ખાલી રોજ વાટાઘાટોમાં વપરાતી અને સૌને પરિચિત ને સૌની વચ્ચે તટસ્થ એવી અંગ્રેજી ભાષા વાપરીને “ગૂડ નાઈટ” કહી શક્યા હોત. પણ ભારતના વડા પ્રધાન, ભકિતમય હિંદુ શાસ્ત્રો જાણનાર માનનીય ‘શાસ્ત્રી’ મુસ્લિમોની રીતો પણ જાણતા હતા, અને મુસ્લિમો પરસ્પર અભિવાદન કરવા જે શબ્દો વાપરે છે તે એમણે એ વિરલ મુહૂર્તે વાપરવાનું પસંદ કર્યું. એમણે પાકિસ્તાનના પ્રમુખ સામે જોયું, એમનો હાથ પોતાના હાથમાં લીધો, સ્મિત કર્યું અને કૂણા ભાવથી દુવાના શબ્દો ઉચ્ચાર્યા: “ખુદા હાફિજ.” મુસ્લિમ પ્રમુખ આશીર્વાદના શબ્દો તરત ઓળખી ગયા અને કદર સાથે, આનંદ સાથે, શ્રદ્ધા સાથે પુણ્યશબ્દોના અરીસાનો પડઘો પાડીને સહજ વાક્ય બોલ્યા: “હાફિજ ખુદા.” એ શબ્દોનું સ્થાન હવે ઇતિહાસમાં છે. એક શાણા, ભલા, કુશળ, ઉદાર માનવીના છેલ્લા શબ્દો તરીકે એ માનવ-ઇતિહાસના અનંત ગ્રંથમાં નોંધાયેલા છે. એ દિવસો ને એ મહિનાઓના શ્રમનો ભાર શાસ્ત્રીજીના નાજુક બંધારણ ઉપર આવ્યો, અને ત્યાં ને ત્યાં એમનો દેહ તૂટ્યો. બીજે દિવસે સવારે સ્વદેશની યાત્રા કરવા એમને લેવા ગયા ત્યારે હૃદયના ઘોર હુમલાથી એઓ પથારીમાં જ મૃત્યુ પામેલા મળ્યા. યુદ્ધમાં તેઓ અણનમ રહ્યા હતા, શાંતિ-સુલેહ માટે ઇંતેજાર રહ્યા હતા, અને અલવિદાના સૌમ્ય હૂંફાળા શબ્દો વાપરવા જાગ્રત અને સંવેદનશીલ પણ બન્યા હતા. એમના હોઠ પર “ખુદા” એ શાંતિ અને પ્રેમની સંજ્ઞાવાળો શબ્દ બન્યો. એવો જ રહો!

[‘શબ્દલોક’ પુસ્તક]