સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બકુલ ટેલર/બેતાલીસ વરસની મજલ

Revision as of 05:26, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} જે સામયિકોએ વર્ષો સુધી પ્રતિષ્ઠાપૂર્વક ટકી રહી સાહિત્યન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          જે સામયિકોએ વર્ષો સુધી પ્રતિષ્ઠાપૂર્વક ટકી રહી સાહિત્યના જે તે તબક્કામાં વિશિષ્ટ પ્રદાન કર્યાં હોય તેની ફાઇલમાંથી પસાર થવું અત્યંત રોમાંચક હોય છે. જે સર્જકો આજે તેમની જે કૃતિઓથી ખૂબ પ્રતિષ્ઠિત થયા હોય, જે વિવેચકની પ્રતિભા આજે સાહિત્યજગતમાં નિર્ણાયક મૂલ્ય ધરાવતી થઈ હોય તેમના વિકાસકાળને સામયિકોમાં જોતાં જાણે ફરી એક નવી ઓળખ રચાતી હોય છે. તેમણે જે સામયિકને કૃતિપ્રાગટ્ય માટે પસંદ કર્યું હોય તેનાથી તે સામયિક અને તેના સંપાદકની તે કાળની પ્રતિષ્ઠાનો પણ સહજ ખ્યાલ તેમાં સમાઈ જતો હોય છે. બેતાલીસ વર્ષ સુધી પ્રગટ થતા રહેલા ‘કંકાવટી’ના લગભગ ૪૬૦-૭૦ અંકોના સંપાદક રતિલાલ ‘અનિલ’ મુશાયરાપ્રવૃત્તિમાં વર્ષો સુધી સંકળાયેલા લોકપ્રિય ગઝલકાર, ચળવળકાર. સ્વાતંત્ર્ય આંદોલનમાં જેલવાસ ગુજારી ચૂકેલા અને પછી પત્રકારત્વ વડે જીવનનિર્વાહ ચલાવતા હોય એવા પત્રકાર. એમના અંતિમ વર્ષ સુધી તેમાં લખતા રહ્યા. ‘કંકાવટી’માં આરંભથી જ કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન, આસ્વાદ સ્વરૂપે સામગ્રી પ્રગટ થતી રહી-મૌલિક અને અનૂદિત રૂપે. ‘અનિલે’ સ્વયં કોઈ ‘સંપાદકીય’ લખ્યું નથી. પોતાની ગઝલો, ગઝલવિષયક લખાણો અને નિબંધો તેમણે ‘હું સંપાદક છું’ એવો કોઈ વિશેષ ભાવ રાખ્યા વિના સહજક્રમે જ હંમેશ પ્રગટ કર્યાં છે. રતિલાલ ‘અનિલ’ પાસે સામયિક ટકાવી રાખવા માટે કદીય સારા આર્થિક સંજોગો નથી રહ્યા તોપણ તેને ચલાવવા કોઈ નુસખા અજમાવ્યા વિના, પોતે નિશ્ચિત કરેલા ધોરણના આગ્રહ સાથે સક્રિય રહી સામયિક ટકાવતા રહ્યા છે.

[‘કંકાવટી’ માસિક : ૨૦૦૬]