સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બકુલ ત્રિપાઠી/આ ભૂખનો વિચાર કરશું?

          એસ.એસ.સી. પૂરી કરી રહેલાં કિશોર-કિશોરીઓ હવે એક વિશાળ બૌદ્ધિક શૂન્યાવકાશમાં પ્રવેશી રહ્યાં છે. જગત વિશે, જાત વિશે, જીવન વિશે સમજ મેળવવાની ભૂખ આ ઉંમરે ઊઘડશે, તે સંતોષવાની તક તેમને નહીં મળે. બૌદ્ધિક જાગૃતિને અનુરૂપ સ્વતંત્રતા જે ઉંમરે મળે છે, તે જ ઉંમરે વાચનની દુનિયાનાં દ્વાર તેમને માટે જાણે કે બંધ થઈ જાય છે. શાળાનાં પુસ્તકાલયો ખાસ સમૃદ્ધ હોય છે એમ તો ન કહેવાય. તોયે જેને અભ્યાસેતર વાંચવું હોય તે વિદ્યાર્થી શાળાકાળમાં ઠીક ઠીક વાંચી શકે છે. જ્યારે કૉલેજના વિદ્યાર્થીઓ તો ગ્રંથાલયમાં જાય તે પાઠયપુસ્તકો માટે જ. ગ્રંથાલયોમાં જવા માટે કિશોરોને પ્રેરવાની કોઈ વ્યવસ્થા જ ન મળે. કૉલેજનાં ચાર વર્ષ એટલે લાઇબ્રેરી જોડે લેવાદેવા વિનાનાં વર્ષો. આમાં યુનિવર્સિટીનો, કૉલેજોનો, પ્રાધ્યાપકોનો ઘણો વાંક કાઢી શકાય. પણ સૌથી મોટો વાંક તો છે મા-બાપોનો, આપણો સૌનો. છાતી પર હાથ મૂકીને કહો, તમે કદી વિચાર કર્યો છે કે હવેના દોઢ મહિનાના નવરાશના ગાળામાં તમારો પુત્ર કે પુત્રી શું વાંચશે? કૉલેજમાં આવનાર સંતાન માટે કપડાં કે નવાં ચંપલનો જેટલો વિચાર કરીએ છીએ, તેના દસમા ભાગનોય એમની વાચનભૂખનો કરતા નથી આપણે; અને પછી ચાર વર્ષને અંતે એ ગ્રેજ્યુએટ લગભગ ‘બાર્બેરિયન’ જેવો થઈને બહાર પડે છે ત્યારે આપણે કાં તો કૉલેજના તંત્રાને, કાં તો જમાનાને કે ‘જનરેશન ગેપ’ને ગાળ આપી, એના નામનો નિસાસો નાખી કામે વળગીએ છીએ. દરમિયાન આપણું બીજું સંતાન એસ.એસ.સી. પાસ થઈ એવી જ રીતે અજ્ઞાનના અરણ્યમાં ભટકવાના તબક્કામાં પ્રવેશી રહ્યું હોય છે. પુસ્તકો અંગેની સગવડો વધારો, વાચન-શિબિરો યોજો, પ્રકાશન-યોજનાઓ આકારો, એવી કોઈ ભલામણો કરવાનું મન હવે નથી થતું. કારણ, એક વાત ચોખ્ખી છે કે આપણને વડીલોને જ પુસ્તકોની કંઈ પડી નથી, બાળકોને કંઈ વંચાવવાની આપણી રુચિ જ નથી, પૈસા અને સલામતી માટે ઝાવાં નાખવા સિવાય બીજાં સાંસ્કારિક મૂલ્યોની મા-બાપોને સાચી ચિંતા જ નથી. આપણે કબૂલ કરી લઈએ કે આપણે મોટેરાં એક અજ્ઞાની, અસંસ્કારી પેઢી છીએ અને આપણી પછીની પેઢીને આપણાથી ય વધુ અજ્ઞાની ને અસંસ્કારી રાખવા અંગે આપણને કંઈ જ વાંધો નથી.