સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બટુકદાસ નિમાવત/મહાનદના સાંનિધ્યનું સાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          માર્ક ટ્વેનનું મૂળ નામ હતું સૅમ્યુઅલ લેન્ગહોર્ન ક્લીમેન્સ. ૧૮૩૫માં તેમનો જન્મ. માર્ક ટ્વેનની ખરી જન્મદાતા તો મિસિસિપી નદી. મિસિસિપી એટલે દરિયા જેવી વિશાળ નદી. બાળક સૅમ્યુઅલના મન પર આ નદીની પ્રગાઢ અસર પડેલી. દશેક વર્ષના અભ્યાસ પછી સૅમ્યુઅલે નાનામોટા ધંધાઓ આદર્યા. તેની નવલકથા ‘ટોમ સોયરનાં પરાક્રમો’માં વાસ્તવમાં તો સૅમ્યુઅલનાં પરાક્રમો જ છે. ટોમની રખડુવૃત્તિ અને સાહસિકતા ટ્વેનના પોતાના જ ગુણોની અભિવ્યક્તિ છે. તેને પણ ટોમની જેમ પગ વાળીને બેસવું ન ગમે. શરૂઆતમાં છાપખાનામાં મદદનીશ તરીકે કામ કર્યું. પછી મિસિસિપી નદીમાં ચાલતી આગબોટના ચાલક તરીકે અનુભવ મેળવ્યો. સૈનિક બનવાનો અણગમતો પ્રયોગ થોડાંક અઠવાડિયાં માટે કરી જોયો. પત્રકારત્વનો પણ અનુભવ મેળવ્યો. મિસિસિપી નદીના અનુભવોની માર્ક ટ્વેનના સાહિત્ય પર પ્રગાઢ અસર છે. મિસિસિપી નદી તેમની કથાઓની પશ્ચાદ્ભૂમિકા તો છે જ, પણ મહત્ત્વનું પાત્ર પણ છે. સૅમ્યુઅલના જન્મ પછીનાં ચારેક વર્ષ બાદ એનાં માતપિતા હાનિબાલમાં જઈ વસ્યાં. અહીં સમુદ્ર જેવી પહોળે પટ્ટે વહેતી ધીરગંભીર મિસિસિપીનું સાંનિધ્ય સાંપડ્યું નાનકડા સૅમ્યુઅલને. આ વિશાળ નદીમાં આગબોટો, જહાજો નિરંતર આવનજાવન કરે. ગામમાં અવનવા લોકો આવ્યા કરે. નાવિકજીવનની સાહસસભર રોમાંચક વાતો સાંભળવા મળે. નાનકડા સૅમ્યુઅલમાં ગજબનું કુતૂહલ. ભટકતા-વિચરતા આવારા જેવા લોકોની વાતો સૅમ્યુઅલે અત્યંત રસપૂર્વક સાંભળેલી. લઘરવઘર રહેતા ગરીબ પણ સાહસોની અખૂટ મૂડી ધરાવતા લોકોનો સૅમ્યુઅલને બચપણમાં જ પરિચય થયો. તેના મનમાં મુફલિસ જેવા આ લોકો માટે ઊંડો સદ્ભાવ હતો. આ લોકો ભલે અભણ હતા પરંતુ તેમણે તેમનાં વિસ્મય અને સાહસિકતાને અકબંધ જાળવી રાખેલાં છે. તેમના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવ્યા કરે પણ તેઓ આ મુશ્કેલીઓને હસી કાઢે. હિંમત હાર્યા વિના, ઝૂક્યા વિના તેઓ જીવતા હોય છે. તેમનું હાસ્ય દંભરહિત, ખુલ્લા દિલનું અને તેમના વર્તનમાં નિખાલસતા. આ ગ્રામીણજનો જ ટ્વેનનાં પ્રેરણાસ્રોતો છે. તેમની પાસે ધનસંપત્તિ નથી પણ માનવતાની મૂડી છે. હિંમતનો પણ પૂરો ખજાનો તેમની માલિકીનો. સહકારની ભાવના ભારોભાર. હક્લબૅરી ફિન જેવો આવારા છોકરો પણ ગામનો અગત્યનો સભ્ય છે. તેની સલામતીની ચંતાિ સમગ્ર નગર કરતું રહે. અહીં હજુ શહેરી જીવનના દંભ અને સ્વાર્થ પ્રવેશ્યા નથી. ગ્રામજીવનની આ તાસીર ટ્વેનના જીવનમાં પણ દેખાય છે. એનામાં સાહસિકતા અને ભ્રમણવૃત્તિ ભારે પ્રબળ. ઠરીને ઠામ થવાનું તેના સ્વભાવમાં નહોતું. જાતજાતના વ્યવસાયો કર્યા. ધંધામાં ઘણી વાર દેવાળું કાઢ્યું. જગતના પ્રવાસે નીકળ્યા. હિંદુસ્તાનની મુલાકાત પણ લીધેલી. વીસ વખત આટલાન્ટિક સમુદ્ર ઓળંગીને લગભગ ૧૩ વર્ષ વતનની બહાર ગાળ્યાં. ૧૮૭૫માં ‘આટલાન્ટિક મન્થલી’ માટે ટ્વેને મિસિસિપી નદી પરના આગબોટના અનુભવોની ધારાવાહિક શ્રેણી લખી. પાછળથી થોડા ઉમેરાઓ સાથે ૧૮૮૩માં આ અનુભવો ‘લાઇફ ઓન ધી મિસિસિપી’ તરીકે પ્રગટ થયા. આ કૃતિમાં તેમના નદી પરના જીવનનું હૂબહૂ નિરૂપણ છે. તેમની પ્રસિદ્ધિ ટોચ પર પહોંચી ‘ટોમ સોયરનાં પરાક્રમો’ના પ્રકાશન બાદ. ૧૯૭૬માં પ્રસિદ્ધ થયેલી ‘ધી એન્ડવેન્ચર્સ ઓફ ટોમ સોયર’ તેમની અદ્ભુત કૃતિ છે. થોડાં વર્ષો પછી ટોમ સોયરનાં પરાક્રમો સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્ત્વના પાત્ર હકલબૅરી ફિનને લઈને બીજી કૃતિ રચી. ૧૮૮૪માં ‘ધી એન્ડવેન્ચર્સ ઓફ હકલબૅરી ફિન’ પ્રકાશિત થઈ. આ પુસ્તકે તો ધૂમ મચાવી દીધી. એના ટોમ અને હક જગતભરના કિશોરોનાં માનીતાં પાત્રો બની ગયાં. ટોમ સોયર અને હકલબૅરી ફિન બંનેની કથાઓ ટ્વેનના અંગત જીવનના અનુભવો પર આધારિત છે. ટોમ અને હકની વાતો બચપણના માધુર્યની કથાઓ છે. બંને ચિરંતન કિશોરો છે. બંનેની કથાઓ આપણામાં સૂતેલા બાળકને ઢંઢોળે છે, આપણા વીતેલા બચપણને પુન : તાજું કરે છે.

[‘માર્ક ટ્વેનની કથાસૃષ્ટિ’ પુસ્તિકા : ૧૯૯૯]