સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બર્ટ્રામ વુલ્ફ/“તેની ના કેવી રીતે પાડી શકું?”

          ૧૯૦૩ના સપ્ટેમ્બરની ૨૩મીએ જન્મેલો યુસુફ મહેરઅલી કાયદાનો અભ્યાસ કરતાં કરતાં મહમ્મદઅલી ઝીણાની ઑફિસોમાં ઘડાયેલો. પણ ઝીણા રાષ્ટ્રીય મહાસભામાંથી છૂટા પડ્યા અને પાકિસ્તાનનું જુદું મુસ્લિમ રાષ્ટ્ર સ્થાપવા પ્રયાસ કર્યો એટલે યુસુફ ગાંધી-પક્ષે ગયો. ૧૯૨૮માં તેણે બૉમ્બે યૂથ લીગની સ્થાપના કરી. અખિલ હિન્દ યુવક કાઁગ્રેસનો તે સામાન્ય મંત્રી બન્યો. ઇન્ડિપેન્ડન્સ ઑફ ઇન્ડિયા લીગનો મંત્રી બન્યો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા સાથે જોડાયેલા કાઁગ્રેસ સમાજવાદી પક્ષના સ્થાપકોમાંનો તે એક. પછી તો તે તેનો સામાન્ય મંત્રી પણ બન્યો. ઇંગ્લેંડમાં ત્રીસીમાં હું યુસુફ મહેરઅલીને પહેલી વાર મળ્યો. દેખાવે તે સશક્ત પણ તાજગીભર્યો હતો. ૧૯૪૬-૪૭માં અમેરિકામાં હું યુસુફને ફરી મળ્યો. આ ગાળા દરમિયાન ભારતમાં તેણે અંગ્રેજ અમલ નીચે કારાવાસ વેઠયો હતો, લાંબી ભૂખહડતાલનો અનુભવ લીધો હતો. લાહોર સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યાને પાંચ દિવસ થયા ત્યાં તો એ મુંબઈના મેયર તરીકે ચૂંટાયો હતો. યુસુફ હૃદયરોગથી પીડાતો હતો અને તેના ડૉક્ટરોએ તેને આરામ લેવાની કડક સૂચના આપી હતી. યુસુફ લેખકોને અને ખ્યાતનામ વ્યક્તિઓને હોટેલમાં પોતાની નાની રૂમમાં બોલાવી જતો. ત્યાં પથારીમાં પડ્યો પડ્યો તે તેની સાથે ફિલસૂફી, રાજકારણ, ઇતિહાસ, કલા, નીતિશાસ્ત્રા વગેરેના અગણિત પ્રશ્નો પર ઉત્સાહભેર વાર્તાલાપ કરવામાં ને વિચારવિનિમયમાં કલાકોના કલાક ગાળતો. તેનું હૃદય દિવસે દિવસે નબળું પડતું જતું હતું, પણ તેનું દિમાગ લગારે મંદ નહોતું પડ્યું. જાતભાતની વ્યક્તિઓ સાથે વાતો કરવાનો ને ચર્ચા ચલાવવાનો તેનો સતત ઉત્સાહ તેની શક્તિ નિચોવી લેતો હતો. તે એટલો બધો દુર્બળ થઈ ગયો હતો કે પાંજરામાં પાંખો વીંઝતા વનપક્ષીની જેમ આછાપાતળા દેહમાં તેનો જુસ્સો પ્રગટતો હતો. તે ઉનાળામાં હું ને મારી પત્ની કેપ કૉડના છેડે ગયેલાં. અમે યુસુફને અમારી સાથે આગ્રહપૂર્વક લઈ ગયેલાં. તેને વારંવાર શરદીના હુમલા થતા ને હૃદયને વિશેષ બોજો પડતો એટલે મોટા ભાગનો સમય તે બારીઓ બંધ રાખીને પથારીમાં વિતાવતો. પણ જ્યારે ઋતુ સાનુકૂળ હોય અને તેની તબિયત સહેજ સુધરી હોય ત્યારે તે ત્યાંના કલાકારો ને લેખકોની મુલાકાત લેતો અને તેના મગજમાં જે વિચારો રમી રહ્યા હોય તે પર અનંત ચર્ચાવિચારણા કર્યા કરતો. તેને રેતાળ ટેકરાઓ, દેવદારનાં ઝૂંડ અને સાગર બહુ ગમતાં. પણ રેતી ખૂંદીને ત્યાં પહોંચવાની તાકાત તેનામાં નહોતી. એક દિવસ સ્ટેશન વૅગનમાં અમે સાગરકાંઠે ઘૂમવાનું ગોઠવ્યું. અમે ઉપસાગરના અંદરના કિનારાની અને આટલાન્ટિક મહાસાગરના બહારના કિનારાની પ્રદક્ષિણા કરી. ભૂશિરના છેડે અમે પહોંચ્યાં ત્યારે મેં તેને જણાવ્યું કે આ સ્થાન ‘રેસ પૉઇન્ટ’ તરીકે જાણીતું છે. કારણ આ સ્થાનની આસપાસ ભરતી સમયે મહાસાગરનાં ને ઉપસાગરનાં પાણી સ્પર્ધામાં ઊતરે છે. સંકોચાતાં સંકોચાતાં યુસુફે પૂછ્યું, “તમે અહીં સહેજ થોભશો?” અમે થોભ્યાં. તે મહાસાગર ને ઉપસાગરના સંગમસ્થાને ગયો. પગરખાં કાઢી નાખ્યાં ને ઘૂમરાતાં પાણીમાં ફર્યો. બહાર આવ્યો ત્યારે તેના ચહેરા પર પ્રસન્નતાની આભા હતી. આવું સુખ તો મેં તેના મુખ પર કદીયે જોયું નહોતું. તેણે ખુલાસો કર્યો કે “અમે ભારતીયો દરેક સંગમને પવિત્રા સ્થાન માનીએ છીએ.” એ વખતે મને સ્પષ્ટ સમજાયું કે યુસુફમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી ફિલસૂફી અને ભારતીયોની પ્રાચીન શ્રદ્ધાનો સુભગ સમન્વય થયો હતો. જન્મે મુસલમાન હોવા છતાં તેની સહજ પ્રતિક્રિયા હિન્દુ તરીકેની હતી. છેવટે જ્યારે અંગ્રેજોએ ભારતમાંથી ખસી જવાનો સંકલ્પ કર્યો ત્યારે મેં યુસુફની કટુતા ઓસરતી જોઈ. તેનામાં કોઈ દ્વેષભાવ નહોતો. બ્રિટિશ રાજ્યને કારણે તેને ઘણો સમય જેલમાં વિતાવવો પડ્યો હતો, છતાં ભારતીય સંસ્કૃતિ ને સભ્યતાને બ્રિટને જે શુભ તત્ત્વો આપ્યાં હતાં તેની તે વિશેષ વાત કરતો. બ્રિટિશ પ્રણાલિકામાં અંતર્ગત ન્યાયની ભાવના, વ્યક્તિનું ને તેના નાગરિક હકોનું રક્ષણ વગેરેની તે ખાસ પ્રશંસા કરતો. ભારત જેવા વિશાળ ઉપખંડમાં એટલી બધી પ્રજાઓ ને બોલીઓ છે કે હિંદના બુદ્ધિજીવીઓને વ્યવહારમાં જુલમગારોની ભાષાને સર્વસામાન્ય ભાષા તરીકે સ્વીકારવી પડી છે, એ વાતની તે મજાક ઉડાવતો. તે ભાષાએ ભારતને માટે એક મહાન સાહિત્ય ને પ્રણાલિકાનો ખજાનો ખુલ્લો કર્યો છે ને ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરવામાં તે ફાળો આપી શકે તેમ છે. જે લોકોએ તેને આટલો લાંબો સમય જેલમાં પૂરી રાખ્યો હતો તેવા ‘બ્રિટિશ લોકોની ન્યાયભાવના’ વિશેની વાત પર મેં તેને ચીડવવાની કોશિશ કરી જોઈ. પણ તેણે ઊંડી લાગણીપૂર્વક કહ્યું, “અમને તે લોકો સતાવતા ત્યારે પણ તે વિશે તે બેચેન રહેતા. બ્રિટિશ જેલમાં ભૂખહડતાલ પર ઊતરીને હું વાંચવા માટે પુસ્તકો મેળવી શક્યો. હિટલરની કે સ્તાલિનની જેલમાં તો મને ગોળીએ દીધો હોત. પરદેશી રાજના અનિષ્ટ સામેનો ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહ એ સ્વાભાવિક ધારણા પર આધારિત હતો કે આપણી અસર પહોંચાડી શકાય એટલી સારી પ્રકૃતિ અંગ્રેજો ધરાવે છે. ભલેને ગાંધીની તે હાંસી કરતા ને તેમને જેલમાં પૂરતા, છતાં તેમના વિરોધને તે નોંધપાત્રા સમજતા. રખેને એકાદ વિરોધક અનશનમાં તે મરણ પામે એ ખ્યાલથી તે હંમેશાં ભયભીત રહેતા. તેટલા જ માટે તેમણે અમને શીખવ્યું હતું કે અંગ્રેજોની અનિષ્ટ બાબતોને ધિક્કારવી પણ અંગ્રેજોને વ્યક્તિ તરીકે ધિક્કારવા નહીં, તેમ જ તેમનામાં ને આપણામાં રહેલ ચેતનતત્ત્વને ધિક્કારવું નહીં.” જ્યારે તેણે મારી સાથે ગાંધી વિશે વાતો કરી ત્યારે હું સમજ્યો કે બન્ને વચ્ચે સ્નેહની ઉષ્મા ને નિકટતા હતી. બન્ને વચ્ચે ઓછેવત્તે અંશે પિતા-પુત્રનો, ગુરુ— શિષ્યનો, મિત્રા-મિત્રાનો સંબંધ હતો. યુસુફના સમાજવાદમાં જે સિદ્ધાંત-જડતા હતી, ઉગ્રતા હતી ને નીતિનિરપેક્ષ અંશો હતા તેમને ગાંધીના તત્ત્વજ્ઞાને કંઈક સંસ્કાર્યા હતા. ભારત પાછા ફરવા માટે યુસુફે પ્રોવિન્સટાઉન છોડ્યું ત્યારે મેં તેનો સામાન પેક કરાવવામાં સહાય કરી હતી. તેના સામાનનો વિસ્તાર ને વજન જોઈ હું ચોંકી ગયો હતો. તેણે સેંકડો પુસ્તકો, સામયિકો, હસ્તલિખિત લેખો એકઠાં કર્યાં હતાં. મને એમ લાગે છે કે દરેક હિંદી વધારે પડતો સામાન રાખે છે. પણ યુસુફના સામાનમાં તો બીજી ચીજવસ્તુઓ કરતાં પુસ્તકોનો ભાર જ અતિશય હતો. ક્યાં યુસુફનું સુકલકડી શરીર ને ક્યાં ગ્રંથોનો મોટો ભારો! કેવો વિરોધાભાસ! હૃદયરોગને કારણે તે હલકામાં હલકો સામાન પણ ઊંચકવા અશક્ત હતો. જાણે અમારી સર્વ કલા, સાહિત્ય, સંસ્કૃતિ, સભ્યતા, તેનાં પરિચિત સ્ત્રીપુરુષો ને સ્થાનોનાં સર્વ સ્મરણચિહ્નોને ભારત લઈ જવા મથતો હતો. મારે આડોશપાડોશના ત્રણ જણની સહાય માગવી પડી. અમે ચાર જણાએ યુસુફની ‘નાજુક સવારી’ને અને તેનાં પોટલાંને ગાડીમાં ગોઠવ્યાં. વિદાય વેળાએ મેં તેને આગ્રહપૂર્વક કહ્યું હતું કે તેણે પ્રવાસો, ભાષણો ને ચર્ચા વગેરે કાર્યક્રમો ઓછા કરી નાખવા. મેં તેને વિનંતી કરી કે તેણે તેની શક્તિ સાચવવી અને હવે પુસ્તકો મારફતે વિચારવ્યવહાર કરવો. તેણે મને અડધુપડધું વચન આપ્યું. પણ પછી મને તે કહેવા લાગ્યો કે હિંદની આમજનતા ભાષણ સાંભળવા ને નવું શીખવા એટલી બધી આતુર છે કે શક્ય હોય તેટલું શિક્ષણ દરેકે આપવું જ જોઈએ. તેણે મને પૂછ્યું, “કોઈ પણ સ્થાને ને કોઈ પણ સમયે આ કાર્યનો ઇનકાર હું કેવી રીતે કરી શકું? કામ તો ઢગલો પડ્યું છે. અને તે કરવામાં કેવો આનંદ છે!” ૧૯૫૦માં જ્યારે અમારા મિત્રોએ ભારતથી મને જાણ કરી કે યુસુફનું નાજુક હૃદય ધબકતું અટકી ગયું છે ત્યારે મને આશ્ચર્ય ન થયું. જીવનની અંતિમ ક્ષણ સુધી તેણે દિલથી જનસેવા કરી. યુસુફનો ગાઢ પ્રભાવ એટલા બધા લોકો પર પડ્યો છે કે ભારતથી આવેલ કોઈ પણ વ્યક્તિને અમારી મિત્રાતાનો ઉલ્લેખ કરું ત્યારે મારી કિંમત તેની નજરમાં વધી જાય છે. યુસુફ મારો મિત્રા હતો એમ સાંભળેલું હોય એવા લોકો મને શોધતા આવે છે. અને મને તો ભરોસો છે કે જે દેશનું અંતરતમ એણે મારી આગળ પ્રગટ કર્યું તે દેશની મુલાકાત લેવાની તક મને કોઈ વાર મળશે, તો તેનું નામ મારે સારુ પાસપોર્ટ જેવું થઈ પડશે.


(અનુ. મહેન્દ્રકુમાર મહેતા)


[‘નિરીક્ષક’ પખવાડિક : ૨૦૦૩]